Western Times News

Gujarati News

વડાપ્રધાન મોદીએ બ્રાઝિલના પ્રેસિડેન્ટને મળી જી૨૦ની અધ્યક્ષતાને બિરદાવી

રિયો ડિ જાનેરો, વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે બ્રાઝિલના પ્રેસિડેન્ટ લુઇઝ ઇનાસિયો લુલા ડિ સિલ્વાને મળ્યા હતા. તેમણે ઊર્જા, બાયોફ્યુઅલ, સંરક્ષણ અને કૃષિ ક્ષેત્રે સહયોગ વધારવાની ભારતની કટિબદ્ધતાને દોહરાવવા સાથે દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરી હતી.

મોદીએ જી૨૦ની અધ્યક્ષતા દરમિયાન બ્રાઝિલે કરેલા પ્રયાસોને બિરદાવ્યા હતા. નાઇજિરિયાનો બે દિવસનો પ્રવાસ પૂરી કરી મોદી રવિવારે બ્રાઝિલ પહોંચ્યા હતા. તેમણે લુલા સાથેની બેઠક પછી એક્સ પર જણાવ્યું હતું કે, “અમે દ્વિપક્ષીય સંબંધોની ચર્ચા કરી હતી.

ઉપરાંત, બ્રાઝિલ સાથે ઊર્જા, બાયોફ્યુઅલ, સંરક્ષણ અને કૃષિ ક્ષેત્રે સહયોગ વધારવાની ભારતની કટિબદ્ધતાને દોહરાવી હતી.” વડાપ્રધાન કાર્યાલયે જણાવ્યું હતું કે, બંને નેતા વચ્ચેની બેઠક સફળ રહી હતી. દ્વિપક્ષીય વાટાઘાટમાં પ્રેસિડેન્ટ લુલાએ મોદીને જણાવ્યું હતું કે, “અમે જી૨૦ માટે ઘણા પ્રયાસ કર્યા હતા. જેની પ્રેરણા ભારત દ્વારા આયોજિત જી૨૦માંથી મળી હતી.”બ્રાઝિલ ૧૯મી જી૨૦ સમિટનું આયોજન કરી રહ્યું છે.

ભારત બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકા સાથે ટ્રોઇકાના સભ્ય તરીકે ભાગ લઈ રહ્યું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીએ જી૨૦ના સફળ આયોજન માટે પ્રેસિડેન્ટ લુલાનો આભાર માન્યો હતો. જયસ્વાલે એક્સ પર જણાવ્યું હતું કે, “વડાપ્રધાને બ્રાઝિલની ‘ગ્લોબલ એલાયન્સ અગેન્સ્ટ હંગર એન્ડ પોવર્ટી’ પહેલને ભારતના સંપૂર્ણ ટેકાની ખાતરી આપી હતી. ”

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની વચ્ચે ફરી એક વાર મુલાકાત થઈ છે. જી-૨૦ સમિટમાં ભાગ લેવા બ્રાઝીલની રાજધાની રિયો-ડી-જેનેરિયો પહોંચેલા બન્ને નેતાઓએ એકબીજા સાથે વાતચીત કરી હતી.

રશિયામાં બ્રિક્સ સમિટ પછી બંને નેતાઓ વચ્ચે બીજી વાર મુલાકાત થઈ છે. આ પહેલા, લદ્દાખમાં તણાવને લીધે બંને નેતાઓ વચ્ચે પાંચ વર્ષ સુધી વાતચીત થઈ શકી ન હતી.

મીડિયા અહેવાલ મુજબ, વડાપ્રધાન મોદી અને ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગની વચ્ચે લગભગ ૧૫ મિનિટ સુધી વાતચીત થઈ હતી. આ બેઠકમાં બંને નેતાઓની વચ્ચે દ્વિપક્ષીય અને આંતરરાષ્ટ્રીય બાબતો પર ચર્ચા થઈ છે. જોકે, હજુ સુધી બંને દેશો તરફથી સત્તાવાર રીતે આ બેઠકને લઈને કોઈ પણ વિગતો જાહેર કરવામાં આવી નથી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.