પિતાના આપઘાત માટે જવાબદાર માતા સામે પુત્રે FIR નોંધાવી
અમદાવાદ, એક અત્યંત વિચિત્ર મામલો હાઇકોર્ટ સમક્ષ આવ્યો હતો. જેમાં પિતાના આપઘાતના કેસમાં પુત્રએ માતા સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં માતાએ હાઇકોર્ટ સમક્ષ રિટ પિટિશન કરીને એફઆઈઆર રદ કરવાની દાદ માંગી હતી. જે રિટની લંબાણપૂર્વકની સુનાવણી હાઇકોર્ટ સમક્ષ થઇ હતી અને એ દરમિયાન ફરિયાદી પુત્રએ હાઇકોર્ટ સમક્ષ એક સોગંદનામું કર્યું હતું અને જણાવ્યું હતું કે સમાજના વડા અને કુટુંબના સભ્યો-મિત્રોના હસ્તક્ષેપથી આ વિવાદમાં સમાધાન થઇ ગયો છે.
તકરારનો બિનશરતી રીતે નિકાલ થયો છે. તેથી જો માતા સામેની ફરિયાદ અને એ અનુસંધાને હાથ ધરાયેલી કાર્યવાહી રદ થાય તો તેને કોઇ વાંધો નથી. તેથી હાઇકોર્ટના જસ્ટિસ એ.વાય. કોગજે આદેશમાં નોંધ્યું હતું કે,‘આ કેસમાં જો કાનૂની કાર્યવાહી ચાલુ રાખવામાં આવે તો એ નિરર્થક થઇ જશે.
પુત્રએ માતાના સમર્થનમાં સોગંદનામું કર્યું છે. તેથી અરજી ગ્રાહ્ય રાખી કાનૂની કાર્યવાહી રદ કરવામાં આવે છે.’પ્રસ્તુત મામલે અત્યંત વિચિત્ર તથ્ય એવા સામે આવ્યા હતા કે ફરિયાદી પુત્રના માતા-પિતાના લગ્નજીવનને ૩૫ વર્ષ થઇ ગયા હતા અને ત્યારબાદ પિતાએ માતાના લગ્નેતર આડા સંબંધોના કારણે સતત ડિપ્રેશનમાં આવી જતાં આપઘાત કર્યાે હતો.
લગ્નજીવનના ૩૫ વર્ષ બાદ આવી ઘટના બને એ અત્યંત વિચિત્ર બાબત ગણાય. હાઇકોર્ટે એના આદેશમાં પણ એવું નોંધ્યું હતું કે,‘હવે ફરિયાદી પુત્રના માતા કે જેમને આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા છે અને જેમની ઉપર આપઘાતની દુષ્પ્રેરણાનો આક્ષેપ મૂકવામાં આવ્યો છે, એમની ઉંમર ૫૮ વર્ષની થઇ ગઇ છે.
તેથી જ્યારે ખુદ ફરિયાદી પુત્ર માતાના સમર્થનમાં સોગંદનામું કરીને કોઇ તકરાર રહેતી નથી અને ફરિયાદ રદ થાય તો વાંધો ન હોવાનું જણાવે ત્યારે જો કાનૂની કાર્યવાહી ચાલુ રાખવાનો આદેશ કરવામાં આવે તો એમાં પણ એમાં કથિત આરોપી નિર્દાેષ જ જાહેર થશે.
તેથી કોર્ટનું માનવું છે કે આ ફરિયાદ અને એ અનુસંધાને હાથ ધરાયેલી કાર્યવાહી રદ કરવાને પાત્ર છે. પરિણામે અરજી ગ્રાહ્ય રાખવામાં આવે છે અને કડી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆર રદ કરવાનો હુકમ કરવામાં આવે છે. આ એફઆઈઆરમાં તપાસ બાદ થયેલી ચાર્જશીટ અને સેશન્સ કોર્ટ સમક્ષની કાર્યવાહીને પણ રદ કરવાનો હુકમ કરવામાં આવે છે.’
આ કેસની હકીકત મુજબ મૃતક(પતિ)ના લગ્ન ૩૫ વર્ષ પહેલા કથિત આરોપી મહિલા(પત્ની) સાથે થયા હતા. ત્યારબાદ પતિને પત્નીના અનૈતિક સંબંધો હોવાની સતત શંકા રહેતી હતી. જેના પગલે તે માનસિક દબાણમાં રહેતો હતો અને તેણે નર્મદા કેનાલમાં ઝંપલાવીને જીવન ટુંકાવ્યું હતું. તેથી ખુદ પુત્રએ માતા વિરૂદ્ધ આપઘાતની દુષ્પ્રેરણા અંગેની ફરિયાદ નોંધાવી હતી.SS1MS