નાંદેડ લોકસભા બેઠકમાં ૫૩.૭૮ ટકા મતદાન
ચંદીગઢ, મહારાષ્ટ્રમાં બુધવારે વિધાનસભાની ચૂંટણી સાથે અન્ય ચાર રાજ્યોમાં પણ ૧૫ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજાઈ હતી. ઉત્તર પ્રદેશ, પંજાબ, કેરલ અને ઉત્તરાખંડમાં હિંસાના છુટાછવાયા બનાવોને બાદ કરતા મતદાન શાંતિપૂર્ણ રહ્યું હતું અને ૫૦-૭૦ ટકાની રેન્જમાં વોટિંગ થયું હતું.
મહારાષ્ટ્રની નાંદેડ લોકસભા બેઠક પર ૫૩.૭૮ ટકા મતદાન નોંધાયું હતું. કોંગ્રેસના સાંસદ વસંત ચવાણના મૃત્યુને પગલે પેટાચૂંટણીની ફરજ પડી હતી.ઉત્તર પ્રદેશમાં બુધવારે કટિહારી, કરહલ, મીરાપુર, ગાઝિયાબાદ, મઝવાન, સિસામાઉ, ખૈર, ફુલપુર અને કુંડરકી બેઠક પર વોટિંગ થયું હતું. જ્યારે પંજાબમાં ગિદ્દરબહા, ડેરા બાબા નાનક, છબ્બરવાલ અને બરનાલા સીટ માટે લોકોએ મત આપ્યા હતા.
કેરલમાં પલક્કડ અને ઉત્તરાખંડમાં કેદારનાથ બેઠક માટે પેટાચૂંટણી યોજાઈ હતી. કેરલમાં મતદાનની ટકાવારી ૭૦.૫૧ ટકા રહી હતી. જ્યારે પંજાબ, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં તે અનુક્રમે ૬૩ ટકા, ૫૭.૬૪ ટકા અને ૪૯.૩ ટકા નોંધાઈ હતી. આખરી ડેટામાં મતદાનની ટકાવાદી બદલાઈ શકે.
ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવની ફરિયાદને પગલે ચૂંટણી પંચે પાંચ પોલીસકર્મીને સસ્પેન્ડ કર્યા હતા. ભાજપે પણ બુરખો પહેરનાર મહિલા મતદાતાની ઓળખ ચકાસવા ચૂંટણી પંચને જણાવ્યું હતું. ઉત્તરાખંડમાં ભાજપના ધારાસભ્યનું જુલાઇમાં મૃત્યુ થવાથી કેદારનાથ બેઠક પર પેટાચૂંટણી કરાવાઈ હતી.
પંજાબમાં આપ અને કોંગ્રેસના ટેકેદારો વચ્ચે અથડામણના છુટાછવાયા બનાવોને બાદ કરતા મતદાન શાંતિપૂર્ણ રહ્યું હતું. કેરલમાં પલક્કડ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ૭૦.૫૧ ટકા વોટિંગ થયું હતું. ચૂંટણીનું પરિણામ ૨૩ નવેમ્બરે જાહેર કરાશે.SS1MS