21 કરોડના ખર્ચે અમદાવાદના શેલામાં બન્યું તળાવ અને પબ્લિક પાર્ક
કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે અમદાવાદના શેલામાં પદ્મભૂષણ શ્રી રજનીકાંત શ્રોફ સરોવર અને પબ્લિક પાર્કનું લોકાર્પણ
અંદાજિત 21 કરોડના ખર્ચે નિર્માણ પામેલા તળાવ અને પબ્લિક પાર્કની કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીએ મુલાકાત લીધી મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરાયું
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે અમદાવાદના શેલા ગામ ખાતે નિર્મિત પદ્મભૂષણ શ્રી રજનીકાંત શ્રોફ સરોવર અને ઉદ્યાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અંદાજિત 21 કરોડના ખર્ચે નિર્માણ પામેલા તળાવ અને પબ્લિક પાર્કની કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહે મુલાકાત લીધી હતી.
તળાવના ઉદ્ઘાટન પ્રસંગ નિમિત્તે શ્રી અમિતભાઈ શાહ તેમજ મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સાણંદના ધારાસભ્યશ્રી કનુભાઈ પટેલ, દસ્ક્રોઇના ધારાસભ્યશ્રી બાબુભાઈ જમનાદાસ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી કંચનબા વાઘેલા, અમદાવાદ મનપાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી, અમદાવાદના કલેકટર સુશ્રી પ્રવિણા ડી.કે, જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિદેહ ખરે, રેન્જ આઇજી શ્રી જે. આર. મોથલીયા તેમજ સ્થાનિક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં વિસ્તારના રહેવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.
તળાવના આકર્ષણો –જિલ્લા વહીવટી તંત્ર, AUDA કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સ્બિલિટી (CSR) અંતર્ગત UPL કંપનીના સહયોગથી તળાવનું બ્યૂટિફિકેશન કરવામાં આવ્યું છે. આ તળાવ 8.2 હેકટર વિસ્તારમાં ફેલાયેલું છે. જ્યાં વૉકવે, પાર્કિંગ, એન્ટ્રી ગેટ સહિતની સુવિધાઓ વિકસાવવામાં આવી છે. સાથોસાથ લોન તથા વૃક્ષોનું વાવેતર કરીને આસપાસનો વિસ્તાર રમણીય બનાવવામાં આવ્યો છે.
આવો છે પબ્લિક પાર્ક –નાગરિકોના મનોરંજન માટે પબ્લિક પાર્ક પણ બનાવવામાં આવ્યો છે. અંદાજિત 14,000 ચોરસ મીટરમાં વિસ્તરેલા આ પાર્કમાં લગભગ 40 ચોરસ મીટરના સ્ટેજ સાથે ઓપન થિયેટર, સીસી વૉકવેઝ, પાર્કિંગ, રેમ્પ અને રેલિંગ સાથે પ્રવેશ દ્વાર, સર્વિસ ગેટ, પેનલ કમ સિક્યુરિટી રૂમ, ટોયલેટ બ્લોક, ચિલ્ડ્રન પ્લે એરિયા બનાવવામાં આવ્યો છે.
અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (ઔડા) અને જિલ્લા વહીવટીતંત્ર સાથેના સહયોગમાં યુપીએલે અમદાવાદમાં શેલા તળાવ ખાતે નવા વિકસાવાયેલા અને નિખારવામાં આવેલા પદ્મભૂષણ રજનીકાંત શ્રોફ સરોવર અને ઉદ્યાનનું ઉદ્ઘાટન કર્યું હતું. અમદાવાદમાં સાઉથ બોપલ નજીક શેલા ગામમાં 8.2 હેક્ટર વિસ્તારમાં પથરાયેલા આ પ્રોજેક્ટનો ઉદ્દેશ સ્થાનિક સમુદાયને અનન્ય જાહેર સુવિધાઓ પૂરી પાડવાનો છે.
આ ઉદ્ઘાટન પ્રસંગ ભારે ઉત્સાહ સાથે યોજાયો હતો. માનનીય સાંસદ (ગાંધીનગર) અને ભારત સરકારના કેન્દ્રીય ગૃહ તથા સહકાર પ્રધાન શ્રી અમિત શાહ, ગુજરાત વિધાનસભાના માનનીય ધારાસભ્ય (સાણંદ) શ્રી કનુભાઈ પટેલ, અમદાવાદ જિલ્લા પંચાયતના માનનીય પ્રમુખ શ્રીમતી કંચનબા વાઘેલા અને યુપીએલના વાઇસ ચેરમેન અને કો-સીઈઓ શ્રી વિક્રમ શ્રોફ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. તેમની ઉપસ્થિતિએ જળ સંવર્ધન માટેના આ વિકાસનું મહત્વ દર્શાવ્યું હતું અને આ વિસ્તારમાં સમુદાયની સુખાકારી તથા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસને પ્રોત્સાહન આપ્યું હતું.
