ગાંધીનગરના રાજભવન ખાતે દક્ષિણ ભારતના 7 રાજ્યોના સ્થાપના દિવસની ઉજવણી કરાઈ
‘વસુધૈવ કુટુંબકમ્‘ની ભાવના સાથે આપણે સમગ્ર સૃષ્ટિને આપણો પરિવાર માનીએ છીએ : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી
ઈમાનદારી, સમર્પણ અને કર્તવ્યનિષ્ઠાથી કાર્ય કરીને આપણે સૌ દેશના વિકાસને વધુ વેગવાન બનાવવામાં સહભાગી થઈએ : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, આપણો દેશ વિભિન્ન સંસ્કૃતિઓનો દેશ છે. અલગ અલગ વેશભૂષા, ભાષા, ખાન-પાન, સંસ્કૃતિ હોવા છતાં વિવિધતામાં એકતા છે. આપણા દેશને ‘એક ભારત શ્રેષ્ઠ ભારત‘ ના રૂપમાં મહાશક્તિ બનાવવા અને દેશના નાગરિકો અન્ય રાજ્યની સંસ્કૃતિથી અવગત થાય તે માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહની પહેલથી તમામ રાજ્યોના રાજભવનમાં વિવિધ રાજ્યોના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવે છે.
રાજભવન ખાતે આજે દક્ષિણ ભારતના 7 રાજ્યો; આંધ્રપ્રદેશ, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, આંદામાન અને નિકોબાર દ્વીપ સમૂહ, લક્ષ્યદ્વીપ તથા પુડુચેરીના સ્થાપના દિવસની ઉજવણીના પ્રસંગે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, આપણે તમામ લોકો મૂળરૂપથી એક જ છીએ, માટે એકબીજાના સુખ દુઃખના સાથી બનીએ, એકબીજાની સંસ્કૃતિને સમજીએ. દેશના તમામ લોકો વિભિન્ન રાજ્યોની સંસ્કૃતિથી પરિચિત થાય તે માટે શંકરાચાર્યજીએ દેશની ચારેય દિશામાં મઠની સ્થાપના કરી હતી.
વેદ આપણી સંસ્કૃતિના આધારસ્તંભ છે તેમ જણાવી રાજ્યપાલશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, વિદેશી આક્રમણકારો જ્યારે ભારત પર આક્રમણ કરીને આપણા વેદ-પુરાણો સહિતના મહાન પુસ્તકોનો નાશ કરી રહ્યા હતા ત્યારે, આ વેદ-પુરાણોને બચાવવાનું કામ દક્ષિણના લોકોએ કર્યું છે. દક્ષિણના લોકોએ વેદ-પુરાણોને કંઠસ્થ કરીને આપણી વૈદિક સંસ્કૃતિને બચાવવાનું કાર્ય કર્યું છે.
રાજયપાલશ્રીએ કાર્યક્રમમાં રજૂ કરવામાં આવેલા વિવિધ શાસ્ત્રીય નૃત્યો અને લોક નૃત્યો અંગે પ્રતિભાવ આપતાં જણાવ્યું હતું કે, આપણા દેશના વિવિધ નૃત્યોમાં કળા અને સંસ્કૃતિના પરિચય ઉપરાંત યોગ અને વ્યાયામના સમાવેશ થકી શારીરિક, માનસિક, આધ્યાત્મિક અને સામાજિક પાસાઓને આવરી લેવામાં છે, જે મનને સુખ
આપે છે.
રાજયપાલશ્રીએ વધુમાં જણાવ્યું કે, આપણે સૌ મૂળ રૂપથી એક જ છીએ. આપણે હંમેશા વિશ્વ કલ્યાણની જ વાત કરીએ છીએ. આપણે ત્યાં માતા ભોજન બનાવે તો ગાય, કીડી, પક્ષી માટે પણ બનાવે છે. જે સૂચવે છે કે, આપણે પ્રાણી માત્રની દરકાર કરીએ છીએ. ‘વસુધૈવ કુટુંબકમ્‘ની ભાવના સાથે આપણે સમગ્ર સૃષ્ટિને આપણો પરિવાર માનીએ છીએ.
