Western Times News

Gujarati News

આતંકવાદનો અંત એ પાકિસ્તાન સાથે વાતચીતની પહેલી શરતઃ ભારત

ન્યૂયોર્ક, પાકિસ્તાન દ્વારા ચલાવાઈ રહેલા સીમા પારના આતંકવાદનો મુદ્દો વૈશ્વિક મંચો પર ઉઠાવવા માટે ભારત સતત પ્રયત્નશીલ રહે છે. કોલંબિયા યુનિવર્સિટીની સ્કૂલ ઓફ ઈન્ટરનેશનલ એન્ડ પબ્લિક અફેર્સ ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો વિષય ‘રિસ્પોન્ડિંગ ટુ મેજર ગ્લોબલ ચેલેન્જિસઃ ધ ઈન્ડિયા વે’ હતો.

આ કાર્યક્રમમાં સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના રાજદૂત પાર્વતનેની હરીશે પણ ભાગ લીધો હતો. અહીં તેમણે કહ્યું હતું કે પાકિસ્તાન સાથે વાતચીત ત્યારે જ શરૂ થઈ શકે છે જ્યારે પાકિસ્તાન સીમા પારના આતંકવાદનો સંપૂર્ણપણે ખાતમો કરે. ભારતીય રાજદૂતે કહ્યું છે કે ભારત સીમા પારના આતંકવાદનો શિકાર છે અને આતંકવાદ પ્રત્યે અમારી ઝીરો ટોલરન્સની નીતિ છે.

ભારતીય રાજદૂતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે પાકિસ્તાન સાથે અમારો મુખ્ય મુદ્દો જ આતંકવાદ છે. ભારતીય રાજદૂતને પાકિસ્તાન વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાન સાથે સંપર્ક કરવાનો અને વાતચીત કરવાનો પ્રયાસ કર્યાે હતો, પરંતુ ભારતમાં પાકિસ્તાન દ્વારા ચાલી રહેલી આતંકવાદી ગતિવિધિઓએ વિશ્વાસને તોડી નાખ્યો છે. પાકિસ્તાન સાથેની વાતચીતમાં પહેલો મુદ્દો આતંકવાદનો અંત છે અને આ મહત્ત્વનો મુદ્દો છે.

હરીશે ભારપૂર્વક જણાવ્યું હતું કે આતંકવાદ માનવતાના અસ્તિત્વ સામેનું એવું જોખમ છે જે કોઈ સરહદ જાણતો નથી કે કોઈ રાષ્ટ્રીયતા જાણતો નથી.

આતંકવાદનો મુકાબલો આંતરરાષ્ટ્રીય સહયોગથી જ થઈ શકે છે. આતંકવાદ સામે લડવામાં ભારતના અભિગમની રૂપરેખા આપતા, હરીશે જણાવ્યું હતું કે દેશનું ધ્યાન આતંકવાદનો સામનો કરવા માટે તેના આંતરરાષ્ટ્રીય ભાગીદારોને જોડવા પર છે કારણ કે ભારત આ ખતરા પ્રત્યે ઝીરો ટોલરન્સ ધરાવે છે. ભારતીય રાજદૂતે કહ્યું હતું કે અમે ૯/૧૧નો બીજો હુમલો નથી ઈચ્છતા કે ન તો ૨૬/૧૧ જેવો મુંબઈ હુમલો ઈચ્છીએ છીએ.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.