Western Times News

Gujarati News

એકલતાઃ આત્મ ચિંતનની ઉજાણી

વિસ્તરતું નગરજીવન કે સામુદાયિક જીવન અનેક બદબોને નિમંત્રણ આપતું રહે છે. માનવ પ્રાચીનકાળમાં તેના ઉત્ક્રાંતિ પછીના સમયમાં લગભગ વન્યજીવનનો જ એક ભાગ હતો. વન, પ્રકૃતિ, વૃક્ષો સાથે તેનો નાતો અભિન્ન રીતે આંકડાબીડ હતો.

કારણ કે જેનામાં એકાંતનો વૈભવ અને શાંતિનો બાદશાહીઠાઠ ગર્ભસ્થ હોય તે ‘સ્વ’ સાથે સંવાદ કરવાનો અવસર હોય છે. એકલતા એટલે કે અન્ય કોઈપણનો સંગાથ ન લેતાં માત્ર તમારી જાત સાથે સમય વિતાવવાનું વાણું.

જે આ વાણાંને સમયાંતરે ફૂલડોલ ઉત્સવ તરીકે મનાવતાં રહે તેનું જીવન અનેરી પુલકિત સુવાસથી સભર થતું રહે છે. એક રીતે એકલતા એ જીવનનો રિચાર્જ પોઇન્ટ છે. આપણાં પ્રાચીન કાળની પદ્ધતિઓ ધ્યાન, સાધના વગેરે પણ આ વિષય સાથે સંલગ્ન અને જોડાયેલાં છે.

કવિ બેફામ કહે છે

‘એકલાં જ આવ્યા મનવાં એકલાં જવાનાં,
સાથી વિના સંગી વિના એકલાં જવાનાં’

કવિ એકલતાનું ઉપરાણું લઇને કહે છે છો ને અહીંયા સૌ સંગાથી છે પરંતુ આખરે સૌએ એકલાં જ નીકળવાનું છે. આ વાત સતત પડઘાતી રહે તો દુઃખો અને સમસ્યાઓ તે પોતાની વ્યાખ્યામાં રહેતી નથી. કોઈની પ્રત્યક્ષ કે પરોક્ષ હાજરી વગરનો સમય એટલે એકાંત. આંતરબાહ્ય વાતાયન એકદમ ખાલી થઈ જાય અને તમે શૂન્યાવકાશમાં આવી જાવ, તે અનુભૂતિ ઉત્તમ છે.

એકલતાના સંગાથીઓ મૌન, સ્વાધ્યાય, વિચારોના વાસંતી વાયરાઓ સાથે જીવી જાણે છે. એવું કહેવાય છે કે પાછાં વળીને જોતાં શીખવું જોઈએ, આ જીવનમંત્ર પણ તમને આજ નોળવેલ પરથી મળે છે.આજે અનેકવિધ દોડધામ કે ભાગમભાગ પછી સૌએ આપણી પારંપરિક વ્યવસ્થાઓ તરફ પાછાં વળવાનો સમય આવી પહોંચ્યો છે. કારણકે ધ્યાન, યોગની પ્રવૃત્તિ જીવનને સાત્વિકતા સાથે સાંકળે છે.

આપણી સંસ્કૃતિ નદી, વનવિસ્તારમાં ઉછરી ને પાંગરી છે, ટોળાંશાહીથી નહીં.ધ્યાન આત્મબળને અંગીકૃત કરવાનો,મનને શરીરની શક્તિઓનું સાયુજ્ય સાધીને જીવન સંગીતના સુરાલય શ્રવણ કરવાનો મોકો છે.આપણી સાથે અત્તથી શરૂ કરીને ઈતિ સુધીના સરવાળાં કરીએ કેટલાં લોકો મળ્યાં અને કંઈક ભુલાય પણ ગયાં. ઘરે આપના સ્વજનો પણ કે જેનાં માટે તમે લગભગ લગભગ એકાંગી,એક પક્ષીય થઈને ઠલવાઈ ગયાં હો એ પોતાના અંગો સંકોરી લેતાં સંકોચ કરતાં નથી. હા, તે બીના કે ઘટના તમને આંચકારૂપ જરૂર લાગે કારણકે તમે એકલતાને સેવીને ત્યાં કલ્પનાઓને લઈ ગયાં નથી.

જીવનનો નફો-તોટો એકલતાની ફૂટપટ્ટીથી મપાય છે. અહીં તમને તમાંરા કર્મોના હિસાબનો ચોપડો વાંચવા મળે છે. તમે કરેલાં વર્તન અને વાણીમાં સરવાળાં,બાદબાકી જોવાની એક તક અહીં પ્રાપ્ત થાય છે. તમારું ભૂલ ભરેલું વર્તન પણ સુધારવાનો મોકો આ વર્તુળમાંથી વિસ્તરણ થાય છે.

તેની સાથેના આ જોડાણથી મૌનનો આવિષ્કાર સતત તમને જીવનના પદાર્થ પાઠ શીખવે છે. તમે હકારાત્મક અભિગમથી ઉભરતાં રહો છો.મનમાં આવેલાં દૂર્વિચારોની ગંદકી ફિલ્ટર થાય છે.આ બધાંને કારણે ખરું મનુષ્યત્વ મેળવવાની વ્યાખ્યાનું સરનામું પણ અહીંથી મેળવી શકાય છે. આપણાં ઋષિમુનિઓની સાધના, તપ,ત્યાગ અને તેમનું મહામાનવ તરીકેનું વિરાટ સ્વરૂપ પણ

આજ પદ્ધતિએ નિર્મિત થયું છે. હિન્દી પંક્તિ માણવાં જેવી… ‘એક મહેફિલ મેં કઈ મહેફીલે હોગી શરીક, જીસકો ભી પાસ દેખોગે વો અકેલા હોગા’


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.