Western Times News

Gujarati News

અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ અને પિરામલ ફાઇનાન્સે સાયબર સિક્યોરિટી અંગે જાગૃતતા ફેલાવશે

cyber crime

સાયબર અવેરનેસ અંતર્ગત યોજાનાર કાર્યક્રમોમાં શેરી નાટક, સોશિયલ મીડિયા કેમ્પેઇન, વીડિયો, બેનર્સ, સાઇન અને અન્ય પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.

અમદાવાદ, ડિજિટલ પ્રવૃત્તિઓ વધી રહી છે ત્યારે નાણાંકીય સાયબર છેતરપિંડીના કેસો હવે સામાન્ય બની ગયા છે. આવા છેતરપિંડીના કેસોથી નાગરિકોને બચવા માટે તેમને મદદ કરવા અમદાવાદ પોલીસની અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ અને પિરામલ ફાઇનાન્સે એક સંયુક્ત પહેલ શરૂ કર્યાની આજે જાહેરાત કરી હતી. છેતરપિંડીની રીતરસમો વધુ આધુનિક બની ગઈ છે ત્યારે ગુજરાત અને સમગ્ર ભારતના લોકો સજાગ અને માહિતગાર રહે તે વધુ જરૂરી બન્યું છે.

આ પહેલ આગામી 7 દિવસ સુધી અમદાવાદમાં વિવિધ સ્થળોએ 19મી નવેમ્બર, 2024થી શરૂ થશે. તેના અંતર્ગત યોજાનાર કાર્યક્રમોમાં શેરી નાટક, સોશિયલ મીડિયા કેમ્પેઇન, વીડિયો, બેનર્સ, સાઇન અને અન્ય પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.

અમદાવાદમાં આ પહેલનું ઉદ્ઘાટન શ્રી શરદ સિંઘલ, જેસીપી-ક્રાઇમ બ્રાન્ચ, ડો. લવિના સિંહા, ડીસીપી-સાયબર ક્રાઇમ બ્રાન્ચ અને એચ એસ માકડિયા, જેસીપી-સાયબર ક્રાઇમ બ્રાન્ચ તેમજ પિરામલ ફાઇનાન્સના ચીફ બિઝનેસ ઓફિસર શ્રી જગદીપ મલ્લારેડ્ડી અને માર્કેટિંગ હેડ શ્રી અરવિંદ ઐયર દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પિરામલ ફાઇનાન્સના અધિકારીઓ અને અન્ય વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

L to R – H S Makadiya ACP Cyber Crime Branch Dr. Lavina Sinha DCP Cyber Crime Branch and Sharad Singhal JCP Crime Branch Jagdeep Mallareddy Chief Business Officer of Piramal.

આ પહેલનો ઉદ્દેશ લોકો રોજબરોજ જે સાયબર જોખમોનો સામનો કરે છે તેનું સમાધાન લાવવા, સાવધાન રહેવા અને નાણાંકીય સાયબર છેતરપિંડીમાં ન ફસાવવા માટે તેમને શિક્ષિત કરવાનો છે. આ ઉપરાંત તેનું લક્ષ્ય લોકોને સંભવિત સાયબર જોખમો ઓળખવા, નિવારાત્મક પગલાં લેવા, છેતરપિંડીભરી કામગીરીઓ અંગે તરત જાણ કરવા અને સંભવિત નાણાંકીય નુકસાનથી પોતાને તથા પોતાના પ્રિયજનોને સુરક્ષિત રાખવા માટે જરૂરી જ્ઞાન અને કુશળતાઓથી તેમને સજ્જ કરવાનું છે.

આ લોન્ચ અંગે અમદાવાદ પોલીસના ક્રાઇમ બ્રાન્ચના જેસીપી શ્રી શરદ સિંઘલે જણાવ્યું હતું કે “સાયબરક્રાઇમના કેસો અનેકગણા વધ્યા છે અને તેમાંય નાણાંકીય ગુના નોંધપાત્ર પ્રમાણમાં જોવાઈ રહ્યા છે. સાયબર ગુનેગારો નવી છેતરપિંડીઓ સાથે તેમની મોડસ ઓપરેન્ડી સતત બદલતા રહે છે જેથી નિવારાત્મક પગલાં અને જાગૃતતા કાર્યક્રમોમાં નવા ટ્રેન્ડ્સ અને એનાલિસીસનો સમાવેશ થાય તે ખૂબ જરૂરી છે.

