દારૂની હેરાફેરી કરો છો કહી બે શખ્સે એક્ટિવાચાલકના ૧.૬૧ લાખ લૂંટી લીધા
અમદાવાદ, સીટીએમ ચાર રસ્તા નજીક રહેતા વ્યક્તિ સારંગપુર ઘંટાકર્ણ માર્કેટમાં કુરિયર કંપનીમાં નોકરી પૂર્ણ કરીને રાત્રે તેના સાથી મિત્ર સાથે ઘરે પાછા આવી રહ્યા હતા.
આ સમયે રખિયાલ નિશાન ઇન્ડસ્ટ્રી કંપનીના ગેટ પાસે પહોંચ્યા તે સમયે નંબર પ્લેટ વગરની એક્ટિવા લઈને આવેલા બે શખ્સોએ તમે દારુની હેરાફેરી કરો છો તેવું કહીને નોકરીયાત બંને વ્યક્તિને ઊભા રાખ્યા અને તેમના વાહનની ડેકી ખોલાવીને તપાસ કરવા લાગ્યા હતા.
થોડીવારમાં એક્ટિવા પર આવેલા બે શખ્સોમાં એક આરોપી યુવકે તેની પાસે રહેલી છરી કાઢીને યુવકના સાથીકર્મીના ગરદન પર મૂકીને ખિસ્સામાંથી રોકડા રૂ. ૧૧ હજાર કાઢી લીધા હતા અને ગળામાં પહેરેલી સોનાની ચેઈન લૂંટીને બંને ફરાર થઇ ગયા હતા.
આ મામલે યુવકે રખિયાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.સીટીએમ નજીક યશવિજય સોસાયટીમાં પરિવાર સાથે રહેતા રજનીકાંત પટેલ (ઉં. ૪૬) સારંગપુર ઘંટાકર્ણ માર્કેટમાં કુરિયર કંપનીમાં નોકરી કરે છે. તેમની સાથે નોકરી પર તેમનો મિત્ર મુકેશ પણ રોજ સાથે અવરજવર કરતા હોય છે.
૯ નવેમ્બરે રાત્રે રજનીકાંત અને મુકેશ નોકરીથી છુટીને એક જ ટુ-વ્હીલર ઘરે જતા હતા. રખિયાલ નિશાન ઇન્ડસ્ટ્રીઝ પાસે પહોંચ્યા ત્યારે પાછળથી નંબર પ્લેટ વિનાની કાળા કલરની એક્ટિવા પર આવેલા બે યુવકોએ રજનીકાંત ભાઈના ટુ-વ્હીલરને ઊભું રાખાવ્યું અને દારુની હેરાફેરી કરો છો તેમ કહીને તેમના વાહનની ડેકીની તપાસ કરવા લાગ્યા હતા.
આ સમયે રજનીકાંતે કહ્યું કે અમે તો નોકરીયાત છીએ અમે શા માટે આવા ધંધા કરવાના હતા. એક્ટિવા પર આવેલા બેમાંથી પાછળ બેઠેલા યુવકે તેની પાસે રહેલી છરી કાઢીને રજનીકાંતના સાથી મુકેશની ગરદન પર મૂકી દીધી અને તેમના ખિસ્સામાં રહેલા રોકડા રૂ. ૧૧ હજાર કાઢી લીધા હતા.
રજનીકાંતભાઈએ ગળામાં પહેરેલી રૂ. ૧.૫૦ લાખની ચેઈન ખેંચીને ફરાર થઇ ગયા હતા. રજનીકાંતે ફરિયાદ નોંધાવતા રખિયાલ પોલીસે દીપુ અને અજાણ્યા યુવક સામે લૂંટનો ગુનો નોંધ્યો છે.SS1MS