ખ્યાતિ હોસ્પિટલના પાપે હવે બાકીની બધી હોસ્પિટલો પણ દંડાશે
સરકારે આયુષ્યમાન યોજના માટેના નિયમોમાં ફેરફાર કર્યો: નિયમો કડક બનાવ્યા
(એજન્સી)અમદાવાદ, તાજેતરમાં ખ્યાતિ હોસ્પિટલની બેદરકારીના કારણે ૨ વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. ત્યારે રૂપિયાની લાલચમાં અને સરકાર પાસેથી રૂપિયા પડાવવાની લ્હાયમાં આ કરતૂત કરવામાં આવી હતી.
ત્યારે સમગ્ર ઘટનાને લઇ સરકારે આયુષ્યમાન યોજનાને લઇ મહત્વનો નિર્ણય કર્યો હતો. જેમાં સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ ખ્યાતિ હોસ્પિટલની ઘટના પછી સરકારે આયુષ્માન યોજના માટેના નિયમોમાં ફેરફાર કર્યો છે.
જેમાં આયુષ્માન યોજનામાં હવે માત્ર રિપોર્ટનો આધાર પૂરતો નહીં રહેતા હોસ્પિટલે પુરાવા આપવા પડશે. જેમાં હોસ્પિટલ દ્વારા એન્જિયોગ્રાફીની સીડી પણ ડોક્યુમેન્ટ સાથે આપવાની રહેશે.
જેની તપાસ બાદ જ કામગીરી આગળ વધારવામાં આવશે. આમ એક ખ્યાતિ હોસ્પિટલના પાપે હવે બાકીની બધી હોસ્પિટલો પણ દંડાશે. પાડાના વાંકે પખાલીને ડામ કહેવત આ કિસ્સામાં બરોબરની લાગુ પડે છે. એક હોસ્પિટલ અનેકને લઈને ડૂબશે.બીજી તરફ અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં ૨ દર્દીના મોત મામલે આરોપીઓને કડક સજા કરાવવા પોલીસનો એક્શન પ્લાન ઘડ્યો છે.
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ રાજ્ય સરકાર એક્શનમાં આવી છે. જેમાં રાજ્યની સાત હોસ્પિટલને બ્લેકલિસ્ટ કરી દેવાઈ છે. તો સાથે જ ચાર સ્પેશ્યાલિસ્ટ ડોક્ટરને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. પીએમજેવાય યોજનામાંથી ખ્યાતિ સહિત સાત હોસ્પિટલોને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. જેમાં અમદાવાદની 3, સુરત-વડોદરા-રાજકોટની 1-1 તથા ગીર સોમનાથની એક હોસ્પિટલનો સમાવેશ થાય છે.
સાત હોસ્પિટલની સાથે-સાથે ચાર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેમાં ડો. પ્રશાંત વઝીરાણી, ડો.હિરેન મશરૂ, ડો.કેતન કાલરીયા અને ડો.મિહિર શાહ છે.