ગુજરાતમાં સાયબર ફ્રોડના વધતા જતા કિસ્સા: ભણેલા-ગણેલા નાગરિકો બની રહ્યા છે ફ્રોડના શિકાર
અખબારો-ચેનલોમાં આવતા સાયબર ફ્રોડના કિસ્સાઓના વાંચન પ્રત્યે લોકોની ઉદાસીનતા
સરકાર- પોલીસ- સંબંધિત વિભાગોની વારંવાર ગાઈડલાઈન છતાં ભણેલા-ગણેલા નાગરિકો સાયબર ફ્રોડના શિકાર, ર૦ર૩માં એક લાખ કરતા વધુ કેસમાં નાગરિકોએ ૬૦૦ કરોડ ગુમાવ્યા
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તાજેતરમાં ડીજીટલ એરેસ્ટના બનતા કિસ્સાઓને લઈને સતર્ક રહેવા દેશવાસીઓને અનુરોધ કર્યો હતો.
(પ્રતિનિધિ) અમદાવાદ, ગુજરાત સહિત દેશભરમાં સાયબર ફ્રોડના કેસમાં ચિંતાજનક વધારો થયો છે જેનો શિકાર અનેક નાગરિકો બની રહયા છે સાયબર ફ્રોડમાં વર્ષે દહાડે લોકો કરોડો રૂપિયા ગુમાવે છે. સાયબર ફ્રોડ અટકાવવા માટે કેન્દ્ર- રાજય સરકાર તથા સંબંધિત તમામ સંસ્થાઓ, એજન્સીઓ લોકજાગૃતિ અર્થે અનેક પ્રકારની જાહેરાતો કરે છે. અખબારો, ટી.વી. ચેનલોમાં તો સાયબર ફ્રોડના કિસ્સાઓને ઉજાગર કરવામાં આવે છે.
ટી.વી. ચેનલોમાં પેનલ ડીસ્ટકશન કરીને લોકોને સાવચેત કરાય છે પોલીસ વિભાગ તરફથી અનેક વખત લોકોને ચેતવવામાં આવે છે. જણાવવામાં આવે છે કે સાયબર ફ્રોડના કિસ્સામાં તરત જ પોલીસનો સંપર્ક કરવામાં આવે. આર.બી.આઈ તરફથી તો અનેકો વખત ગાઈડલાઈન જાહેર કરાય છે. સાયબર ફ્રોડને અટકાવવા નાગરિકોને અનેક સલાહ-સૂચનો તથા માર્ગદર્શન અપાય છે,
પરંતુ મોબાઈલ ફોનમાં સતત વ્યસ્ત રહેતા નાગિકો કોણ જાણે આ વાત પર ધ્યાન કેન્દ્રિત નહી કરતાં હોવાની પ્રતિતિ થાય છે અજાણ્યા નંબર પરથી ફોન આવે તો ઉપાડવો નહિ તેમ જણાવાય છે. છતા બેદરકારીભરી ભૂલ થાય છે જેના પરિણામે છેવટે નાગરિકોને ભોગવવાનો વારો આવે છે.
જો અજાણ્યા નંબર પરથી ફોન આવે અને જરૂરી લાગે તો સામેથી થોડા સમય પછી ફોન કરવામાં આવે તો સાયબર ફ્રોડ કરનારાના ફોન મોટે ભાગે “નોટ રીચેબલ’ આવતા હોય છે.
બધા અજાણ્યા નંબરવાળા સાયબર ફ્રોડ કરનારા હોય છે તે ભૂલ ભરેલુ છે. કારણ કે ઘણી વખત ઓળખીતા લોકોના ફોન પણ અજાણ્યા નંબર પરથી આવતા હોય તેવા સંજોગોમાં સતર્ક રહીને આગળ વધવા પર તજજ્ઞો ભાર મુકી રહયા છે.
દેશમાં તાજેતરમાં ડીજીટલ એરેસ્ટના કિસ્સા પણ બનતા હોવાનું જોવામાં આવી રહયું છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તાજેતરમાં ડીજીટલ એરેસ્ટના બનતા કિસ્સાઓને લઈને સતર્ક રહેવા દેશવાસીઓને અનુરોધ કર્યો હતો.
