આમોદ ચાર રસ્તા ઉપર દુકાન માલિકોએ ગેરકાયદેસર દબાણોનું માર્કિગ થતાં ફફડાટ ફેલાયો
દબાણો દૂર કરવાં નિયંત્રણ રેખા અંતર્ગત માર્કિંગ કરાતા દબાણ કર્તા લોકોમાં ફફડાટ-આમોદમાં નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા માર્કિગની કાર્યવાહી હાથ ધરાઈ
(પ્રતિનિધિ) ભરૂચ, આમોદમાં નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા આમોદ નગરપાલિકાના અધિકારીઓને સાથે રાખી નિયંત્રણ રેખામાં આવતાં ગેરકાયદેસર દબાણો ઉપર ર્માકિંગ કરવાની કાર્યવાહી હાથધરી હતી.જેથી દબાણ કર્તાઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ ચાર રસ્તા ઉપર અનેક દુકાન માલિકોએ નેશનલ હાઈવે નંબર ૬૪ ની મિલકતમાં ગેરકાયદેસર દબાણ કરી મોટા મોટા શોપિંગો બનાવી દીધા હતા.
જેનાં કારણે આમોદ ચોકડી ઉપર ટ્રાફિકની સમસ્યા વધી હતી.જે બાબતે જાગૃત નાગરિકોની ફરિયાદના આધારે આજ રોજ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા તેમની બાંધકામ રેખાની હદમાંથી ૧૩.૭૧ મીટર નિયંત્રણ રેખા ઉપર નેશનલ હાઈવે નંબર ૬૪ રોડના મધ્યમાંથી માપણી કરી નિયંત્રણ રેખાના ર્માંકિંગ કર્યા હતાં. આમોદ ચાર રસ્તા ઉપર પૂર્વ અને પશ્ચિમ દિશામાં અનેક દુકાન માલિકોએ ગેરકાયદેસર દબાણો કરી નેશનલ હાઇવેની સરકારી પ્રોપર્ટી ઉપર દબાણ કર્યુ હતુ.
ત્યારે આજ રોજ નેશનલ હાઈવેના અધિકારીઓ ભરત પટેલ તેમજ જીગર ગાવિતે આમોદ પાલિકાનાં મુખ્ય અધિકારી પંકજ નાયક તેમજ ઈજનેર કિરણ મકવાણાને સાથે રાખી રોડના મધ્યથી લાલ કલરથી ૧૩.૭૧ મીટરે ર્માંકિંગ કર્યુ હતું.જેથી વર્ષોથી દબાણ કરી માલીક બની બેઠેલા શોપિંગ સેન્ટરોના માલીકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.