Western Times News

Gujarati News

સોમનાથ કાર્તિકી પૂર્ણિમા મેળો 2024ના ત્રીજા દિવસે 3 લાખ જેટલા સહેલાણીઓ પધાર્યા

લોકગાયક શ્રીકિર્તીદાન ગઢવીના સુરે ભક્તિ, લોકગીત અને સાહિત્યથી પ્રેક્ષકો તરબોળ થયા

મેળાના સાત્વિક અને સફળ આયોજનમાં આનંદ માણવા પંથક ભરમાંથી લોકો ઉમટ્યાં-સોમનાથ ટ્રસ્ટ, વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા ઉચ્ચ સ્તરીય વ્યવસ્થાઓને પગલે મેળામાં સલામતી સાથે આનંદ અપરંપાર

સોમનાથ,  શ્રી સોમનાથ ટ્રસ્ટ આયોજિત કાર્તિકી પૂર્ણિમા મેળાના ત્રીજા દિવસે મેળાનું સ્વરૂપ પોતાની ચરમસીમાએ પહોંચ્યું હતું. માત્ર ભેગા મળે જ નહીં સમગ્ર સૌરાષ્ટ્રમાંથી લોકો કાર્તિકી પૂર્ણિમાનો મેળો માણવા સોમનાથ દાદાના સાનિધ્યમાં પહોંચ્યા હતા સોમનાથ ટ્રસ્ટ દ્વારા વિશાળ પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવેલ હોય લોકો નિશ્ચિંત પણે મેળામાં પ્રવેશી પોતાના પરિવારો સાથે મેળાનો સાત્વિક આનંદ માણી રહ્યા હતા.

ત્રીજા દિવસે મેળાનું સૌથી મોટું આકર્ષણનું કેન્દ્ર વિશ્વપ્રસિદ્ધ લોકગાયક શ્રી કિર્તીદાનભાઈ ગઢવીનો લોક ડાયરો હતો. કિર્તીદાનભાઈ ગઢવીએ સોમનાથ મહાદેવની આરાધનાથી શરૂ કરેલ લોક ડાયરો મધ્યરાત્રી સુધી અનેક જૂના લોકગીતો, ભક્તિ ગીતો, શોર્ય ગીતો, દેશભક્તિ ના ગીતો સાથે સોળે કલાએ ખીલ્યો હતો.

અને તેમાં પણ જ્યારે સોમનાથ મહાદેવની આરતી કિર્તીદાનભાઈ ગઢવી ના મુખે ગવાતી હોય લાખો શ્રદ્ધાળુ એકઠા થયા હોય ત્યારે લોકોએ પોતાના ફોનની ટોર્ચ લાઈટ શરૂ કરી ડિજિટલ આરતી કરી હતી. તેમજ આરતીના અંતે જય સોમનાથ અને હર હર મહાદેવ નો નાથ જ્યારે એકી સાથે લાખો શ્રદ્ધાળુઓએ કર્યો ત્યારે મેળામાં આવનાર સૌ કોઈએ શિવત્વનું સાનિધ્ય પ્રાપ્ત કર્યું હોય તેવી અનુભૂતિ થઈ હતી.

મેળાના ત્રીજા દિવસે પણ નાના બાળકોની રાઇડ્સ, ખાણી-પીણી, રાચરચીલું, ઇન્ડેક્સ-સી હસ્તકલા અને લલિત કલા ગેલેરી, સહિતના તમામ એકમો અને વેપારીઓને અદભુત પ્રતિસાદ મળ્યો હતો. વેપાર ની અંદર ઉત્તરોત્તર પ્રગતિ જોઈ વેપારીઓ પણ આનંદિત થયા હતા. સાથે જ વેપારીઓના જણાવ્યા અનુસાર પ્રતિ વર્ષની સાપેક્ષમાં લોકોની ખરીદ શક્તિ વધી હોય તેઓ વેપારીઓને સ્પષ્ટ અનુભવ થયો હતો.

આમ લોકોની સુરક્ષા અને સુખાકારીને કેન્દ્રસ્થાને રાખીને શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આયોજિત કલા વ્યંજન અને આનંદથી ભરપૂર કાર્તિકી પૂર્ણિમા મેળાને લોકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.