પીજી મેડિકલમાં પ્રવેશ માટે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર
અમદાવાદ, પોસ્ટ ગ્રેજ્યુએશન મેડિકલ-ડેન્ટલમાં પ્રવેશ માટે આખરે પ્રવેશ સમિતિ દ્વારા પ્રોવિઝનલ મેરિટલિસ્ટ જાહેર કરાયું છે. મેરિટ લિસ્ટમાં કુલ ૪૬૬૩ ઉમેદવારોનો સમાવેશ કરાયો છે. ૧૪૦ ઉમેદવારો એવા છે કે તેઓ લાયક ન હોવાથી તેમનો સમાવેશ કરાયો નથી.
આ ઉમેદવારોને આગામી ૧૮મીથી એમડી-એમએસની કુલ ૨૮૪૨ બેઠકો ઓફર કરાશે. પોસ્ટ ગ્રેજ્યુએશનમાં પ્રવેશ માટે નીટ લેવાયા બાદ કાનૂની વિવાદના કારણે પ્રવેશ પ્રક્રિયા શરૂ થઇ શકી નહોતી. પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવાની માગણી બાદ કેન્દ્રીય પ્રવેશ સમિતિ દ્વારા પ્રવેશ માટેનો કાર્યક્રમ જાહેર કર્યાે હતો. આજે પ્રવેશ સમિતિ દ્વારા પી.જી.મેડિકલમાં પ્રવેશ માટે પ્રોવિઝનલ મેરિટલિસ્ટ જાહેર કરી દેવાયું છે.
રાજ્યમાં એમડી-એમએસની કુલ ૨૮૦૩ બેઠકો અને ડિપ્લોમાની ૩૯ મળી કુલ ૨૮૪૨ બેઠકો ઉપલબ્ધ છે. આ બેઠકો પર પ્રવેશ માટે કુલ ૪૮૦૩ વિદ્યાર્થીએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જે પૈકી ૪૬૬૩ વિદ્યાર્થીનો મેરિટયાદીમાં સમાવેશ કરાયો છે.
જનરલ કેટેગરીના ૧૮૮૫, એસઇબીસી કેટેગરીના ૧૧૩૫, એસસી કેટેગરીના ૨૯૮, એસટી કેટેગરીના ૩૪૧, ઇડબલ્યુએસ કેટેગરીના ૧૦૦૪, પીડબલ્યુડી કેટેગરીના ૩૮, એનઆરઆઈના ૩૮ અને ઇન સર્વિસ કેટેગરીના ૧૯ ઉમેદવારોનો સમાવેશ પ્રોવિઝનલ મેરિટલિસ્ટમાં કરાયો છે.
વિવિધ કારણોસર ૧૪૦ ઉમેદવારોએ રજિસ્ટ્રેશન કર્યા પછી પણ સમાવેશ કરાયો નથી. પી.જી. મેડિકલમાં ઓલ ઇન્ડિયાની બેઠકો માટે આગામી ૨૦મી સુધીમાં પહેલો રાઉન્ડ પુરો કરાશે. સ્ટેટ ક્વોટાની બેઠકો માટે ૧૮મીથી ૨૭મી નવેમ્બર સુધીમાં પ્રવેશ કાર્યવાહી કરવાની સૂચના અપાઈ છે.
પહેલા રાઉન્ડમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીએ ૪ ડિસેમ્બર સુધીમાં પ્રવેશ કન્ફર્મ કરવાનો રહેશે. સ્ટેટ ક્વોટાની બેઠકો માટે ૧૨મીથી ૨૩મી ડિસેમ્બર વચ્ચે બીજો રાઉન્ડ કરવામાં આવશે. બીજા રાઉન્ડમાં ૨૮મી ડિસેમ્બર સુધીમાં પ્રવેશ કન્ફર્મ કરાવવાનો રહેશે. બેઠકો ખાલી રહે તો ૭મી જૂનથી ૧૩મી જૂન વચ્ચે ત્રીજો રાઉન્ડ કરાશે.SS1MS