Western Times News

Gujarati News

મ્યુનિ. કોર્પોરેશન દ્વારા સ્ટ્રીટ વેન્ડર પોલિસીના અમલમાં અસહ્ય વિલંબ

અમદાવાદના નાગરિકો રોગચાળાના સકંજામાં આવી રહયા છે ઃ શહેજાદખાન પઠાણ

(પ્રતિનિધિ) અમદાવાદ,કેન્દ્ર સરકારે ફેરિયા પાથરણાવાળાઓ માટે ર૦૧૪ના વર્ષમાં સ્ટ્રીટ વેન્ડર પોલીસી જાહેર કરી હતી પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ૧૦ વર્ષ બાદ પણ આ પોલીસીનો અમલ કર્યો નથી જે અત્યંત શરમજનક બાબત છે. તેમજ સ્માર્ટ સીટી કહેવાતા અમદાવાદમાં રોગચાળો બેકાબુ બન્યો હોવાથી તેને બીમાર સીટી કહેવામાં આવે તો કોઈ અતિશયોકિત નથી તેવા પ્રહાર કોંગ્રેસ પક્ષ દ્વારા કરવામાં આવ્યા હતા.મ્યુનિ. કોર્પોરેશનની માસિક સામાન્ય સભામાં કોંગી નેતા શહેજાદખાન પઠાણે સત્તાધારી પક્ષ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારની સ્ટ્રીટ વેન્ડર પોલીસીના કારણે ગરીબ ફેરિયા -પાથરણાવાળાઓને રોજી રોટી મળી રહે તેમ છે તેમજ ટ્રાફિક સમસ્યા પણ હળવી થાય તેમ છે.

પરંતુ અગમ્ય કારણોસર મ્યુનિ. કોર્પોરેશનના શાસકો છેલ્લા ૧૦ વર્ષથી આ પોલિસીનો અમલ કરી રહયા નથી અને થોડા સમય પહેલા જ પોલીસી માટે બનાવવામાં આવેલી કમિટીના સભ્યો દ્વારા જે દરખાસ્તો રજુ કરવામાં આવી હતી તેને પણ હજુ મંજુર કરવામાં આવી નથી. કેન્દ્ર સરકારની પોલીસી મુજબ કમિટી સભ્યોમાં ફેરિયા-પાથરણાવાળાઓની આંતરિક ચુંટણી થયા બાદ તેમના જે પ્રતિનિધિ નકકી થાય તેમનો સમાવેશ કમિટીમાં કરવો ફરજીયાત છે પરંતુ ભાજપ દ્વારા આ નિયમનો પણ ભંગ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત આઈકાર્ડ માટે રૂ.રપ૦૦ અને માસિક ભાડા પેટે રૂ.૬૦૦ સુધીની જે રકમ નકકી કરવામાં આવી છે તે પણ અસહ્ય છે જે બાબત પણ ફેર વિચારણા કરવી જરૂરી છે.અમદાવાદ શહેરમાં રોગચાળો બેકાબુ બની રહયો છે દર વર્ષે બજેટમાં રોગચાળા નિયંત્રણ માટે કરોડો રૂપિયા ખર્ચ કરવાની જાહેરાત થાય છે તેમ છતાં રોગચાળો નિયંત્રણમાં આવતો નથી. છેલ્લા ત્રણ વર્ષના આંકડા પર દ્રષ્ટિપાત કરીએ તો ર૦રર થી ર૦ર૪ દરમિયાન ઝાડા-ઉલ્ટીના રર૯ર૯, કમળો- ૭૦૦૦, ટાઈફોઈડ-૧રર૬ર, કોલેરા-૩ર૯, સાદા મેલેરિયા- ૩રપ૪, ઝેરી મેલેરિયા-૪૬૭, ડેન્ગયુ-૭૧૪૦ અને ચીકનગુનીયાના પ૪૦ કેસ નોંધાયા છે.

આ બાબત સાબિત કરે છે કે ભાજપ જેને સ્માર્ટ સીટી કહી રહયું છે તે વાસ્તવમાં તેમની બેદરકારીના કારણે જ બીમાર સીટી બની રહયું છે. શહેરમાં રોડ-રસ્તાના કામ પણ ઘણા સમયથી અટવાયા છે. શાસકો દ્વારા નવરાત્રિ સમયે રોડ બનશે તેવી જાહેરાતો કરવામાં આવી હતી ત્યારબાદ મુદત વધારીને દિવાળી અને હવે દેવ દિવાળીની મુદત આપી હતી જે પણ પૂર્ણ થઈ ગઈ છે તેથી રોડના કામોમાં પણ તારીખ પે તારીખ જેવી સ્થિતિ જોવા મળે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.