કેનેડા દેશના વર્ક વિઝા અપાવવાના નામે છેતરપિંડી
અમદાવાદ, શહેરના મકરબા વિસ્તારમાં ઇમિગ્રેશનની ઓફિસ શરૂ કરીને કેનેડામાં સલૂનને લગતી નોકરી માટે વર્ક પરમીટ વિઝા અપાવવાનું કહીને ત્રણ લોકોએ મહિલા સાથે છેતરપિંડી આચરી છે.
આરોપીઓએ મહિલાના ચાર લાખ મેળવી લીધા હતા અને સાથે સાથે સિક્યોરિટી પેટે ચાર લાખનો ચેક મેળવી બારોબાર વટાવી લીધો હતો. બીજીતરફ આરોપીઓએ ૧૦ લાખનો ચેક બાઉન્સ કરાવી ૨૦ લાખનો ચેક સિક્યોરિટી પેટે લઈને છેતરપિંડી આચરી હતી.
આ મામલે સરખેજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સાથે જ પોલીસને શંકા છે કે આરોપીઓએ અન્ય શહેરો કે રાજ્યોમાં પણ લોકો સાથે આ પ્રકારે છેતરપિંડી આચરી હોઇ શકે છે.
સાઉથ બોપલમાં રહેતા પારૂલબેન રાણા બોપલમાં સલૂન ધરાવે છે. ગત માર્ચ ૨૦૨૩માં સલૂન પર નીતિન પાટીલ અને વિજયાબેન સાવલે આવ્યા હતા. તેમણે કેનેડા વર્ક પરમીટનું મોટું કામ કરતા હોવાની ઓળખ આપી હતી.
બાદમાં પારૂલબેન આ આરોપીઓની મકરબા ખાતે આવેલી પેસેફિક રિલોકેશન સર્વિસની ઓફિસ પર મળવા માટે ગયા હતા. જ્યાં નીતિન પાટીલે તેમને ૩૨ લાખ, ૪૫ લાખ અને ૫૩ લાખના કેનેડાના પેકેજની માહિતી આપી હતી. સાથે સાથે ખાતરી આપી હતી કે, પેમેન્ટ સિસ્ટમમાં સગવડ કરી આપશે. પારૂલબેને ૩૨ લાખનું પેકેજ નક્કી કર્યું હતું. જે મુજબ ૨૦ લાખની બેંક ગેંરટી અને બીજા ૧૨ લાખ કેનેડા પહોંચીને આપવાનું નક્કી થયુ હતું.
જોકે, પ્રોસેસના નામે તેમની પાસેથી પાંચ લાખનો ખર્ચ કરાવવાની સાથે બે સહી કરેલા ચેક માગ્યા હતા. પારૂલબેને તેમના કેટલાક ડોક્યુમેન્ટ પણ આરોપીઓને આપ્યા હતા. સાથે જ આરોપીઓએ પારૂલબેન પાસેથી ચાર લાખ રોકડા મેળવી લીધા હતા અને તેમની જાણ બહાર ચાર લાખનો ચેક બારોબાર જમા કરાવી દીધો હતો.
બીજી બાજુ આરોપીઓએ ૧૦ લાખનો ચેક બાઉન્સ કરાવી ૨૦ લાખનો ચેક સિક્યોરીટી પેટે મેળવી લીધો હતો, પંરતુ, વિઝાની કામગીરી લંબાતા પારૂલબેને બેંક ગેંરટી રદ કરી ત્યારે નીતિને પ્રોસેસ ચાલુ હોવાનું કહેતા પારૂલબેને કેનેડા નહીં જવાનું નક્કી કરીને નાણાં પરત માગ્યા હતા.
આરોપીઓએ લાખો રૂપિયા મેળવીને ધમકી આપીને વિઝા ન આપી છેતરપિંડી આચરતા આ મામલે પોલીસને જાણ કરાઇ હતી. સરખેજ પોલીસે નીતિન પાટીલ, વિજયાબેન સાવલે અને ચેતન શર્મા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.SS1MS