Western Times News

Gujarati News

જેના અગ્નિ સંસ્કાર કર્યા એ યુવક બેસણા બાદ જીવતો ઘરે આવ્યો

મહેસાણા, જેના અગ્નિ સંસ્કાર કર્યા એ યુવક બેસણા બાદ જીવતો ઘરે આવ્યો, જાણો ગુજરાતમાં ક્યાં બની આ ઘટનાપરિવારનું કોઈ સભ્ય અવસાન પામે ત્યારે જે તે પરિવાર પર આભ તૂટી પડે એવી સ્થિતિ સર્જાય છે.

થોડીક કલાકો પહેલા અથવા આગલા દિવસે પરિવારના જે સભ્યને સાજા-સારા વાતો કરતા જોયા હોય અને બીજા દિવસે અવસાન પામે ત્યારે થોડીવાર તો પરિવારના સભ્યોને માનવામાં જ ન આવે કે આ સભ્ય હવે આપણી વચ્ચે નથી.

પણ પછી હરિ ઈચ્છા બલવાન માનીને પરિવારના સભ્યો ભારે હૈયે પોતાના સ્વજનને વિદાય આપે છે. તેના અંતિમસંસ્કાર કરે છે અને મૃત્યુબાદની તમામ વિધિ કરે છે. પણ જેને મૃત માનીને જેના અંતિમસંસ્કાર કર્યા હોય, પરિવારનો એ જ સભ્ય જીવતો ઘરે આવે તો કેવી સ્થિતિ સર્જાય? ગુજરાતમાં આ માન્યામાં ન આવે એવી ઘટના ઘટી છે.

મહેસાણા જિલ્લાના વિજાપુરમાં પ્રભુનગર સોસાયટીમાં રહેતો બ્રિજેશ સુથાર નામનો એક યુવક પરિવારને જાણ કર્યા વગર ઘરેથી નીકળી ગયો હતો.

આ યુવક અમદાવાદમાં શેરબજારમાં રોકાણ કરતો હતો અને થોડા દિવસોથી ટેંશનમાં રહેતો હતો. તેના પરિવારના સભ્યોએ નરોડા પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ફરિયાદ નોંધાવી હતી. આ દરમિયાન સાબરમતી પોલીસને બ્રિજ પાસે એક યુવકનો મૃતદેહ મળ્યો હતો.

મૃતદેહની ઓળખ પોલીસે ગુમ યુવક બ્રિજેશ ઉર્ફે પીન્ટુ સુથાર તરીકેની કરી તેના પરિવારને જાણ કરી હતી અને મૃતદેહ પરિવારને સોંપ્યો હતો. બ્રિજેશ ઉર્ફે પીન્ટુ સુથારના તેના પરિવારે અગ્નિસંસ્કાર કરી નાંખ્યા અને ગઈકાલે ૧૪ નવેમ્બરે તેનું બેસણું હતું. દરમિયાન આજે ૧૫ નવેમ્બરે બ્રિજેશ ઉર્ફે પીન્ટુ સુથાર તેના ઘરે આવ્યો હતો. બ્રિજેશને જીવતો જોઈને તેના પરિવારના સભ્યો ચોંકી ઉઠ્યા હતા.

ઘરનું ઉદાસ વાતાવરણ અચાનક જ ખીલી ઉઠ્યું. રડતા પરિવારના સભ્યોની આંખોમાં હર્ષના આંસુ વહી રહ્યાં હતા. સાથે એ પણ વિચારીર રહ્યા હતા કી આવું કેવી રીતે બન્યું.

બ્રિજેશને સામે જોતા તેનો પરિવાર પણ મૂંઝવણમાં મુકાઈ ગયો કે અગ્નિસંસ્કાર કોના કર્યા? સમગ્ર મામલે હવે અંતિમસંસ્કાર કોના થયા તેની પોલીસે તપાસ શરૂ કરી છે. જે મૃતદેહ મળ્યો હતો એ કો અજાણ્યા પુરુષનો હતો. હવે પોલીસ અગ્નિસંસ્કાર થઈ ગયા તેના પરિવાર અને સ્વજનોને શોધવા માટે કામે લાગી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.