પઠાનકોટમાં સાંસદ સન્ની દેઓલનાં ગુમ થયા હોવાના પોસ્ટર લાગ્યા
પઠાનકોટ, લોકસભાની ચૂંટણીમાં ભાજપની ટિકિટ પર ગુરદાસપુર બેઠક પરથી મોટી જીત મેળવીને સંસદ પહોંચેલા સન્ની દેઓલ ‘ગુમ’ થયા હોવાનું સામે આવી રહ્યુ છે. પઠાણકોટ રેલ્વે સ્ટેશન પર તેમના પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. પઠાણકોટનાં લોકોનો આક્ષેપ છે કે ભાજપનાં સાંસદ સન્ની દેઓલે લોકસભાની ચૂંટણી પુરી થયા પછી એક વાર પણ ગુરદાસપુરની મુલાકાત લીધી નથી.
અહેવાલ મુજબ પઠાણકોટ રેલ્વે સ્ટેશન પર ‘ગુમ થયેલા, સાંસદ સન્ની દેઓલ’ નાં પોસ્ટરો લાગેલા છે. લોકોનો આક્ષેપ છે કે, તેઓ આ વિસ્તારમાં વિકાસ અને અન્ય વ્યવસ્થાઓને એકવાર પણ જોવા કે નજર કરવા આવ્યા નથી. આ પહેલા પણ સન્ની દેઓલ પ્રતિનિધિની નિમણૂક અંગેનાં વિવાદોમાં સામેલ હતા. પ્રતિનિધિની નિમણૂક માટે કોંગ્રેસે તેમને ઘેરી લેવાનો પ્રયાસ કર્યો હતો, જેના આધારે તેમને સ્પષ્ટતા કરવી પડી હતી.સન્ની દેઓલે ગુરદાસપુર લોકસભા મત વિસ્તારની કામગીરીની દેખરેખ રાખવા અને વિવિધ સભાઓમાં ભાગ લેવા પ્રતિનિધિ તરીકે નિમણૂંક કરી હતી. પરંતુ તેઓની પ્રતિનિધિ નિમણૂંક થયા બાદથી વિવાદ શરૂ થયો હતો. સન્ની દેઓલે આ મામલે ખુલાસો આપ્યો છે. સન્ની દેઓલે પ્રતિનિધિની નિમણૂક અંગેનાં વિવાદને બિનજરૂરી અને કમનસીબ ગણાવ્યો છે. આ અંગે તેણે ફેસબુક પર એક પોસ્ટ પણ લખી હતી.
પંજાબનાં ગુરદાસપુરનાં સાંસદ, સન્ની દેઓલ, લોકસભાનાં પહેલા સત્રમાં ૩૭ દિવસમાંથી ૨૮ દિવસ ગેરહાજર રહ્યા હતા. આ સમયગાળા દરમિયાન તેમણે માત્ર ૯ બેઠકોમાં ભાગ લીધો હતો. આ અંગે વિપક્ષી પાર્ટીઓએ સન્ની દેઓલને ઘેરી લેવાનો પ્રયાસ કર્યો. સન્ની દેઓલે ગુરદાસપુર લોકસભા બેઠક પરથી કોંગ્રેસનાં નેતા સુનિલ જાખડને હરાવ્યા હતા. સની દેઓલે સુનીલ જાખડને ૭૫ હજારથી વધુ મતોનાં અંતરે હરાવ્યા હતા.