મહારાષ્ટ્રની ચૂંટણીમાં રોકડા બદલવા બિટકોઈનનો ઉપયોગ થયો હોવાનો આક્ષેપ
૬૬૦૦ કરોડના ક્રિપ્ટોકરન્સી કૌભાંડમાં પુણે પોલીસને મદદ કરી રહી હતી -બિટકાઈન મામલે ગૌરવ મહેતાના ઘરે દરોડા પડાયા -સુલે અને પટોલે પર બિટકોઈનના બદલે રોકડ લેવાનો આક્ષેપ
(એજન્સી)મુંબઈ, ભારતીય જનતા પાર્ટીએ ‘બિટકાઈન’ મુદ્દે ગંભીર આક્ષેપ કર્યા બાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એ મોટી કાર્યવાહી કરી છે. ઈડીની ટીમે બિટકોઈન વિવાદ મામલે રાયપુરમાં ગૌરવ મહેતાના ઘરે દરોડો પાડ્યો છે. આ પહેલા મહારાષ્ટ્રમાં ગઈકાલે બહુજન વિકાસ ઉઘાડીએ વિનોદ તાવડે વિરુદ્ધ ‘કેશ ફોર વોટ’નો આક્ષેપ કર્યો હતો, તો બીજીતરફ ભાજપે તાત્કાલીક પ્રેસ કોન્ફરન્સ યોજી ‘બિટકાઈન કૌભાંડ’ મામલો ઉછાળી સુપ્રિયા સુલે અને નાના પટોલે પર ગંભીર આક્ષેપ કર્યા હતા. ત્યારબાદ ઈડીએ આ કાર્યવાહી કરી હોવાનું સામે આવ્યું છે.
ગૌરવ મહેતા તે કન્સલ્ટન્સી માટે કામ કરતા હતા જે અમિત ભારદ્વાજના રૂ. ૬૬૦૦ કરોડના ક્રિપ્ટોકરન્સી કૌભાંડમાં પુણે પોલીસને મદદ કરી રહી હતી. પૂર્વ આઈપીએસ અધિકારી રવિન્દ્રનાથ પાટિલે મંગળવારે દાવો કર્યો હતો કે, સુપ્રિયા સુલે અને મહારાષ્ટ્ર કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ નાના પટોલેએ બિટકાઈનના બદલે રોકડ મેળવવા માટે ગૌરવ મહેતાનો સંપર્ક કર્યો હતો અને આ નાણાં ઉપયોગ મહારાષ્ટ્રની ચૂંટણીમાં કરાયો હતો.
ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં મતદાનના એક દિવસ પહેલા એટલે કે મંગળવારે (૧૯ નવેમ્બર) બે રાજકીય ઘટના ‘કેશ ફોર વોટ’ અને ‘બિટકાઈન કૌભાંડ’ મામલો ઉછળ્યો હતો, ત્યારબાદ સત્તાધારી પાર્ટીના નેતાઓ અને વિપક્ષી પાર્ટીના નેતાઓ એકબીજા પર ગંભીર આક્ષેપો કરી રહ્યા છે. ગઈકાલે બહુજન વિકાસ અઘાડીના નેતાએ ભાજપના રાષ્ટ્રીય મહા સચિવ વિનોદ તાવડે પર પૈસા વહેંચવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો અને તેમને એક હોટલમાંથી રોકડ સાથે પકડી પાડ્યા હતા.
તો બીજીતરફ ભાજપે ‘બિટકાઈન કૌભાંડ’નો ઉલ્લેખ કરી એક આૅડિયો ક્લિપ વાયરલ કરી, તેમાં નાના પટોલે અને સુપ્રિયા સુલેનો અવાજ હોવાનો દાવો કર્યો હતો.
વિનોદ તાવડે પર ‘કેશ ફોર વોટ’નો આક્ષેપ લાગ્યા બાદ ભાજપ નેતા સુધાંશુ ત્રિવેદી મેદાનમાં આવ્યા હતા. તેમણે ગઈકાલે તાત્કાલિક બે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે પ્રથમ કોન્ફરન્સ યોજી તાવડે સામેના આરોપોને અફવા ગણાવ્યા છે. જ્યારે બીજી કોન્ફરન્સમાં મહારાષ્ટ્ર કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ નાના પટોલે અને સુપ્રિયા સુલે પર ગંભીર આક્ષેપો કરી પ્રશ્નોનો મારો કર્યો હતો.
ભાજપની બીજી પ્રેસ કોન્ફરન્સમાં બે આૅડિયો ક્લિપ ચલાવવામાં આવી અને કેટલાક ચેટ્સ દેખાડી આક્ષેપ કરાયો હતો કે, પૈસા આપવામાં આવી રહ્યા છે. આમાં નાના પટોલે અને પોલીસ કમિશનર અમિતાભ ગુપ્તા વચ્ચે તેમજ સુપ્રિયા સુલે અને ગૌરવ મહેતા વચ્ચેની થયેલી વાતચીતનો આૅડિયો ક્લિપ ચલાવાઈ હતી.