સરકારી નોકરીમાં રહેમરાહે નિમણૂક નિહિત અધિકાર નથીઃ સુપ્રીમ કોર્ટ

Files Photo
નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે સરકારી નોકરીમાં રહેમરાહે કરાતી નિમણૂક અંગે મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે બુધવારે જણાવ્યું હતું કે, કરુણાના આધારે અપાતી સરકારી નોકરી અધિકાર નથી. નોકરીના કાર્યકાળ દરમિયાન મૃત્યુ પામનાર કર્મચારીની શરતમાં આવો કોઇ ઉલ્લેખ હોતો નથી.
સુપ્રીમ કોર્ટે ૧૯૯૭માં મૃત્યુ પામેલા પોલીસ કોન્સ્ટેબલ પિતાના પુત્ર દ્વારા કરાયેલી અરજીને નકારતી વખતે મહત્વની ટિપ્પણી કરી હતી. અરજીમાં પુત્ર સાત વર્ષનો હતો ત્યારે પિતા મૃત્યુ પામ્યા હોવાથી નોકરીની માંગણી કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટેની બેન્ચે જણાવ્યું હતું કે, આ મુદ્દે વ્યક્તિ કે વ્યક્તિઓના જૂથની તરફેણમાં રાજ્યને કોઇ નિર્દેશ આપી શકાય નહીં.
બેન્ચ વતી ચુકાદો લખતા જજ મસિહે જણાવ્યું હતું કે, “કરુણાના આધારે નોકરીમાં કરાતી નિમણૂકનો ઇરાદો પરિવારના સભ્યના મૃત્યુ વખતે ઊભી થયેલી તાત્કાલિક નાણાકીય કટોકટીને હળવી કરવાનો હોય છે. લાંબા સમય પછી તેને અધિકાર ગણી નોકરી માટે દાવો કરી શકાય નહીં.
નોકરીના કાર્યકાળ દરમિયાન મૃત્યુ પામનાર કર્મચારીની શરતમાં આવો કોઇ ઉલ્લેખ હોતો નથી.”સુપ્રીમ કોર્ટે ચુકાદામાં જણાવ્યું હતું કે, “વિવિધ માપદંડોની યોગ્ય અને સઘન તપાસ કરુણાના આધારે નિમણૂક કરાય છે. જેનો હેતુ પરિવારના એક માત્ર કમાઉ સભ્યના અવસાન પછછી અચાનક ઊભી થયેલી નાણાકીય સ્થિતિમાં મદદ કરવાનો હોય છે.
ઉપરાંત, આવી નિમણૂક પોલિસીમાં દર્શાવેલી શરતોને આધિન હોય છે. સુપ્રીમ કોર્ટે અરજદાર ટિંકુના કેસની સુનાવણી વખતે તમામ સ્પષ્ટતા કરી હતી. જેમાં ટિંકુના પિતા જયપ્રકાશ ૧૯૯૭માં ફરજ બજાવતી વખતે અન્ય ઓફિસર સાથે મૃત્યુ પામ્યા હતા.
એ વખતે ટિંકુ સાત વર્ષનો હતો. ટિંકુની માતા નિરક્ષર હોવાથી કરુણાના આધારે પોતાના માટે નોકરીની અરજી કરી શકે તેમ નહીં હોવાથી તેમણે ‘સગીરો માટેના રજિસ્ટર’માં પુત્રનું નામ લખાવ્યું હતું.
જેથી પુખ્ત વયના થયા પછી પુત્રને નોકરી મળી શકે. જોકે, ટિંકુએ ૨૦૦૮માં નોકરી માટે અરજી કરી ત્યારે પિતાના મૃત્યુને ૧૧ વર્ષ પસાર થઈ ચૂક્યા હોવાથી ઓથોરિટીએ તેની અરજી નકારી કાઢી હતી. જેની સામે ટિંકુએ કોર્ટમાં અરજી કરી હતી.SS1MS