અભ્યાસની સાથે સાથે વિદેશમાં સેટલ થવા માટે યુવાપેઢીમાં ભારે ક્રેઝ
ભારતના ૧૩ લાખથી વધુ યુવાન-યુવતિઓ અભ્યાસ અર્થે જુદા-જુદા દેશોમાં: કેનેડામાં સૌથી વધારે ચાર લાખ વિદ્યાર્થીઓ, યુ.એસ. ઓસ્ટ્રેલિયા, યુ.કે ત્યાર પછી પસંદગીના દેશ
અમદાવાદ,વિદેશમાં અભ્યાસઅર્થે જઈને ત્યાં સ્થાયી થવા માટે ભારતમાંથી દર વર્ષે સેંકડો વિદ્યાર્થીઓ વિદેશ જાય છે લાખો વિદ્યાર્થીઓ હાલમાં કેનેડા, યુ.એસ. ઓસ્ટ્રેલિયા તથા યુ.કે.માં અભ્યાસ કરે છે. સૌથી વધારે પ્રમાણમાં આ દેશોમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તો રશિયા, ચીન, યુક્રેન પર પ્રમાણમાં ઓછા વિદ્યાર્થીઓ પોતાની પસંદગી ઉતારે છે. ખાસ તો કેનેડામાં અભ્યાસ માટે વિદ્યાર્થીઓ મોટા પ્રમાણમાં જાય છે એક આંકડાકીય અંદાજ પ્રમાણે ભારતમાંથી અત્યારે વિદેશમાં લગભગ ૧૩ લાખ કરતા વધારે વિદ્યાર્થીઓ જુદા જુદા દેશોમાં અભ્યાસ માટે ગયા છે જેમાં કેનેડામાં સંખ્યા વિશાળ પ્રમાણમાં છે કેનેડામાં અંદાજીત ચાર લાખ કરતા વધારે ભારતીય વિદ્યાર્થીઓ છે આ વિદ્યાર્થીઓ ત્યાં અભ્યાસની સાથે નિયમ પ્રમાણે પાર્ટ ટાઈમ કામ કરતા હોય છે અને પોતાનો મોટાભાગનો ખર્ચ નીકાળી લે છે.
હાલમાં કેનેડા- ભારત વચ્ચે રાજદ્વારી સંબંધોમાં કેટલાક મુદ્દાઓને લઈને ખટાશ આવી ગઈ છે તેને લઈને વિદ્યાર્થીઓમાં કેટલેક અંશે ચિંતાનું વાતાવરણ ફેલાયુ છે કેનેડામાં હાલમાં રહેવા- નોકરીની બાબતમાં સમસ્યા ઉભી થઈ છે માત્ર કેનેડા જ નહિ યુ.એસ.માં ત્રણ લાખ કરતા વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે ઓસ્ટ્રેલિયામાં એક લાખથી વધુ, યુ.કે.માં દોઢ લાખ કરતા વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ માટે ગયા છે આ દેશો પર ભારતીય વિદ્યાર્થીઓ જયારે પસંદગી ઉતારી રહયા છે અહીંયા એકવાર સ્થાયી થયા પછી પોતાની સાથે ફેમીલીને પણ આર્થિક રીતે લાભ થતો હોય છે.
ટુંકમાં વિદેશમાં પાંચ- દસ વર્ષ કામ કરવાથી કુટુંબતરી જાય છે તેવી ભાવના સાથે વિદ્યાર્થીઓ અભ્યાસ ીમાટે જાય છે. ઉચ્ચ અભ્યાસની સાથે લગ્ન માટે કન્યા મળવામાં સુગમતા રહેતી હોવાનું જોવામાં આવ્યું છે. કેનેડા, અમેરિકા, ઓસ્ટ્રેલિયામાં તો ભારત વસતુ હોય તેવુ વાતાવરણ જોવા મળે છે.
ભારતના વિદ્યાર્થીઓમાં રશિયા, યુક્રેન અને ચીન પર અભ્યાસ માટે ઓછુ જવાનું પ્રમાણ જોવા મળે છે. યુક્રેનમાં ર૦ર૩માં ૧૧,૦૦૦ કરતા વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા જે ર૦ર૪માં ઘટીને રપ૦૦ની આસપાસ છે તો રશિયામાં ર૦ર૩માં રપ,૦૦૦ કરતા વધારે વિદ્યાર્થીઓ હતા પરંતુ ર૦ર૪માં આ આંકડો ર૪,૦૦૦ પર આવ્યો હોવાનું કહેવાય છે.
રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુધ્ધની અસરને કારણે વિદ્યાર્થીઓ ત્યાં ઓછા જઈ રહયા છે તો ચીનમાં ર૦૧૯માં લગભગ ૧પ,૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ ગયા હતા પરંતુ ચીન સાથે સંબંધો વણસ્યા પછી આ આંકડો ૮૦૦૦ની આસપાસ આવીને અટકયો છે. જોકે હકીકત એ છે કે ભારતમાંથી વિદેશ અભ્યાસ અર્થે જવા અને સેટલ થવા માટે વિદેશ જવા માંગતા વિદ્યાર્થીઓની સંખ્યામાં દિન- પ્રતિદિન વધારો થઈ રહયો હોવાનું જણાઈ રહયું છે. ઉચ્ચ અભ્યાસ માટે ભારતમાં તમામ સુવિધા છે પરંતુ વિદેશમાં સારો પગાર, અને કાયમી સ્થાયી થવાના વિચાર સાથે જવાવાળા યુવાનો-યુવતીઓનો આંકડાનો ગ્રાફ ઉંચો જઈ રહયો છે તેને તમે વિદેશ જવાની ઘેલછા- મોહ કહો કે ગમે તે કહો, પરંતુ માં-બાપ પણ પોતાના પુત્ર-પુત્રી માટે લાખો રૂપિયા ખર્ચતા અટકતા નથી તે આના પરથી ફલિત થાય છે.