આ દર્શાવે છે કે તાજેતરના ગુનાઓ અંગે સામાન્ય માણસને શિક્ષિત કરવા અને સુરક્ષિત તથા સલામત રહેવા માટે ડિજિટલ તંદુરસ્તીને પ્રોત્સાહન આપવા માટે સમયસર તેમજ નવીનતા સાથેની સાયબર જાગૃતતા પહેલોની વધુને વધુ જરૂરિયાત છે. તાજેતરમાં જ માનનીય વડાપ્રધાને સૂચન કર્યું હતું કે જ્યારે આવા અજાણ્યા કોલ કે મેસજ આવે ત્યારે ત્રણ મહત્વના પગલાં ભરવા જોઈએઃ અટકી જાઓ, વિચારો અને પગલાં લો. આ ત્રણેય પગલાં લેવાથી સાયબર ક્રાઇમના કિસ્સામાં નોંધપાત્ર ઘટાડો કરવામાં મદદ મળી શકે છે.”

અમદાવાદ પોલીસના સાયબર ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ડો. લવિના સિંહાએ જણાવ્યું હતું કે “આજના ડિજિટલ યુગમાં ટેક્નોલોજીની ઝડપી પ્રગતિ સાથે સાયબર ક્રાઇમના જોખમો સતત વધી રહ્યા છે. સરકાર આ દૂષણને ડામવા માટે તમામ પ્રયાસો કરી રહી છે ત્યારે આપણી પણ જવાબદારી છે કે આવા જોખમો અંગે સચેત રહીએ, પોતાને સલામત રાખીએ અને તેને નિવારવા માટે આવા ગુના તથા તેની મોડસ ઓપરેન્ડી અંગે જાગૃતતા ફેલાવીએ.

વાસ્તવિક વિશ્વમાં આપણે સુરક્ષા માટે જે પગલાં લઈએ છીએ તેની જેમ જ ડિજિટલ તંદુરસ્તી અંગેના પગલાં રીલ અને ઓનલાઇન વિશ્વમાં પણ ભરાવા જોઈએ. આ ગુના અંગેની જાગૃતતા, સરકારી હેલ્પલાઇન નંબર 1930, cybercrime.gov.in પોર્ટલ અને અટકો, વિચારો અને પગલાં ભરોનો ત્રણ-સ્ટેપનો અભિગમ દેશના દરેક ખૂણે રહેલા દરેક નાગરિક સુધી પહોંચવો જોઈએ જેથી આવા ગુના નિવારી શકાય. સ્થાનિક ભાષામાં ભજવાતા શેરી નાટકો જેવી નવીનતમ પદ્ધતિઓ આ દિશામાં એક સારું પગલું છે જેનાથી સાયબર જાગૃતતાનો દરેક ઘર સુધી પ્રસાર થવામાં મદદ મળે છે.”

અમદાવાદ પોલીસના સાયબર ક્રાઇમ બ્રાન્ચના એસીપી ડો. એચ એસ માકડિયાએ જણાવ્યું હતું કે “આજના ઝડપથી વિકસી રહેલા ડિજિટલ યુગમાં આપણે આપણા રોજબરોજના કામો માટે ઇન્ટરનેટ પર વધુને વધુ આધાર રાખી રહ્યા છીએ. ઇન્ટરનેટના ઉપયોગના લાભ અને ગેરલાભ બંને છે. દરરોજ વિવિધ પ્રકારના સાયબર ગુના નોંધાય છે.

