ચાર વર્ષના બાળકનું આમંત્રણ સ્વીકારી પ્રમુખ સ્વામી ઉબડ ખાબડ રસ્તે પહોંચ્યા
તમે કોઈ માટે આખી દુનિયા છો
એક વખત એક વૃદ્ધ દાદા ઘરના એટિકમાં એક જૂનો ફોટો શોધવા માટે ગયા. એક પછી એક ફોટો આલ્બમ જોતાં જોતાં એમના હાથમાં એમના દીકરા જીમ્મીની ડાયરી આવી. તેઓ ઉત્સાહભેર આ રોજનીશીનાં પાનાં વાંચવા લાગ્યા. જેમ જેમ તેઓ પાનાં ફેરવતા ગયા, તેમ તેમ તેઓ વધુ ને વધુ ભાવાર્દ્ર થતા ગયા. અચાનક જ એમને યાદ આવ્યું કે આ દિવસોની રોજનીશી તો એમણે પણ લખી છે. માટે તેઓએ એટિક પરથી નીચે ઉતરીને પોતાની ડાયરી ખોળી કાઢી.
પછી તેઓએ પોતાની ડાયરીનાં અને દીકરા જીમ્મીની ડાયરીનાં પાનાં સમાંતર એક એક તારીખનાં વાંચવાનાં શરૂ કર્યા. એમાં એમની ડાયરીમાં વાંચવામાં આવ્યું કે, ‘Wasted whole day fishing with Jimmy. Didn’t catch a thing. અર્થાત્ જીમ્મી સાથે માછલી પકડવામાં આખો દિવસ બગડી ગયો.’
એમને જીજ્ઞાસા જાગી કે દીકરા જીમ્મીએ આજના દિવસે શું લખ્યું હશે? તેઓએ એ ૪થી જુલાઈનો દિવસ દીકરાની જર્નલમાં કાઢ્યો. એમાં લખ્યું હતું કે, ‘Went fishing with my Dad. Best day of my life. અર્થાત્ પપ્પા સાથે માછલી પકડવા ગયો. એ મારા જીવનનો શેષ્ઠ દિવસ હતો.’
‘To a child, Love is spelled T-I-M-E’ નામના પુસ્તકમાં નોંધાયેલો આ પ્રસંગ ખરેખર આપણા સૌની આંખો ખોલી નાંખે એવો છે. આપણા માટે અન્યને સમય આપવો બહુ અગત્યનો નથી હોતો પણ કોઈકને આપણા સમયની ખરેખર જરૂર હોય છે.
૧૯૯૦ની સાલનો પ્રસંગ છે. પ્રમુખસ્વામી મહારાજ દેવગઢ બારિયા પાસેના રાબોડ ગામે વિરાજમાન હતા. અહીં ભક્તોને સત્સંગસભાનો લાભ આપીને તેઓ પાલ્લી ગામે જવા નીકળ્યા. પરંતુ આ મુસાફરીમાં તેઓએ મલાવ ગામનો માર્ગ લેવડાવ્યો. આ અણધાર્યો અને અનિરાધારિત માર્ગ લેવાતા સહયાત્રીઓને ખૂબ આશ્ચર્ય થયું.
પણ પછી સૌને ખ્યાલ આવ્યો કે માલવ ગામના ચાર વર્ષના બાળક શંભુએ ગઈકાલે સ્વામીશ્રીને પોતાને ઘેર પધારવાનું આમંત્રણ આપેલું. તેથી તેઓ આ વાટ ખેડી રહેલા. જાણે એક સસલાંનું નિમંત્રણ સ્વીકારી ગજરાજ તેના ઘેર જવા નીકળ્યો હતો !
મલાવ સુધી પહોંચવાનો રસ્તો ગાડીમાં બેઠા હો તો પણ અંગોની તોડ-મરોડ કરે તેવો હતો. પરંતુ સ્વામીશ્રી તો પ્રેમપંથ પર ચાલનારા. તેઓને કાંકરા-કપચી કે ઢેફાં-ઢેખાળાંના માર્ગો કદી ન નડે. ઉબડ ખાબડવાળા રસ્તે સ્વામીશ્રી મલાવના સુથારવાડે પહોંચ્યા. અહીં જ પેલા બાળકનું એના જેવું જ નાનકડું ઘર.
