Western Times News

Gujarati News

ગુજરાત વિધાનસભા ખાતે પંડિત જવાહરલાલ નહેરુની ૧૩૫મી જન્મજયંતી નિમિતે પુષ્પાંજલિ અપાઇ

વિધાનસભાના ઇન્ચાર્જ સચિવશ્રી સહિત અધિકારીઓ, કર્મચારીઓ અને બાળકોએ પંડિત જવાહરલાલ નહેરુને શ્રદ્ધાંજલિ અર્પિત કરી

ગુજરાત વિધાનસભાના પોડિયમ ખાતે બુદ્ધિશાળી વ્યક્તિત્વ, કોમળ હૃદય અને નિખાલસ સ્વભાવ જેવા ગુણો ધરાવતા પંડિત જવાહરલાલ નહેરુની ૧૩૫મી જન્મજયંતી નિમિત્તે તેમના તૈલચિત્રને વિધાનસભાના ઇન્ચાર્જ સચિવ શ્રી ચેતન પંડ્યાએ ભાવસભર પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

આ અવસરે ચાચા નહેરુના વ્હાલા એવા બાળકો, વિધાનસભાના અધિકારીઓ અને કર્મચારીઓએ પણ પંડિત જવાહરલાલ નહેરુને પુષ્પાંજલિ આપી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે પંડિત જવાહરલાલ નહેરુનો જન્મ તા.૧૪મી નવેમ્બર, ૧૮૮૯ ના રોજ અલ્લાહાબાદ મુકામે થયો હતો. સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ બાળકોના પ્યારા હોવાથી તેમના જન્મદિનની બાળદિન તરીકે પણ ઉજવણી કરવામાં આવે છે. તેમણે સને ૧૯૪૭ થી ૧૯૬૪ દરમિયાન ભારતના વડાપ્રધાન રહી ભારતની શાન દુનિયાભરમાં વધારી, પંચશીલના સિદ્ધાંતો આપ્યા હતા.

વ્યક્તિત્વનો વૈભવ, બુદ્ધિની તેજસ્વિતા, હૃદયની કોમળતા જેવા અમૂલ્ય ગુણોનો સંગમ ધરાવતું વ્યક્તિત્વ, બિનજોડાણવાદી નીતિ, અણુયુગનો સમન્વય, પંચવર્ષીય યોજના તેમની દેણ હતી. ઝડપી આર્થિક વિકાસ દ્વારા સામાજિક ન્યાય હાંસલ કરવા, સંપત્તિની ન્યાયિક વહેંચણી કરવા અને સમાનતા વધારવા તેમણે  અથાગ પ્રયત્નો કર્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.