આ અમારો દેશ છે, તમે પાછા જતા રહોઃ ખાલિસ્તાનીઓ
સરે, ભારત અને કેનેડાના સંબંધોમાં ઝેર ઓક્યા બાદ હવે ખાલિસ્તાનીઓએ કેનેડાના લોકોને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. કેનેડાના રસ્તાઓ પર ‘નગર કીર્તન’નો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં, ખાલિસ્તાન સમર્થકો તમામ હદ વટાવતાં જોવા મળે છે.
તેઓ કેનેડાના લોકોને આક્રમણકારો કહી રહ્યા છે અને તેમને ઈંગ્લેન્ડ અને યુરોપ પાછા જવા માટે કહે છે. તેમણે કાઢેલી કૂચ દરમિયાન એક વ્યક્તિને કહેતા સાંભળી શકાય છે કે આ કેનેડા છે. આ અમારો દેશ છે. તમે પાછા જતા રહો. ભારતીય સૂત્રોએ આ ઘટનાને કેનેડામાં અત્યારના દિવસોમાં બની રહેલી સામાન્ય ઘટના ગણાવી છે.
તેમણે જણાવ્યું છે કે ખાલિસ્તાનીઓ ધીમે ધીમે દેશની તમામ ચીજો પર કબજો જમાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.એક સ્થાનિક નાગરિકે આ અંગે પોતાની પ્રતિક્રિયા આપતાં લખ્યું છે કે ખાલિસ્તાનીઓ સરેમાં કૂચ કરી રહ્યા છે અને દાવો કરે છે કે અમે જ કેનેડાના માલિક છીએ અને ગોરા લોકોએ યુરોપ અને ઇઝરાયેલ પાછા જતા રહેવું જોઈએ.
કેનેડિયન લોકો તેના પર નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. અન્ય યુઝરે કહ્યું છે કે હવે તેમને રોકવું અશક્ય છે, સરે વેસ્ટ ખાલિસ્તાન બનશે અને ટૂંક સમયમાં ગુરપતવંત પન્નુ પશ્ચિમ ખાલિસ્તાનનો પીએમ બનશે.એક ન્યૂઝ ચેનલને ટાંકીને ભારતીય સૂત્રોએ કહ્યું છે કે ખાલિસ્તાનીઓ સ્થાનિક કેનેડિયનોને પણ નિયંત્રિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
સુરક્ષા માટે હિંદુઓ પાસેથી પૈસાની માંગ કરવામાં આવી રહી છે અને હવે સ્થાનિક લોકો માટે ખતરો બની ગયા છે. કેનેડાના મંદિરોમાં હિંદુઓ પર હિંસક હુમલાની ઘટનાઓમાં તાજેતરના વધારા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક નિવેદન જારી કરીને ઇરાદાપૂર્વકના હુમલાની નિંદા કરી છે.
ભારતે કેનેડામાં રહીને આતંકી પ્રવૃત્તિ આચરતો અર્શ ડલ્લાના પ્રત્યાર્પણની માગણી કરી છે. તે હત્યા, હત્યાનો પ્રયાસ, ખંડણી અને ત્રાસવાદી ફાઇનાન્સિંગ સહિતના આતંકવાદી કૃત્યોના ૫૦થી વધુ કેસોમાં ઘોષિત ગુનેગાર છે.
ભારતે મે ૨૦૨૨માં તેની સામે રેડ કોર્નર નોટિસ ઇશ્યૂ કરી હતી. તેને ૨૦૨૩માં ભારતમાં ડેઝિગ્નેટેડ આતંકવાદી તરીકે જાહેર કરાયો હતો. જુલાઈ ૨૦૨૩માં ભારત સરકારે કેનેડા સરકારને તેની ધરપકડ માટે વિનંતી કરી હતી જેને નકારી કાઢવામાં આવી હતી.SS1MS