પ્રભાસે રૂપિયા ૬૦૦ કરોડમાં ત્રણ ફિલ્મ સાઈન કરી
મુંબઈ, બોલિવૂડના એ-સ્ટાર્સને ઈર્ષા આવે તેવી ફી પ્રભાસને મળશે, પણ અલ્લુ અર્જુન કરતાં તો પાછળ જ રહેશે. રેબેલ સ્ટાર તરીકે ચાહકોમાં લોકપ્રિય એવા પ્રભાસ સાથે કન્નડના જાણીતા પ્રોડક્શન હાઉસ હોમ્બલે ફિલ્મ્સે ત્રણ પ્રોજેક્ટના કરાર કર્યા છે.
હોમ્બલે દ્વારા એક ફિલ્મ માટે પ્રભાસને રૂ.૨૦૦ કરોડ લેખે ત્રણ પ્રોજેક્ટ માટે રૂ.૬૦૦ કરોડ ચૂકવવામાં આવશે. પ્રભાસને મળી રહેલી આ રકમ બોલિવૂડના એ ગ્રેડ સ્ટાર્સને પણ ઈર્ષા આવે તેવી છે. ઉલ્લેખનીય છે કે, હોમ્બલે દ્વારા અગાઉ ‘કંતારા’ ‘કેજીએફ’, ‘કેજીએફ ૨’, ‘સાલાર ૧’ જેવી ફિલ્મો બનાવવામાં આવી છે. પ્રભાસ સાથે નક્કી થયેલી ત્રણ ફિલ્મો પૈકી સૌ પ્રથમ ‘સાલાર ૨’ ૨૦૨૬ના વર્ષમાં રિલીઝ થશે.
ત્યાર બાદ ૨૦૨૭ અને ૨૦૨૮માં એક-એક ફિલ્મ આવશે. પ્રભાસની ફિલ્મોનો ઓવરડોઝ ના થાય તે રીતે આ ત્રણેય ફિલ્મો શીડ્યુલ કરવામાં આવી છે.
‘સાલાર ૨’ સિવાય અન્ય બે પ્રોજેક્ટ અંગે કોઈ જાણકારી બહાર આવી નથી. ટ્રેકટોલિવૂડના રિપોર્ટ મુજબ, આ ત્રણ ફિલ્મો માટે પ્રભાસને અધધ કહી શકાય તેવી રૂ.૬૦૦ કરોડની રકમ ચૂકવવામાં આવશે. આમ, ફિલ્મ દીઠ પ્રભાસને રૂ.૨૦૦ કરોડ મળશે, જે કોઈપણ ઈન્ડિયન સ્ટાર માટે એક રેકોર્ડ સમાન છે.
ભારતીય એક્ટર્સમાં પ્રભાસે બોલિવૂડના તમામ માંધાતાને પાછળ રાખી દીધાં છે. ટોપ-૧૦ હાઈએસ્ટ ગ્રોસિંગ ભારતીય ફિલ્મોમાં પ્રભાસની ‘બાહુબલિ ૨’, ‘કલ્કિ ૨૮૯૮ એડી’ અને ‘બાહુબલિ’નો સમાવેશ થાય છે. આમ, પ્રભાસનો બોક્સઓફિસ રેકોર્ડ તથા લોકપ્રિયતા જોતાં પ્રોડક્શન હાઉસ માટે લાભનો જ સોદો કહી શકાય.
ત્રણ ફિલ્મો માટે રૂ.૬૦૦ કરોડ મળવા છતાં અલ્લુ અર્જુનની સરખામણી પ્રભાસને ઘણો પાછળ કહી શકાય. કારણ કે ‘પુષ્પાઃ ધ રૂલ’ માટે અલ્લુ અર્જુનને રૂ.૩૦૦ કરોડ આપવાનું નક્કી થયું છે. આ રકમમાં તેની ફી ઉપરાંત પ્રોફિટ શેરનો પણ સમાવેશ થાય છે.
અલ્લુ અર્જુનની સરખામણીએ પ્રભાસ માટે નક્કી થયેલી ફી ઓછી કહી શકાય. જો કે પ્રભાસને ફિલ્મ દીઠ રૂ.૨૦૦ કરોડ ઉપરાંત પ્રોફિટ શેર પણ અપાય તેવી શક્યતા છે. જો આ પ્રકારની અટકળો સાચી હોય તો, અલ્લુ અર્જુનને માત આપીને સૌથી વધુ ફી મેળવનારા ભારતીય એક્ટર્સમાં પ્રભાસ નંબર-૧ બની જશે.SS1MS