મ્યુનિ.ની અંતિમ નોટિસ: ખૂટતા પાર્કિંગની ફી ભરી ગેરકાયદે બાંધકામ નિયમિત કરાવી લો
અમદાવાદ, શહેરનાં વિવિધ વિસ્તારોમાં મ્યુનિ. એસ્ટેટ ખાતાની અને સ્થાનિક રાજકારણીઓની મીલીભગતથી થયેલાં રહેણાક અને કોમર્શિયલ પ્રકારનાં ગેરકાયદે બાંધકામોને નિયમિત કરાવવા તથા તેમાં ખૂટતા પાર્કિંગ અંગે રાજ્ય સરકારે પ્રસિધ્ધ કરેલાં સુધારાનો લાભ લઇ લેવા મ્યુનિ.એ અંતિમ નોટિસ જારી કરી છે.
મ્યુનિ.એસ્ટેટ-ટીડીઓ ખાતાનાં સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, સાત ઝોનનાં જુદા જુદા વોર્ડમાં રહેણાક અને કોમર્શિયલ પ્રકારનાં ગેરકાયદે બાંધકામો થઇ ગયાં છે, તેને નિયમિત કરવા માટે રાજ્ય સરકારે અનધિકૃત વિકાસને નિયમિતતા એક્ટ નં ૦૧-૨૦૨૩થી જાહેર કર્યાે છે. જેનો લાભ લેવાની છેલ્લી તારીખ ૧૬મી ડિસેમ્બર નિર્ધારિત કરવામાં આવેલી છે.
સૂત્રોએ કહ્યું કે, રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલાં એક્ટ અન્વયે ઈમ્પેક્ટ ફી ભરી ગેરકાયદે બાંધકામોને નિયમિત કરવા માટે સાત ઝોનમાંથી કુલ ૬૬૧૩૫ અરજી આવી હતી. જેમાંથી ૧૭૩૧૯ અરજી મંજૂર થતાં મ્યુનિ.ને ૧૮૨ કરોડ જેટલી જંગી આવક થવા પામી છે.
જોકે, તમામ ગેરકાયદે બાંધકામ જુદા જુદા કારણોસર મંજૂર થઇ શકે તેવા હોતા નથી.તેમાંય રાજ્ય સરકારે જારી કરેલાં ઈમ્પેક્ટ ફીનાં કાયદામાં આ વખતે પાર્કિંગની સમસ્યાને ધ્યાને લઇ આકરી જોગવાઇઓ કરી હોવાથી અનેક ગેરકાયદે બાંધકામ મંજૂર થઇ શકે તેમ નહોતા.
બીજી બાજુ ઈમ્પેક્ટ ફીનાં કાયદાની મુદત હવે પૂરી થવા આવતી હોઇ આ મામલે રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત થતાં રાજ્ય સરકારે ખૂટતા પાર્કિંગ અંગેની જોગવાઇમાં સુધારો કરીને ફી વસૂલ કરવાનું ઠરાવ્યું છે. તે જોતાં મ્યુનિ.માંથી ૩૩૫૨૦ અરજીઓ જે જુદા જુદા કારણોસર નામંજૂર થઇ છે, તેમાંથી પાર્કિંગની જોગવાઇનાં કારણે નામંજૂર થઇ છે તેવા બાંધકામને નિયમિત કરવાની અરજીઓ રિઓપન થઇ શકશે અને મ્યુનિ.ની આવકમાં વધારો થશે.
સૂત્રોએ કહ્યું કે, રાજ્ય સરકારે જારી કરેલાં કાયદાની મુદત ૧૬મી ડિસેમ્બરે પૂરી થવા જઇ રહી છે, તેને ધ્યાને લઇ મ્યુનિ.કમિશનરની સૂચનાથી શહેરમાં ગેરકાયદે બાંધકામો થયાં છે તેને નિયમિત કરાવી લેવાની છેલ્લી તક આપવા માટે અંતિમ નોટિસ જારી કરવામાં આવી છે. તેમજ રાજ્ય સરકારે જાહેર કરેલાં નિયમો, ફી અંગેનાં નોટિફિકેશન (પાર્કિંગ સુધારા જોગવાઇ સહિત) તેમજ મ્યુનિ.માં રજિસ્ટર્ડ મંજૂર થયેલાં આર્કિટેક્ટ-એન્જિનિયરની યાદી પણ જાહેર કરવામાં આવી છે.SS1MS