Western Times News

Gujarati News

અમદાવાદ શહેર પોલીસ રાતોરાત સિંઘમના અવતારમાં આવી ગઈ

રાતોરાત શહેર પોલીસે કોમ્બિંગ કર્યું -હવે ગુનાખોરીનો ગ્રાફ વધે નહીં તે માટે પોલીસ ટીમ મેદાનમાં ઉતરી ઃ શહેરના તમામ વિસ્તારમાં પોલીસનું સર્ચ ઓપરેશન

(એજન્સી)અમદાવાદ, ‘ડર કે આગે જીત હૈ’ તે પૂરવાર કરવા માટે શહેર પોલીસ રાતોરાત સિંઘમના અવતારમાં આવી ગઈ છે. નહેરૂનગર અને કાગડાપીઠ પોલીસ સ્ટેશન નજીક થયેલી બે હત્યાની ઘટના બાદ શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિકે બે પીઆઈને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરી દીધા છે. એલિસબ્રિજ અને કાગડાપીઠ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટર સસ્પેન્ડ થતાં પોલીસબેડામાં સન્નાટો વ્યાપી ગયો છે

અને ઠેર-ઠેર પોલીસમાં સસ્પેન્શનનો ડર જોવા મળી રહ્યો છે. શહેરના તમામ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીઆઈને સસ્પેન્ડ થવું ના હોય તો તેમણે પોતપોતાના વિસ્તારને ક્રાઈમમુક્ત રાખવા પડશે. મોડી રાતે ગુનાખોરીને કંટ્રોલમાં લેવા માટે શહેર પોલીસ મેદાનમાં ઉતરી હતી અને ઠેર-ઠેર કોમ્બિંગ હાથ ધર્યું હતું. શહેરના પૂર્વ વિસ્તારને પોલીસે સૌથી વધુ ટાર્ગેટ કર્યો હતો

અને ત્યાં કોમ્બિંગ, પેટ્રોલિંગ અને ચેકિંગ શરૂ કર્યું હતું. હવે શહેરમાં ક્રાઈમની ઘટનાઓ વધી રહી છે તેવું શહીરજનો માની રહ્યા છે જ્યારે પોલીસનું માનવું છે કે ગુનાખોરીનો ગ્રાફ ઘટી રહ્યો છે. નાગરિકો અને પોલીસ વચ્ચે ચાલી રહેલા મતભેદના આ યુદ્ધનું પરિણામ શું આવે છે તે આવનારા દિવસોમાં ખબર પડશે. પરંતુ હાલના તબક્કે પોલીસે સિંઘમનો અવતાર ધારણ કર્યો છે.

શહેરના નહેરૂનગરમાં શાકભાજી અને ફ્રૂટની દુકાન ધરાવતા વેપારીની ફાયરિંગ કરીને હત્યા કરવામાં આવી હતી. આ હત્યાકાંડમાં સંડોવાયેલા ચાર આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી લીધા છે.

આ બાદ કાગડાપીઠ પોલીસ સ્ટેશન નજીક બુટલેગરે તેના સાગરિતો સાથે મળીને બુ યુવકો પર જીવલેણ હુમલો કર્યો હતો જેમાં એકનું મોત થયું છે. હત્યાની આ બે ઘટનાથી શહેરીજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. પોલીસ સબસલામતના દાવા કરી રહી છે ત્યારે જાહેરમાં બનતી હત્યાની ઘટનાઓથી લોકો પરેશાન થઈ ગયા છે.

અમદાવાદને સુરક્ષિત રાખવા માટે પોલીસ હવે મેદાનમાં ઉતરી છે. શહેરની તમામ પોલીસે મોડી રાતે ઠેર-ઠેર કોમ્બિંગ કર્યું હતું. નહેરૂનગરમાં થયેલી વેપારીની હત્યાના મામલે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટર બી.ડી.ઝલેરિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જ્યારે કાગડાપીઠમાં યુવકની હત્યાના મામલે કાગડાપીઠ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટર એસ.એ.પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

પોલીસ કમિશનર જી.એસ.મલિકે એક જ દિવસમાં બે પીઆઈને સસ્પેન્ડ કરતાં પોલીસબેડામાં સન્નાટો વ્યાપી ગયો છે. પોલીસ કમિશનરે સસ્પેન્શનની તલવાર ઉગામતા શહેરમાં ફરજ બજાવતા તમામ પીઆઈ, પીએસઆઈ સહિતના પોલીસ કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. શહેરને ક્રાઈમમુક્ત રાખવા માટે તમામ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટર સહિતની પોલીસ ટીમોએ મોડી રાતે કોમ્બિંગ હાથ ધર્યું હતું.

પીઆઈએ પોતાની એસી ચેમ્બરમાંથી બહાર આવીને પેટ્રોલિંગ કર્યું હતું અને શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ કરી હતી. પીઆઈ, પીએસઆઈ, કોન્સ્ટેબલ સહિતના લોકોએ મોડી રાતે ચેકિંગ હાથ ધર્યું હતું અને પેટ્રોલિંગ પણ કર્યું હતું.

આ મામલે પોલીસ કમિશનર જી.એસ.મલિકે જણાવ્યું છે કે બે પીઆઈને સસ્પેન્ડ કર્યા બાદ શહેરના તમામ વિસ્તારમાં પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ક્રાઈમની ઘટનાઓ બને નહીં તે માટે પૂરતું ધ્યાન રાખવામાં આવશે અને તમામ અરજીઓનો નિકાલ પણ કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.