સરકાર સાયબર ગુનાઓને અટકાવવા માટે તમામ પ્રયાસ કરી રહી છે પરંતુ આપણી પણ જવાબદારી છે કે તેમનાથી સુરક્ષિત રહેવા માટે અગમચેતીના પગલાં ભરીએ. વાસ્તવિકતા એ છે કે જો આપણે વિવિધ પ્રકારના સાયબર ગુનાઓ અંગે જાગૃત રહીએ તો આપણે આપણી જાતને, આપણા પરિવારો અને આપણા મિત્રોને તેમની જાળમાં ફસાતા અટકાવી શકીએ છીએ. દરેક નાગરિકોની સાયબર ગુનાઓથી સુરક્ષા કરવા અને મહિલાઓ તથા બાળકોને ઓનલાઇન સુરક્ષિત રાખવા માટે અમદાવાદ શહેર પોલીસના સાયબર ક્રાઇમ બ્રાન્ચે સાયબર ક્રાઇમ જાગૃતતા અભિયાન – સચેત રહો, સુરક્ષિત રહો શરૂ કર્યું છે.”

પિરામલ ફાઇનાન્સના ચીફ બિઝનેસ ઓફિસર જગદીપ મલ્લારેડ્ડીએ જણાવ્યું હતું કે “ઇન્ટરનેટના વપરાશમાં ભારતે નોંધપાત્ર વધારો જોયો છે અને વિશ્વભરમાં તે બીજા નંબરનો સૌથી મોટો ઇન્ટરનેટ યુઝર બેઝ ધરાવે છે ત્યારે સાયબર સાક્ષરતાનું મહત્વન ઓછું ન આંકી શકાય. અર્ધ-શહેરી અને ગ્રામીણ ભારતમાં ડિજિટલનો પ્રસાર વધી રહ્યો છે ત્યારે સાયબર છેતરપિંડીના જોખમો પણ વધી રહ્યા છે.

અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ સાથેની આ પહેલ સાયબર સાક્ષરતાના અંતરને પૂરવા માટેનું એક મહત્વનું પગલું છે. નાગિરકોને સાયબર જોખમો ઓળખવા અને નિવારવા માટે જરૂરી જ્ઞાન અને ટૂલ્સ પૂરા પાડીને અમે ન કેવળ લોકોને સુરક્ષિત કરી રહ્યા છીએ પરંતુ આપણા દેશના એકંદરે ડિજિટલ સિક્યોરિટી ફ્રેમવર્કને પણ મજબૂત બનાવી રહ્યા છીએ. સાથે મળીને આપણે ડિજિટલ સુરક્ષિત ભારત ઊભું કરી શકીએ છીએ જ્યાં દરેક નાગરિક સુરક્ષિત રીતે ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકે.”

પિરામલ ફાઇનાન્સના માર્કેટિંગ હેડ શ્રી અરવિંદ ઐયરે જણાવ્યું હતું કે “અમે સાયબર છેતરપિંડીના વધી રહેલા દૂષણને ડામવા માટે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ સાથે હાથ મિલાવતા ખુશી અનુભવીએ છીએ. અમારું લક્ષ્ય ડિજિટલ જોખમોથી પોતાને બચાવવા માટે નાગરિકોમાં જાગૃતતા અને જ્ઞાનનો મજબૂત પાયો નાંખવાનું છે.

અમારો સહયોગ એ સુરક્ષિત અને માહિતગાર ડિજિટલ સમુદાયને પ્રોત્સાહન આપવા માટે અમારી પ્રતિબદ્ધતા અને સામાજિક જવાબદારી પ્રત્યે અમારા સમર્પણનો પુરાવો છે. સાયબર જાગૃતતા વધારીને અમે એવા સ્થિતિસ્થાપક સમાજનું નિર્માણ કરવાનો ઇરાદો ધરાવીએ છીએ જે ડિજિટલ પ્રગતિને આત્મવિશ્વાસપૂર્વક અપનાવી શકે.” આ પહેલને રાયબરેલી, સીતાપુર, હરદોઈ, ઉન્નાવ અને ખેરી જેવા ઉત્તર પ્રદેશના વિસ્તારોમાં પણ હાથ ધરવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.