વૈષ્ણોદેવી મંદિર સુધી રોપ-વે બનશેઃ સરળતાથી અને ઝડપથી મંદિર સુધી પહોંચી શકશે
માતા વૈષ્ણોદેવીના દર્શન કરવા આવતા લાખો ભક્તોને હાલમાં કટરાથી મંદિર સુધી પહોંચવા ૧૩ કિલોમીટર લાંબી મુસાફરી કરવી પડે છે.
(એજન્સી)નવીદિલ્હી, જો તમે માતા વૈષ્ણો દેવીના દરબારમાં જતા હોય તો આ સમાચાર તમને ખુશ કરી દેશે. તીર્થ યાત્રિકોની સુવિધા માટે સતત કાર્યરત શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડ હવે વૃદ્ધો અને અશક્ત યાત્રિકોને નવી સુવિધાઓ આપવા જઈ રહ્યું છે.
વાસ્તવમાં, હાલમાં માતા વૈષ્ણોદેવી મંદિર સુધી પહોંચવામાં વૃદ્ધો અને દિવ્યાંગોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જેથી માતા વૈષ્ણોદેવી મંદિરે આવતા યાત્રિકો માટે મંદિર સુધી રોપ-વે (કેબલ કાર) બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રોપ-વેથી લોકો સરળતાથી અને ઝડપથી મંદિર સુધી પહોંચી શકશે. શ્રાઈન બોર્ડ દ્વારા લેવામાં આવેલા આ કદમથી શ્રી માતા વૈષ્ણો દેવીના મંદિરની યાત્રા સુરક્ષિત રહેશે અને સમય પણ પહેલા કરતા ઓછો રહેશે.
જોકે રોપ-વે પ્રોજેક્ટનો સ્થાનિક લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. શ્રાઈન બોર્ડનું કહેવું છે કે સ્થાનિક લોકોની ચિંતાઓને ધ્યાનમાં રાખીને આ પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવશે. અત્યારે રોપ-વેને તારાકોટ માર્ગેથી મુખ્ય ભવન સાથે જોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રોપવે દ્વારા મુસાફરો સાંઝી છત સુધી પહોંચશે. ત્યારપછી મુસાફરો સાંઝી છતથી ભવન સુધી પગપાળા મુસાફરી કરશે.
સાંઝી છત પર જ એક હેલિકોપ્ટર હેલિપેડ છે. તમને જણાવી દઈએ કે જ્યારથી શ્રાઈન બોર્ડે ભવનથી લઈને ભૈરો ઘાટી સુધીનો રોપ-વે શરૂ કર્યો છે, ત્યારથી તીર્થયાત્રીઓ માટે આ ત્રણ કિમી ઊભો ચઢાણવાળો રસ્તો પૂર્ણ કરવાનું વધુ સરળ બની ગયું છે. માતા વૈષ્ણોદેવીના દર્શન કરવા આવતા લાખો ભક્તોને હાલમાં કટરાથી મંદિર સુધી પહોંચવા ૧૩ કિલોમીટર લાંબી મુસાફરી કરવી પડે છે.