કોંગ્રેસ ૨૬મી નવે.થી ‘ભારત જોડો સંવિધાન અભિયાન’ શરૂ કરશે
નવી દિલ્હી, દેશમાં ૨૬મી નવેમ્બરે ‘બંધારણ દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે ‘બંધારણ દિવસ’ નિમિત્તે એટલે કે ૨૬મી નવેમ્બરથી કોંગ્રેસ ભારત જોડો સંવિધાન(બંધારણ) અભિયાન શરૂ કરશે, તેમ કોંગ્રેસના ઓબીસી વિંગના ચેરમેન અજયસિંહે યાદવે જણાવ્યું છે.
આ સાથે અજયસિંહે યાદવે સત્તાપક્ષ ભાજપ પર નિશાન તાકીને આરોપ લગાવ્યો છે કે, ‘‘જાતિ આધારીત વસ્તી ગણતરી નહીં કરાવીને એ(ભાજપ) તમામને તેમના અધિકારીથી વંચિત કરી રહ્યું છે.’’
ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (એઆઈસીસી)ના ઓબીસી વિંગના ચેરમેન અજયસિંહ યાદવે કહ્યું કે, ‘‘ભારત જોડો બંધારણ અભિયાન – દિલ્હીના તાલકોટરા સ્ટેડિયમમાં શરુ કરાશે, અને ૨૬મી જાન્યુઆરી સુધી ચાલું રહેશે. આ કાર્યક્રમમાં કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને પાર્ટીના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી સહિત અન્ય વરિષ્ઠ કોંગ્રેસ નેતાઓ ભાગ લેશે.’’
તેમણે ઉમેર્યું કે,અભિયાન કોંગ્રેસની એસસી, એસટી, ઓબીસી અને લઘુમતી વિંગ દ્વારા સંચાલિત કરવામાં આવશે.કોંગ્રેસની રાષ્ટ્રીય ઓબીસી વિંગના ચેરમેન અજયસિંહ યાદવે આરોપ લગાવ્યો કે, ‘‘કેન્દ્રની ભાજપ સરકાર કેટલાક ઉદ્યોગપતિઓને લાભ પહોંચાડી રહી છે, જેમની પાસે દેશની મોટાભાગની સંપત્તિ છે અને જે ખાણો, ગેસ ભંડારો અને સિંચાઈ પ્રોજેક્ટો જેવી સંપત્તિઓનો કંટ્રોલ કરી રહ્યા છે.
આ અભિયાનના માધ્યમથી કોંગ્રેસ પક્ષ જાતિ આધારીત વસ્તી ગણતરીની માંગ કરશે. આ રીતે સામાજિક ન્યાય અને સમાનતા માટે સરકાર પર દબાણ કરાશે.’’ અજયસિંહે યાદવે વધુમાં જણાવ્યું કે, ‘‘ભારત જોડો બંધારણ અભિયાનનો આરંભ ૨૬મી નવેમ્બરથી કરાશે, જે ૧૯૫૦માં ડો.બી.આર.આંબેડકર દ્વારા બંધારણ સભાની સમક્ષ બંધારણનો અંતિમ ડ્રાફટ પ્રસ્તૂત કરવાની ૭૫મી વર્ષગાંઠ છે.’’SS1MS