થામણાનાં ગ્રામજનો દ્વારા ચોકડી પર થયેલા ગેરકાયદેસર દબાણો બાબતે કલેકટરને રજૂઆત
ઉમરેઠનાં થામણા ખાતે આણંદ જિલ્લા કલેક્ટરની ઉપસ્થિતિમાં રાત્રી સભા યોજાઈ
(તસ્વીરઃ વિનોદ રાઠોડ, ઉમરેઠ) ઉમરેઠ તાલુકાનાં થામણા ગામે ઝંડા ચોક ખાતે રાત્રી સભા યોજાઈ. આણંદ જિલ્લા કલેક્ટરશ્રીની અધ્યક્ષતા હેઠળ યોજાયેલ આ રાત્રી સભામાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી, પ્રાન્ત અધિકારી, ઉમરેઠ મામલતદાર, ઉમરેઠ તાલુકા વિકાસ અધિકારી તથા થામણા ગામનાં સરપંચશ્રી અને ગામનાં જાગૃત ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા.
જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા રાત્રી સભા યોજવાનાં કારણોની સમજ આપ્યા બાદ થામણા ગામનાં જાગૃત ગ્રામજનો દ્વારા વિવિધ સમસ્યાઓ જેવીકે રીક્ષા ચાલકો દ્વારા રીક્ષા ઉપર વધારાની લાઈટો લગાડવાથી સામેથી આવતા વાહન ચાલકો અંજાઈ જાય છે, છેલ્લા ૬ માસથી દરરોજ ૪ થી ૫ કલાક જેટલો વિજ પુરવઠો કાપ થઈ રહ્યો છે, થામણા- આણંદ ત્રણ ટાઈમની એસ.ટી. બસ કોરોના સમય દરમ્યાન બંધ કરવામાં આવી હતી
જેની ગ્રામજનો દ્વારા ઘણી બધી રજૂઆતો કરવા છતા શરૂ કરવામાં આવતી નથી, ૭૦ વર્ષથી વધુ વયનાં વ્યક્તિઓ માટે આયુષ્યમાન કાર્ડ, વિંઝોલ-ખાખણપુર-થામણા નહેરમાં પાણી આવવા બાબતની રજૂઆતો કરવામાં આવી હતી. આ ઉપરાંત ગટરની સફાઈ, સ્ટ્રીટ લાઈટ અને કચરા બાબતે ડોર ટુ ડોર કલેક્શન ના થતું હોવા બાબતે રજૂઆતો કરાઈ હતી. આ ઉપરાંત શાળા સમય દરમ્યાન ઢોર છુટ્ટા મુકવા બાબતે અને શાળા પાસેથી પસાર થતા રસ્તા ઉપર બમ્પ બનાવવા બાબતે રજૂઆત કરાઈ હતી.
થામણાનાં ગ્રામજનો દ્વારા ઉમરેઠ ખાતે આવેલ થામણા ચોકડીનાં દબાણો બાબતે રજૂઆત કરાઈ હતી. થામણા ચોકડીથી થામણા તરફનાં રસ્તા ઉપર ત્યાં વસવાટ કરતા લોકો દ્વારા ડિવાઈડરથી એક તરફનો રસ્તો દબાણ કરવાથી વાહન ચાલકોને ખૂબજ હાલાકી ભોગવવી પડે છે તથા અકસ્માત થવાનો ભય રહેતો હોવાથી આ દબાણ દૂર કરવા રજૂઆત કરાઈ હતી. થામણા સરપંચ દ્વારા થામણા પ્રાથમિક શાળાનાં આચાર્યને બદલવા બાબતે પણ રજૂઆત કરાઈ હતી.