૭૫ વર્ષીય વૃદ્ધાની હત્યા, લૂંટ કેસનો આરોપી ડોગની મદદથી ઝડપાયો
અમદાવાદ, માંડલમાં વૃદ્ધાની હત્યા કરીને કાન કાપીને દાગીના લૂંટી લેનાર આરોપીને માંડલ પોલીસે સ્નીફર ડોગની મદદથી ઝડપી લીધો છે. પેની નામના ડોગે ઘટનાસ્થળથી આરોપી ભાગ્યો તે રૂટને ટ્રેક કર્યાે હતો. પોલીસે તે દિશામાં તપાસ કરતા પોલીસે અનેક શકમંદોની અટકાયત કરી હતી.
તેમની પૂછપરછ દરમિયાન એક આરોપીએ ગુનાની કબૂલાત કરી હતી. આરોપી પણ તે જ ગામનો રહેવાસી હોવાનું ખૂલ્યું હતું. પકડાયેલા આરોપીએ અગાઉ વૃદ્ધાના ઘરે કડિયાકામ કર્યું હતું. આરોપી નશાની લત ધરાવતો હોવાથી ખર્ચા માટે વૃદ્ધ મહિલાની હત્યા કરી લૂંટ ચલાવી હતી.
માંડલ પોલીસે લૂંટનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. માંડલના રખિયાણા ગામમાં રહેતા ૭૫ વર્ષીય નર્મદાબેન ઉર્ફે નબુબેન ચંદુભાઈ પટેલ ગત તા.૧૨ની બપોરે તે ઘરે એકલા હતા ત્યારે અજાણ્યો શખ્સ ઘરમાં ઘૂસી ગયો હતો. તેણે નર્મદાબેનની હત્યા કરી કાનની બુટ કાપીને કાન તથા ગળામાંથી ૧.૨૦ લાખના દાગીનાની લૂંટ કરી હતી. માંડલ પોલીસે ડોગ સ્ક્વોડની મદદ લીધી હતી.
આ મામલે ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષકે જણાવ્યું કે આ કેસનો ભેદ ઉકેલવા માટે ડોગ પેનીની મદદ લેવાઇ હતી. તેણે રૂટ ટ્રેક કર્યા બાદ માંડલ પોલીસની ટીમો કામે લાગી હતી. જેમાં કેટલાક શકમંદોની અટકાયત બાદ આરોપી રમેશ ઠાકોરની ધરપકડ કરાઇ છે.
આરોપી રમેશ પણ માંડલના રખિયાણા ગામનો રહેવાસી છે અને કડિયા કામ કરે છે. થોડા સમય પહેલા આરોપીએ મૃતક વૃદ્ધ મહિલાના ઘરે કડિયાકામ કર્યું હતું. આરોપીને જુગાર રમવાની અને દારૂ પીવાની કુટેવ હોવાથી તથા નશો કરવા પૈસાની જરૂર હોવાથી તેણે આ ગુનાને અંજામ આપ્યો હતો.
મૃતક નર્મદાબેન અમદાવાદથી વતન આવ્યા ત્યારે એકલા હોવાનું આરોપી જાણતો હોવાથી તેમના ઘરમાં લૂંટનું ષડયંત્ર રચ્યું હતું.આરોપીએ નર્મદાબેનના મકાનનાં ધાબા પરથી ઘરમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યાે હતો પરંતુ દરવાજો બંધ હોવાથી તેણે મુખ્ય દરવાજાથી પ્રવેશ કર્યાે હતો. મૃતક નર્મદાબેન આરોપીને જાણતા હોવાથી તેમણે ઘરમાં બોલાવ્યો હતો.
નર્મદાબેન રસોડામાં પાણી લેવા ગયા ત્યારે જ આરોપીએ હુમલો કરી ગળુ દબાવીને હત્યા કરી કાન કાપીને સોનાની બુટ્ટી, બંગડી અને ચેઇનની લૂંટ કરી હતી.SS1MS