સાયબર ફ્રોડના કિસ્સામાં તો ભણેલા- ગણેલા લોકો શિકાર બની રહયા છે તે આશ્ચર્યની વાત છે, કારણ કે નાગરિકોને વહીવટી તંત્ર અનેક વખત ચેતવણી આપે છે છતાં સાયબર ફ્રોડના કિસ્સાઓમાં વૈજ્ઞાનિકો, અધિકારીઓ સહિતના ભણેલા લોકો શિકાર બનતા નજરે પડે છે આવા અનેક કિસ્સાઓ ગુજરાતમાં નોંધાયા છે.
સાયબર ફ્રોડના કિસ્સામાં દેશમાં ગુજરાત પણ આગળ છે મતલબ એ કે ગુજરાતમાં કોરોના કાળ પછી સાયબર ફ્રોડના કિસ્સા વધ્યા હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યુ છે.
ગુજરાતમાં સાયબર ફ્રોડના કિસ્સાઓ પ્રતિવર્ષ ઉત્તરોતર વધી રહયા છે તે ચિંતાજનક વાત છે એક આંકડાકીય અંદાજ મુજબ ગુજરાતમાં ર૦ર૧માં ૧૭,૦૦૦ કરતા વધુ સાયબર ફ્રોડના કેસ નોંધાયા હતા. તેવી જ રીતે ર૦રરમાં અંદાજીત ૮૦,૬૮૧ કેસ નોંધાયા હતા. જે અંતર્ગત અંદાજીત રૂ.૧પ૦ કરોડ રૂપિયાનું નુકસાન નાગરિકોએ ભોગવવુ પડયુ હતું.
અર્થાત્ સાયબર ફ્રોડના કિસ્સામાં નાગરિકોએ આશરે ૧પ૦ કરોડ ગુમાવ્યા હતા. તો ર૦ર૩માં ૧,ર૧,૦૦૦ કરતા વધારે સાયબર ફ્રોડના નાના-મોટા કેસ બન્યા હતા, જેમાં ૬૦૦ કરોડ કરતા વધુ રકમ નાગરિકોએ ગુમાવી હતી જયારે ર૦ર૪માં માત્ર અમદાવાદ એકલામાં ૧૦૧ કેસ નોંધાયા છે આ તમામ કિસ્સાઓમાં રકમ પરત મળે તે માટે તંત્ર તરફથી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે
જેમાં કેટલાક કિસ્સાઓમાં નાણાં પરત મેળવવામાં રાજયના સાયબર ક્રાઈમ યુનિટને સફળતા મળી છે પરંતુ હજુ મોટા પ્રમાણમાં નાણાકીય રકમ પરત મેળવવા માટે અલગ અલગ સ્તરે કામગીરી યથાવત રહી છે.
સાયબર ફ્રોડનો ભોગ બનતા નાગરિકોએ શંકાસ્પદ અજાણ્યા નંબરના ફોન એટેન્ડ કરવા નહી અને જો કોઈ સંજોગોમાં ફસાયાની પ્રતિતિ થાય તો સમય વેડફયા વિના પોલીસનો તાત્કાલિક સંપર્ક કરવો જરૂરી છે.
સાયબર ફ્રોડનો શિકાર થવા યનહી તે માટે તમામ નાગરિકોએ સરકાર, પોલીસ સંબંધિત વિભાગો તરફથી ગાઈડલાઈનથી વાકેફ રહેવુ એટલું જ જરૂરી છે તથા સાયબર ફ્રોડના કિસ્સાઓ કેવી રીતે બને છે તે માટે માધ્યમોનો તલસ્પર્શી અભ્યાસ સાથે વાંચન કરવુ એટલુ જ આવશ્યક છે જેના કારણે સાયબર માફિયાઓની ક્રાઈમ કરવાની મોડેસ- ઓપરેન્ડીનો ખ્યાલ આવી શકે.