આ અવસરે રાજયપાલશ્રીએ સૌને રાજ્યોના સ્થાપના દિવસની શુભકામનાઓ પાઠવીને ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત‘ અને ‘આત્મનિર્ભર ભારત‘ના સૂત્ર થકી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના ‘વિકસિત ભારત‘ ના સ્વપ્નને સાકાર કરવામાં સહભાગી થવા અપીલ કરી હતી.
રાજયપાલશ્રીએ આવનારી પેઢીના કલ્યાણ માટે વડાપ્રધાનશ્રીના ‘આત્મનિર્ભર ભારત‘ અને ‘વિકસિત ભારત‘ના મિશનમાં સહયોગ આપવા જણાવીને ઉમેર્યું હતું કે, આવનારી પેઢીને આપણા પણ ગર્વ થશે કે તેમના પૂર્વજોએ તેમને ‘વિકસિત ભારત‘ આપ્યું. આ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે આપણે સૌએ ઈમાનદારી, સમર્પણ અને કર્તવ્યનિષ્ઠાથી આપણું કાર્ય કરીને દેશના વિકાસને વધુ વેગવાન બનાવવામાં સહભાગી બનવું પડશે.
રાજયપાલશ્રીએ ઉમેર્યું હતું કે, એકતા હોય તે હંમેશા આગળ વધે છે. આપણે દેશને એકતાના તાંતણે બાંધીને વિકાસ તરફ લઈ જઈ રહ્યા છીએ, જેના થકી ભારત આજે વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ચુક્યો છે. છેલ્લા દસ વર્ષમાં 25 કરોડ લોકો ગરીબ રેખાથી બહાર આવ્યા છે. આપણે વૈશ્વિક કક્ષાની આંતરમાળખાકીય સુવિધાઓ ઉભી કરી રહ્યા છીએ. શિક્ષણ, આરોગ્ય સહિતના ક્ષેત્રે આપણે સતત આગળ વધી રહ્યા છીએ.
વિવિધ રાજ્યોના સ્થાપના દિવસના આ કાર્યક્રમમાં ગુજરાતમાં વસતા વિવિધ રાજ્યના અગ્રણીઓનું સન્માન, ‘ગુજરાત પ્રીઝન્સ : ધ એક્સ ફેક્ટર‘ બુકનું વિમોચન તેમજ વિવિધ રાજ્યોના ગીતો અને સાંસ્કૃતિક નૃત્યોની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. આ અવસરે સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરનાર કલાકારોનું રાજયપાલશ્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતિ રવિ, અગ્ર સચિવ શ્રી ડૉ. ટી. નટરાજન, રાજયપાલશ્રીના પ્રિન્સિપલ સેક્રેટરી શ્રી અશોક શર્મા, ડૉ. વિનોદ રાવ, જેલ અને સુધાર પ્રશાસનના પોલીસ મહાનિર્દેશક શ્રી કે.એન.એલ.રાવ, શ્રીમતી પી. ભારતી, નેશનલ હેલ્થ મિશનના મિશન ડાયરેક્ટર શ્રીમતી રેમ્યા મોહન, શ્રી જેનૂ દેવન, અધિક મુખ્ય વન સંરક્ષક શ્રી રવીન્દ્રનાથ સુગુર, અધિક મુખ્ય વન સંરક્ષક શ્રી જી. રમન્ના મૂર્તિ, કર્નલ શ્રીનિવાસ વૈદ્ય, રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીશ્રીઓ, ભારતીય સેના-સુરક્ષા દળોના ઉચ્ચ અધિકારીશ્રીઓ તેમજ ગુજરાતમાં વસતા વિવિધ રાજ્યોના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.