લીલી પરિક્રમાની પૂર્ણાહુતિઃ ૭ લાખ પદયાત્રીઓએ પરિક્રમા કરી
(એજન્સી)જૂનાગઢ, ગરવા ગિરનારની ચાલતી લીલી પરિક્રમા પૂર્ણ થઈ ગઈ છે. પ્રવાસીઓને જે જગ્યાએથી પ્રવેશ આપવામાં આવે છે, તે ઇંટવાગેટ પ્રવેશ માટે બંધ કરી દેવામાં આવ્યો છે. શ્રદ્ધાળુઓ હાલમાં પરિક્રમા પૂર્ણ કરી વતન તરફ જવા માટે રવાના થયા છે.
આ સાથે અંદાજિત સાત લાખથી વધુ લોકોએ આ પરિક્રમા પૂર્ણ કરી છે. હાલમાં અમુક શ્રદ્ધાળુઓ પરિક્રમા રૂટ પર હજુ પણ છે. આ તમામ શ્રદ્ધાળુઓ સાંજ સુધીમાં પરિક્રમા પૂર્ણ કરી લેશે તેવો અંદાજ છે. અત્યારે કોઈને પણ પરિક્રમા રૂટ પર પ્રવેશ આપવા દેવામાં આવતો નથી. જેને લઈને ઇંટવાગેટ ખાતેનો પ્રવેશ દ્વાર પણ બંધ કરી દેવામાં આવ્યો છે.
અંદાજિત ૭ લાખથી વધુ લોકોએ આ પરિક્રમા પૂર્ણ કરી છે. દર વર્ષે આ આંકડો દસ લાખથી ઉપરનો હોય છે. દર વર્ષે જે પ્રમાણે પરિક્રમાથીઓ આવતા હોય છે તેમાં ૧૨ થી ૧૩ લાખનો આંકડો પણ નોંધાતો હોય છે. પરંતુ આ વર્ષે પરિક્રમાથીઓ એટલે કે ભાવિક ભક્તોનો આંકડો ખૂબ ઓછો નોંધાયો છે. આટલા વર્ષોની સરખામણીએ પરિક્રમામાં શ્રદ્ધાળુઓની સંખ્યા ઘટી છે.
શ્રદ્ધાળુઓની સંખ્યા ઘટવા પાછળનું કારણ વરસાદની તીવ્રતા પણ માનવામાં આવે છે. દર વર્ષે જૂનાગઢમાં ગિરનારની લીલી પરિક્રમા કરવા માટે ગામડામાંથી મોટાભાગના ખેડૂતો આવે છે. આ વર્ષે ઓક્ટોબર માસમાં ભારે વરસાદ પડવાથી પાકમાં નુકસાની પહોંચી હતી. જેથી ખેડૂતોને સારી આવક થઈ નથી. બીજી તરફ ખેડૂતો શિયાળુ પાકનું વાવેતર પણ શરૂ કરવાના મૂડમાં પણ છે.
પરંતુ અત્યારે મજૂરોની અછત પણ વર્તાઈ રહી છે. જેથી ખેડૂતો બહાર જવાની જગ્યાએ અત્યારે હાલમાં પોતાના ખેતરમાં બાકી રહેલું કામ પૂર્ણ કરી રહ્યા છે. તેથી આ પરિક્રમામાં ભાવિકોની જે ભીડ છે, તે ઓછી જોવા મળી છે, તેવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.