તેમાં સ્વામીશ્રી પધાર્યા ત્યારે કૂબામાં હાથી પેઠાની કવિકલ્પના સાકાર થઈ ઊઠી. પધરામણીના પૂજન-આરતી થયા. પણ તે આરતી ઉતારવામાં અહીંથી તહીં ઘેલો થઈને ફરતો શંભુ જ રહી ગયો.
તેથી સ્વામીશ્રીએ તેને જ પૂછ્યું ઃ ‘તેં આરતી ઉતારી ?’
‘ના.’ ‘તો લે. ઉતાર આરતી.’ આમ કહેતાં સ્વામીશ્રીએ એક હાથમાં ઠાકોરજીની પટમૂર્તિ પકડી રાખીને ફરીથી આરતી કરાવી.
તે વખતે એ બાળકનું મોં ખીલી ઊઠ્યું. તેને આનંદ હતો ‘સ્વામીશ્રી’ ને પધરાવ્યાનો. ‘સ્વામીશ્રી’ને આનંદ હતો બાળકને રાજી કર્યાનો. બાળક અને ‘સ્વામીશ્રી’ની આ પરસ્પરની પ્રીતિથી પ્રગટેલાં આરતીના અજવાળાંએ આજની રાતને ઝળહળાવી દીધી.
આવા તો એક નહિ પણ અનેક પ્રસંગો છે કે જેમાં સ્વામીશ્રીએ નાના નાના બાળકોની કાલીઘેલી માંગણીઓને સંતોષવા સમય કાઢ્યો હોય.
ઘણી વખત એવું બનતું કે નાના શિશુઓ સ્વામીશ્રીને રમતોત્સવમાં પધારવાનું આમંત્રણ આપતા.
સ્વામીશ્રી પોતાના વ્યસ્ત કાર્યક્રમમાંથી સમય કાઢીને ન કેવળ રમતોત્સવમાં ઉપસ્થિત થતા પણ બાળકોની વિનંતીને માન આપીને તેઓની સાથે રમતમાં પણ ભળી જતા. ક્યારેક નાના બાળકો સ્વામીશ્રીને પોતાની મૂંઝવણ જણાવવા પત્ર લખતા. સ્વામીશ્રી આવા પત્રોના ઉત્તરો પણ મન દઈને આપતા.
અંગ્રેજીમાં એક ઉક્તિ છે કે,
To the world you may be just one person…
But to one person, you might just be the world.
કહેતાં, ‘દુનિયા માટે ભલે તમે કેવળ એક વ્યક્તિ છો પણ કોઈક એક વ્યક્તિ માટે તમે આખી દુનિયા છો.’
આ મર્મ આપણે સમજવો રહ્યો. ખાસ કરીને આપણાં સંતાનો માટે આપણે જ સર્વસ્વ હોઈએ છીએ. ઘણા વાલીઓનો એવો અભિગમ હોય છે કે સંતાનોને રમકડાં, વિડિયો ગેમ અથવા પાકેટ મની આપી દીધા એટલે બસ – આપણી ફરજ પૂરી. પણ એ સમજવું ઘટે કે, આ ઉપકરણો પૂરતા નથી. એને પ્રેમની જરૂર છે અને આજના જમાનામાં પ્રેમ એટલે સમય To a child, love is spelled T-I-M-E.
હા, એ પણ વાસ્તવિકતા છે કે આજના જમાનામાં સંતાનો માટે સમય કાઢવો સહેલો નથી. પણ જેમ ઘણી વસ્તુઓ આપણને ન ગમતી હોવા છતાં આપણે કરીએ છીએ તેમ બાળકોને સંસ્કારી અને સદાચારી બનાવવા આટલી જહેમત તો ઊઠાવવી જ પડે.
-સાધુ કૌશલમૂર્તિદાસ (BAPS)