Western Times News

Gujarati News

ભાણિયો વોન્ટેડ: મામાના ઘરે લુખ્ખાઓએ તલવાર સહિતના હથિયારથી આતંક મચાવ્યો

અમદાવાદ, ભાણિયો બાપુનગર પોલીસ મથકના નોંધાયેલા હુમલા કેસમાં વોન્ટેડ જાહેર કરાયો હતો. આથી ફરિયાદ નોંધાવનાર તેના ઘરે જઇ હેરાન પરેશાન કરતા હતા. જેથી તેની માતા પોતાના ભાઇના ઘરે રહેવા જતી રહી હતી. જેના કારણે લુખ્ખાઓ ભાણિયાના મામાના ઘરે તલવાર સહિતના હથિયારો સાથે પહોંચીને આતંક મચાવ્યો હતો.

આ ઘટનામાં એક સગીરને તલવાર વાગતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ઘટના બાદ હુમલાખોરો વ્હીકલ મૂકી ભાગી છૂટ્યા હતા. આ મામલે રખિયાલ પોલીસે ૭ લોકો સામે ફરિયાદ નોંધી તપાસ આદરી છે. શહેરના રખિયાલ વિસ્તારમાં સલીમ અહેમદ રાજપૂત પરિવાર સાથે રહે છે અને પશુપાલનનો વ્યવસાય કરે છે.

સલીમ અહેમદના મોટા બહેન રૂબીનાબાનુ પરિવાર સાથે બાપુનગરમાં રહે છે. ભાણિયા યુસુફને વ્યસન કરવાની ટેવ છે. દોઢ મહિના પહેલાં યુસુફે તેની ચાલીમાં રહેતા સિકંદર અને તેના ભાઇ આબીદ સાથે ઝઘડો કર્યાે હતો. જેમાં આબીદને છરીથી ઇજા પહોંચી હતી. આ મામલે બાપુનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી. જેમાં યુસુફ વોન્ટેડ છે.

જેની અદાવત રાખી સિકંદર અને તેનો ભાઇ અવાર નવાર યુસુફના ઘરે આવી પરેશાન કરતા હતા. જેથી બહેન રૂબીના તેના ભાઇ સલીમ અહેમદના ઘરે રખિયાલ રહેવા ગયા હતા.

યુસુફ મામાને ત્યાં આવતો નથી. ૧૨મીના રોજ રાત્રે ૧૦ વાગ્યે સલીમ અહેમદ ઘરે હતા ત્યારે સિકંદર કરીમભાઇ તેનો ભાઇ સરવર ઉર્ફે કડવા, આરીફ, અલ્તાફ અને ફઝલ તથા અન્ની રાજપૂત તલવાર સાથે આવ્યા અને ગાળો બોલીને સલીમ અહેમદને કહ્યું કે, તે તારા ભાણિયા યુસુફને ક્યાં સંતાડી રાખ્યો છે.

આટલું કહ્યા બાદ મારામારી કરવા લાગ્યો હતો. બીજી તરફ ઝઘડામાં સલીમ અહેમદનો દીકરો વચ્ચે પડતા તેને તલવાર મારી દીધી હતી. જેથી બૂમાબૂમ થતા આસપાસના લોકો એકત્ર થઇ ગયા હતા. આ સમયે તકનો લાભ લઇ તમામ હુમલાખોરો પલાયન થઇ ગયા હતા.

જોકે, તેઓ પોતાના વ્હીકલ ત્યાંથી જ મૂકીને જતા રહ્યાં હતા. બીજી તરફ પુત્રને ઈજા થતા સલીમ અહેમદ હોસ્પિટલ પહોંચ્યા હતા. આ મામલે તેમણે રખિયાલ પોલીસ મથકમાં સિકંદર, સરવર, આરીફ, અલ્તાફ, ફઝલ અને અન્ની રાજપૂત સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ આદરી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.