દેશમાં દરરોજ 65 બાળકો ટાઈપ વન ડાયાબિટીસના શિકાર બની રહ્યા છે
વર્લ્ડ ડાયાબિટીઝ ડે : -દર વર્ષે ડાયાબિટીસ અંગેની જાગૃતિ માટે 14 નવેમ્બરે વર્લ્ડ ડાયાબિટીઝ ડે મનાવવામાં આવે છે. આ વર્ષની થીમ “બ્રેકીંગ બેરિયર્સ, બ્રીજીંગ ગેપ્સ” છે. ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં, ડાયાબિટીસનું પ્રમાણ ચિંતાજનક દરે વધી રહ્યું છે. તાજેતરના આંકડાઓ દર્શાવે છે કે આ બીમારી માત્ર ઉંમર અને વજનથી જ નહીં, પણ આજના અણઘડ જીવનશૈલી અને વધેલા ખાંડના સેવનને કારણે પણ વધી રહી છે. Wockhardt- World Diabetes Day
વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટના સિનિયર નિષ્ણાતો ચિરાગ માત્રાવાડિયા, ડૉ. ભૂમિ દવે, અને ડૉ. દિલીપ વ્યાસના માર્ગદર્શન મુજબ, ડાયાબિટીસને કાબૂમાં રાખવા માટે યોગ્ય ખોરાક, નિયમિત કસરત અને દવાનો સમયસર ઉપયોગ જરૂરી છે. ડાયાબિટીસ માત્ર એક શારિરિક સ્થિતિ નથી; તે વ્યક્તિના સમગ્ર જીવનને અસર કરે છે અને સમયસર કાળજી લેવી જરૂરી છે. ડૉ. દવે અને ડૉ. વ્યાસના જણાવ્યા અનુસાર, ડાયાબિટીસને સંપૂર્ણ રીતે દૂર કરી શકાતું નથી, પરંતુ યોગ્ય જીવનશૈલી અપનાવવાથી તેને નિયંત્રિત કરી શકી શકાય છે.
ચિરાગ માત્રાવાડિયા (સિનિયર કન્સલ્ટન્ટ હેડ ક્રિટિકલ કેર અને ઇન્ટેન્સિવિસ્ટ) એ જણાવ્યું હતું કે, “છેલ્લા કેટલાક દાયકાથી દેશ અને ગુજરાતમાં ખોરાકમાં સુગરનું પ્રમાણ વધ્યું છે. લાઇફસ્ટાઇલમાં અનિયમિતતાને લીધે ઉત્પન્ન થતી બિમારી ડાયાબિટીસ પર એક મેડિકલ રિપોર્ટ રજૂ કરાયો હતો. જે અનુસાર ગુજરાતમાં આશરે 28.5 ટકા દર્દીઓમાં હાયપર ટેન્શન અને 23.5 ટકા દર્દીઓમાં સ્થૂળતા ડાયાબિટીસના મુખ્ય કારણો ગણાય છે.
વર્તમાન સમયમાં દેશમાં દરરોજ 65 બાળકો ટાઈપ વન ડાયાબિટીસના શિકાર બની રહ્યા છે. વૈશ્વિક સ્તરે જોઈએ તો ડાયાબિટિસનો દર પાંચમો કિશોર દર્દી ભારતીય છે. કોરોના બાદ ડાયાબિટીસના દર્દીઓની સ્થિતિ વધુ કપરી બની છે. ડાયાબિટીસ રોગ કોઈપણ ઉંમરના વ્યક્તિને થઈ શકે છે. ડાયાબિટીસને જડમૂળમાંથી કાઢી શકાતો નથી પરંતુ યોગ્ય ખોરાક, વ્યાયામ અને યોગ્ય દવાઓ થકી તેને કાબૂમાં રાખી શકાય છે.”
ડૉ. ભૂમિ દવે (સિનિયર કન્સલ્ટન્ટ ફિઝિશિયન અને ઇન્ટેન્સિવિસ્ટ) એ જણાવ્યું હતું કે, “ટાઇપ-2 ડાયાબિટીસના સંદર્ભમાં ભારત વિશ્વના ટોચના 10 દેશોની યાદીમાં સામેલ છે. કેન્સર અને હૃદય રોગ પછી, ડાયાબિટીસ એવો રોગ છે જે સૌથી ઝડપથી વધી રહ્યા છે. ડાયાબિટીસ સાયલન્ટ કિલર છે. ડાયાબિટીસ એ જીવનશૈલીનો રોગ છે. ભારતમાં આ રોગ મહામારીનું સ્વરૂપ લઈ રહ્યો છે. ડાયાબિટીસ ઘણા કારણોસર થાય છે.
આવી સ્થિતિમાં તેનાથી બચવાના ઉપાયો પણ અલગ છે.શરીરમાં ઇન્સ્યુલિનના અપૂરતા ઉત્પાદનને કારણે ડાયાબિટીસ થાય છે. આ આનુવંશિક, વધતી ઉંમર અને સ્થૂળતાને કારણે છે. જો કોઈ વ્યક્તિને ડાયાબિટીસ છે, તો તેણે તેની જીવનશૈલીનું ધ્યાન રાખવું જોઈએ. સ્વ-નિરીક્ષણ પણ જરૂરી છે. આ સાથે ખાવાનું ધ્યાન આપો અને ચરબી અને કાર્બોહાઇડ્રેટનું સેવન ન કરો. સ્થૂળતાને વધવા ન દો, જો આવું થતું હોય તો તેને ઘટાડવાનો પ્રયાસ કરો.”
ડૉ. દિલીપ વ્યાસ (સિનિયર કન્સલ્ટન્ટ, સિનિયર ફિઝિશિયન અને એસોસિએટ પ્રોફેસર ઑફ મેડિસિન)એ જણાવ્યું હતું કે, “મધુમેહ એક ભૌતિક સંસ્કૃતિનો શબ્દ છે, જે બધું કહી જાય છે. જેમ તમે મિત્રો કે સગાના ગુણ-અવગુણોને સ્વીકારીને જીવતા હો, તે જ રીતે ડાયાબિટીસવાળા વ્યક્તિને ખોરાકની પરેજી, નિયમિત નિષ્ણાંત ડૉક્ટર દ્વારા તપાસ અને સલાહ તથા સૌથી અગત્યની વસ્તુ – કસરત, કસરત અને કસરત – અપનાવવી જરૂરી છે. જેમને વારસાગત આની શક્યતા હોય, તે ખોરાક, કસરત અને વજન કંટ્રોલથી અટકાવી શકાય છે. ડાયાબિટીસવાળા દર્દી માટે સામાન્ય જીવન જીવવું અશક્ય નથી.