Western Times News

Gujarati News

કેન્દ્રના સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ૧૨%નો વધારો

(એજન્સી)નવી દિલ્હી, કેન્દ્ર સરકારે આ સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની જાહેરાત કરી છે. આ વધારો તે કેન્દ્રીય કર્મચારીઓ અને સ્વાયત્ત સંસ્થાઓ (જાહેર સાહસો વિભાગ) ના કર્મચારીઓ માટે લાગુ થશે જેઓ ૫માં અને ૬ઠ્ઠા પગાર પંચ મુજબ પગાર મેળવી રહ્યા છે. આ સંદર્ભમાં, નાણા મંત્રાલયના જાહેર સાહસોના વિભાગે ૭ નવેમ્બર ૨૦૨૪ના રોજ ઓફિસ મેમોરેન્ડમ બહાર પાડ્‌યું હતું.

૬ઠ્ઠા પગાર પંચ મુજબ, પગારદાર કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું વર્તમાન ૨૩૯%થી વધારી ૨૪૬% કરવામાં આવ્યું છે. આ વધારો ૧ જુલાઈ, ૨૦૨૪થી લાગુ થશે. છઠ્ઠા પગાર પંચ હેઠળ મોંઘવારી ભથ્થામાં સાત ટકાનો વધારો કરવામાં આવ્યો છે. જેથી જો કોઈ કર્મચારીનો મૂળ પગાર રૂ. ૪૩,૦૦૦ છે,

તો અગાઉ ૨૩૯% ડ્ઢછ હેઠળ તેને કુલ રૂ. ૧,૦૨,૭૭૦ પગાર મળતો હતો. ૨૪૬%ના નવા દર મુજબ, હવે તેનો કુલ પગાર રૂ. ૧,૦૫,૭૮૦ થશે. એટલે કે પગારમાં સીધો મહિને ૩,૦૦૦ રૂપિયાનો વધારો થશે.૫માં પગાર પંચ મુજબ, પગારદાર કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું હાલના ૪૪૩% સામે ૧૨ ટકા વધારીને ૪૫૫% કરવામાં આવ્યું છે. જેનો અમલ પણ ૧ જુલાઈ, ૨૦૨૪થી લાગુ થશે.

દિવાળી પહેલાં કેન્દ્ર સરકારે સાતમા પગાર પંચને દિવાળી ભેટ આપતાં મોંઘવારી ભથ્થામાં ૩ ટકાનો વધારો કર્યો હતો. આ પગારપંચ હેઠળ પગારદારો અને પેન્શનધારકોનું મોંઘવારી ભથ્થુ હવે ૫૦ ટકાથી વધી ૫૩ ટકા થયું છે. જેનો અમલ ૧ જુલાઈ, ૨૦૨૪થી લાગુ થશે.

મોંઘવારી ભથ્થુ સરકારી કર્મચારીઓ અને પેન્શનધારકોને મોંઘવારીના મારથી રાહત આપવા વર્ષમાં બે વખત મોંઘવારી ભથ્થુ વધારવામાં આવે છે. જે ફુગાવાના આધારે નક્કી થાય છે. પાંચમા અને છઠ્ઠા પગાર પંચ હેઠળ પગાર મેળવતા પગારદારો અને પેન્શર્નસે આ વધારવામાં આવેલા મોંઘવારી ભથ્થાનો લાભ મળશે.

મોંઘવારી ભથ્થુ વધારવાના નિર્ણયથી સરકારી કર્મચારીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વર્તમાન મોંઘવારીના કપરાકાળમાં કેન્દ્ર સરકારે મોંઘવારીનું ભથ્થું વધારી કર્મચારીઓની દેવદિવાળી સુધારી દીધી છે. કેન્દ્ર સરકારે લીધેલા આ નિર્ણયથી હવે તમામ રાજ્ય સરકારના કર્મચારીઓ પણ ખુશ જોવા મળી રહ્યાં છે.

કેન્દ્ર સરકાર નિર્ણય લે તે પછી એક પછી એક રાજ્ય સરકારો તેને અનુસરતી હોય છે. આમ, હવે દેશનાં મોટાભાગના રાજ્યોમાં સરકારી કર્મચારીઓનાં મોંઘવારી ભથ્થામાં વધારો થશે. ખાસ કરીને નિવૃત્ત જીવન વિતાવતા પેન્શનધારકોને રાહત મળશે. કેન્દ્ર સરકારે લીધેલા નિર્ણય બાદ રાજ્ય સરકારોએ પણ પોતાના કર્મચારીઓને આપવાના થતાં વધુ મોંઘવારી ભથ્થાનું ગણિત ગણવાનું શરૂ કરી દીધું છે.

મોદી સરકારે લીધેલા આ મહત્ત્વપૂર્ણ નિર્ણયની વ્યાપક અસર પડવાની છે. મોંઘવારી ભથ્થામાં કરાયેલા વધારાનાં કારણે સરકારની તિજોરી ઉપર બોજો પડશે. પરંતુ વર્તમાન મોંઘવારીના કપરાકાળમાં સરકારે વધારેલા મોંઘવારીના ભથ્થા દરથી કર્મચારીઓ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. વર્ષમાં બે વર્ષ મોંઘવારી ભથ્થું વધારવામાં આવે છે અને આ વખતે ૧૨ ટકા વધારવામાં આવતાં કર્મચારી મહામંડળોએ તેને આવકાર આપ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.