Western Times News

Gujarati News

નવી જંત્રી માટે પ્રજાલક્ષી સૂચનો-રજૂઆતો પોર્ટલ પર ૩૦ દિવસમાં રજૂ કરી શકાશે

ગાંધીનગર,રાજ્યમાં ગુજરાત સ્ટેમ્પ્સ અધિનિયમ-૧૯૫૮ની કલમ-૩૨(ક)ના અસરકારક અમલ માટે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યની જમીનો/સ્થાવર મિલ્કતોની બજાર કિંમત નક્કી કરવા માટેની ગાઈડલાઈન વેલ્યુ (જંત્રી) સમયાંતરે નક્કી કરવામાં આવે છે. રાજ્યમાં થતાં ઝડપી વિકાસ અને ઔદ્યોગિક, શહેરી અને ગ્રામ્ય વિકાસ અને આર્થિક પ્રવૃત્તિઓને લીધે બદલાતી પરિસ્થિતિઓ તથા વિકાસને અવિરત વેગ મળતો રહે તેવા આશયથી નવી જંત્રી તા. ૧૫-૦૪-૨૦૨૩ થી અમલમાં છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ સંપાદનના કામે યોગ્ય વળતર ન મળવા અંગે ખેડૂતોએ જંત્રીના ભાવોમાં વધારો કરવા માટે કરેલી રજુઆતો અને વિવિધ સંગઠનો તથા સંસ્થાઓ તરફથી મળેલ રજુઆતોનો મુખ્યમંત્રીશ્રીએ સકારાત્મક પ્રતિસાદ આપ્યો છે.

તેમણે આવી રજુઆતો ધ્યાને લઈને વ્યાપક જાહેર હિતમાં જમીનના ભાવોનું સરળીકરણ અને તર્કસંગતીકરણ કરી, વૈજ્ઞાનિક પધ્ધતિ અપનાવીને વાસ્તવિક ભાવો દર્શાવતી, જંત્રી તૈયાર કરવાના દિશા નિર્દેશો આપ્યા હતાં. આ સંદર્ભમાં વૈજ્ઞાનિક પાસાંને ધ્યાને લઈ મહદઅંશે એપ્રિલ-૨૦૨૩ થી નવેમ્બર-૨૦૨૩ સુધી તબક્કાવાર ફિલ્ડ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જમીનની વિકાસ ક્ષમતા પર અસરકર્તા આનુષંગીક પ્રવર્તમાન પરિબળોને વૈજ્ઞાનિક ઢબે અપનાવી રાજ્યના શહેરી વિસ્તારોમાં વિસ્તારની વિકાસ ક્ષમતા આધારે કુલ- ૨૩,૮૪૬ વેલ્યુઝોન અને ગ્રામ્ય વિસ્તારમાં ૧૭,૧૩૧ ગામોનો માટે ફિલ્ડ સર્વે કરવામાં આવ્યો હતો.

ફિલ્ડ સર્વે માટે જિલ્લાવાર ટેકનિકલ અને વહીવટી સ્ટાફની ટીમ બનાવી, સઘન તાલીમ આપી, સર્વે અને જમીનના ખરેખરા ભાવો કેપ્ચર કરવા માટેના પરિબળોથી અવગત કરાવવામાં આવી હતી. એટલું જ નહિ, સ્થાનિક કક્ષાએ પુછપરછ કરી પ્રવર્તમાન જમીનના દરો મેળવવામાં આવેલા અને આવા ડેટાને તાલુકા અને જિલ્લા કક્ષાએ બારીકાઈથી ચકાસણી કરવામાં આવી હતી. આનુસંગિક પરિબળોનું સાપેક્ષ યોગ્ય પૃથ્થકરણ કરી, જરુરી ફેરફાર કરી મળેલ ભાવો ને ધ્યાને લઈ, “શહેરી વિસ્તાર” અને “ગ્રામ્ય વિસ્તાર” માટે જિલ્લાવાર અલગ-અલગ ભાગમાં વિવિધ હેતુઓ માટેના ભાવોથી તૈયાર થયેલ મુસદ્દારૂપ જંત્રી અને માર્ગદર્શિકા તા.૨૦/૧૧/૨૦૨૪ના રોજ વાંધા-સુચન માટે પ્રસિધ્ધ કરવામાં આવી છે.

આ મુસદ્દારૂપ જંત્રી – ૨૦૨૪ અને માર્ગદર્શિકા જાહેર જનતાના નિરિક્ષણ માટે https://gevi.gujarat.gov.in વેબસાઈટ તથા સંબંધિત નાયબ કલેક્ટર (સ્ટેમ્પ ડ્‌યુટી)ની કચેરી પર ઉપલબ્ધ રહેશે. તથા આ પોર્ટલ પર ૩૦ દિવસમાં એટલે કે તા. ૨૦-૧૨-૨૦૨૪ સુધી ઓનલાઈન વાંધા-સુચન રજૂ કરી શકાશે. જિલ્લા કક્ષાએ મળેલી આવી રજુઆતો અને વાંધા સુચનો સંબંધિત કલેક્ટરશ્રીની અધ્યક્ષતાની સમિતી ચકાસણી કરશે અને યોગ્ય અભિપ્રાય સાથે સક્ષમ કક્ષાએ વિચારણા માટે મોકલશે. વાંધા-સુચનોને ધ્યાને લઈ જંત્રીને આખરી ઓપ આપી રાજ્ય સરકારની મંજૂરી મળ્યા બાદ અમલમાં મુકવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.