Western Times News

Gujarati News

મહારાષ્ટ્ર-ઝારખંડ વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર-પડઘમ શાંત

નવી દિલ્હી, જંગી રેલીઓ, સ્ટાર પ્રચારકોની ભીડ, વચનોની લ્હાણી અને જાત-ભાતના નારાઓથી મતદારોને આકર્ષવાની રાજકીય પક્ષોની હોડ વચ્ચે મહારાષ્ટ્ર વિધાનસભાની ૨૮૮ બેઠકો અને ઝારખંડ વિધાનસભાની ૩૮ બેઠકો માટે ૨૦મી નવેમ્બરે યોજાનારા બીજા તબક્કાના મતદાન માટેના પ્રચાર પડઘમ સોમવારે સાંજે પાંચ વાગે શાંત થયાં હતાં.

બંને રાજ્યોમાં ૨૩મી નવેમ્બરે મત ગણતરી હાથ ધરાશે. આંતરિક જૂથબંધી, પક્ષ વિભાજન અને તડજોડના રાજકારણને કારણે તાજેતરના વર્ષાેમાં દેશના રાજકારણમાં ચર્ચામાં રહેલાં મહારાષ્ટ્રમાં ભાજપના નેતૃત્વ હેઠળના વર્તમાન સત્તાધારી મહાયુતિ ગઠબંધન અને કોંગ્રેસના નેતૃત્વવાળી મહા વિકાસ અઘાડી વચ્ચે સીધી ટક્કર છે.

બીજી તરફ ઝારખંડમાં ૩૮ બેઠકો માટે યોજાનારા બીજા તબક્કાના મતદાનમાં ૫૨૮ ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં સીલ થશે. રાજ્યના વર્તમાન મુખ્યમંત્રી હેમંત સોરેન સામે પોતાની સત્તા બચાવવાનો પડકાર છે. હેમંત સોરેન વિરુદ્ધ ભાજપના બાબુલાલ મરાંડી અને અમર બૌરી તથા સુદેશ મહતો જેવા ઉમેદવારો છે.

ચૂંટણીમાં હેમંત સોરેનની ઝારખંડ મુક્તિ મોરચા(જેએમએમ) ઈન્ડિયા ગઠબંધનના તેના સાથી પક્ષો કોંગ્રેસ અને આરજેડીની મદદથી ફરી એકવાર સત્તા હાંસલ કરવા પ્રયત્નશીલ છે.

મહારાષ્ટ્રનો જંગ જીતવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિતના ભાજપના ટોચના નેતાઓ ઉપરાંત દેવેન્દ્ર ફડણવીસ અને જેપી નડ્ડા અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઝંઝાવતી ચૂંટણી પ્રચાર કર્યાે છે.

મહારાષ્ટ્રની વર્તમાન મહાયુતિ સરકાર મુખ્યત્વે સમૃદ્ધિ માર્ગ અને મુંબઈ મેટ્રો જેવા વિકાસના કામો ઉપરાંત લાડકી બહિન યોજના, રોજગાર સર્જન તથા મહારાષ્ટ્રને એક ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવા જેવા મુદ્દાઓને આધારે રાજ્યના મતદારોને પોતાની તરફ આકર્ષવા પ્રયાસ કરી રહી છે.

જ્યારે બીજી તરફ વિપક્ષી ગઠબંધન મહાવિકાસ અઘાડી (એમવીએ)એ રાજ્યમાં ભ્રષ્ટાચાર, વધતું દેવું, ખેડૂતોની સમસ્યાઓ નિવારવાના અપૂરતા પગલાં સહિતના મુદ્દા આગળ ધરી મતદારોને એમવીએને સત્તા આપવા અપીલ કરી છે.

એમવીએ તરફથી શરદ પવાર, રાહુલ ગાંધી અને ઉદ્ધવ ઠાકરે જેવા નેતાઓએ જંગી રેલીઓ સંબોધી રાજ્યની વર્તમાન સરકારની ખામીઓ પરત્વે મતદારોનું ધ્યાન ખેંચ્યુ છે. આ ઉપરાંત તેમણે ખેડૂતોને પાક લોનમાં માફી આપવાની, જાતિ આધારિત વસતિ ગણતરી અને અનામતના ક્વોટામાં વધારો કરવા સહિતના વચનો પોતાના ચૂંટણી ઢંઢેરામાં જાહેર કર્યા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.