યુપીએલના વાઇસ ચેરમેન અને કો-સીઈઓ શ્રી વિક્રમ શ્રોફે આ પ્રસંગે જણાવ્યું હતું કે “યુપીએલ ખાતે અમે સમુદાયોને લાભ પહોંચાડે અને તેમની સુખાકારીમાં વધારો કરે તેવા ટકાઉ સોલ્યુશન્સ વિકસાવવા માટે હૃદયપૂર્વક સમર્પિત છીએ. પદ્મભૂષણ રજનીકાંત શ્રોફ સરોવર અને ઉદ્યાન સમાજને કંઈક પાછું આપવા તથા જીવનની ગુણવત્તામાં વધારો કરે તેવા હરિયાળા સ્થળોને પ્રોત્સાહન આપવાના અમારા વિઝનને દર્શાવે છે. અમને આશા છે કે કાયાપલટ કરવામાં આવેલું આ સરોવર અને ઉદ્યાન શેલા તથા સમગ્ર અમદાવાદના લોકો માટે એક આનંદભર્યું સ્થળ બની રહેશે.”
આ પ્રોજેક્ટનો શિલાન્યાસ કેન્દ્રીય ગૃહ પ્રધાન અને ગાંધીનગરના સાંસદ શ્રી અમિત શાહ દ્વારા 12 જૂન, 2022ના રોજ કરવામાં આવ્યો હતો. જિલ્લા વિકાસ કચેરી અને ઔડા તરફથી જરૂરી મંજૂરીઓ મળ્યા બાદ યુપીએલે સમુદાય-કેન્દ્રિત સુવિધાઓ સાથે આ પહેલ આદરી હતી.
પ્રકાશ તથા પાણીના પમ્પિંગની જરૂરિયાતો માટે 90 કિલોવોટ વીજ જોડાણ સાથે આ પ્રોજેક્ટ ટકાઉ કામગીરી સુનિશ્ચિત કરે છે. તળાવના મુખ્ય વિસ્તારની ફરતે પથ્થરની દિવાલ, ડેકોરેટિવ ફેન્સિંગ અને બે એન્ટ્રી ગેટ સાથે તેને મજબૂત બનાવવામાં આવ્યું છે અને તેની સુંદરતા વધારવામાં આવી છે. કાયાકલ્પ કરાયેલો અને ફેન્સિંગ સાથે સુરક્ષિત કરાયેલો જૂનો કૂવો આ જગ્યાએ ઐતિહાસિક આકર્ષણ ઉમેરે છે. મુલાકાતીઓ 10 ફૂટ પહોળો સિમેન્ટ કોંક્રિટ વૉકવે, 35 ફૂટ પહોળો પાકો પાર્કિંગ વિસ્તાર અને સુશોભિત વૃક્ષો સાથેની હરિયાળી માણી શકે છે. આ વિસ્તાર સ્ટ્રીટલાઇટથી ઝગમગે છે અને સમાવેશકતા સુનિશ્ચિત કરતા એક્સેસિબિલિટી માટે રેમ્પ સાથેનો એન્ટ્રન્સ ગેટ ધરાવે છે.
50 લાખ લિટરની ક્ષમતા સાથે વિકસાવાયેલો વિસ્તૃત તળાવ વિસ્તાર સુંદર રીતે બનાવાયેલા કૃત્રિમ સરોવર સાથે આ જગ્યાના આકર્ષણમાં વધારો કરે છે. આ ભાગમાં વ્યાપક લૉન, સિમેન્ટ કોંક્રિટ વૉકવે અને ડેકોરેટિવ ફેન્સિંગ આવેલી છે જે મુલાકાતીઓને વધારાની શાંત તથા વાપરવા માટેની જગ્યા પૂરી પાડે છે.
જાહેર ઉદ્યાન વિસ્તાર લગભગ 14,000 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલો છે અને 40 ચોરસ મીટર સ્ટેજ સાથેનું ઓપન એર થિયેટર, 6,000 ચોરસ મીટરને આવરી લેતી સુંદર લૉન અને ટપક સિંચાઇ પદ્ધતિ સાથેના હોર્ટિકલ્ચર લેન્ડસ્કેપિંગ ધરાવે છે. તેમાં ઓપન જીમ અને અત્યાધુનિક ઉપકરણોથી સજ્જ સમર્પિત ચિલ્ડ્રન પ્લે એરિયા જેવી સુવિધાઓ છે. આ વિસ્તારમાં જીર્ણોદ્ધાર કરેલું એક મંદિર, બેબી કેર સુવિધાઓ સાથેના ટોઇલેટ બ્લોક અને વિશાળ પાર્કિંગ સુવિધા છે જે તેને પરિવારો માટે સુગમ અને આનંદ માણવાલાયક સ્થળ બનાવે છે.