પાંજરે પુરાયેલ મગર પાંજરું તોડી બહાર આવી ગયો
(પ્રતિનિધિ) ભરૂચ, આમોદ વન વિભાગના કર્મીઓએ ગતરોજ સાંજના સમયે દેનવા ગામેથી એક મહાકાય મગરનું રેસ્ક્યુ કરીને પાંજરામાં પુરવામાં આવ્યો હતો અને પાંજરે પુરેલ મગરને વન કચેરી ખાતે મુકવામાં આવ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર ગત રાત્રિના અંદાજીત ૧૨ઃ૩૦ થી ૧ વાગ્યાના અરસામાં મગર પાંજરા માંથી બહાર આવી ગયો હતો અને ગાય ઉપર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.જોકે સદ્દનસીબે મગરના હુમલાથી ગાયનો આબાદ બચાવ થયો હતો.રાત્રિના સમયે મગર બહાર આવી જતા સ્થાનિક લોકોમાં રીતસરનો ફફડાટ ફેલાઈ ગયો હતો.
સ્થાનિક લોકોએ વન કચેરીના કર્મી અનિલ ચાવડાને ફોન કરતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને ટેલિફોન એક્સચેન્જના ગેટ પાસેથી ભારે જહેમત બાદ અંદાજીત ૧૦ થી ૧૨ ફૂટ જેટલી લંબાઈ ધરાવતા મહાકાય મગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરીને પુનઃ પાંજરે પૂરતા સ્થાનિકોએ રાહત અનુભવી હતી.
નોંધનીય છે કે ક્યાંકને કયાંક વન વિભાગની પણ ગંભીર બેદરકારી હોય તેમ ચર્ચાઈ રહ્યું છે. કારણ કે પાંજરે પુરાયેલ મગર પાંજરા બહાર આવ્યો કઈ રીતે.? પાંજરું જોતા અનુમાન લગાવાય રહ્યું છે, કે પાંજરાનો ઉપરનો ભાગ કમજોર હોઈ જેથી અંદર રહેલા મગરે બચકા મારી બહાર આવવાનો રસ્તો બનાવી લીધો હતો.