બીયુ ઈશ્યુ કરતાં પહેલાં નળ-ગટરના કામ પૂર્ણ કરવામાં આવશે
ગ્રીન વેસ્ટમાંથી જનઉપયોગી ચીજવસ્તુ બનાવવામાં આવશેઃ દેવાંગ દાણી
(પ્રતિનિધિ)અમદાવાદ,અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશન દ્વારા ગ્રીન વેસ્ટને ક્રશ કરી તેમાં લોકઉપયોગી ચીજ વસ્તુઓ બનાવવામાં આવશે. નવા વિસ્તારોમાં બાંધકામોને બીયુ ઈશ્યુ કર્યા પહેલાં અન્ડરગ્રાઉન્ડ યુટીલીટી પૂર્ણ કરવા માટે જવાબદાર અધિકારીઓને સૂચના આપવામાં આવી છે.
મ્યુનિસિપલ કોર્પાેરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીના જણાવ્યા મુજબ ચોમાસાની સીઝન શરૂ થઈ તે પહેલાંથી જ ગ્રીન વેસ્ટના નિકાલ માટે ખાસ આયોજન કરવામાં આવ્યું હતું હવે ગ્રીન વેસ્ટને તેના સ્થળ પર જ ક્રશ કરવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે. ગ્રીન વેસ્ટ ક્રશ કર્યા બાદ તેમાંથી જે પણ ભૂખો નીકળે તેમાંથી અગરબત્તી સહિત અન્ય ચીજવસ્તુઓ બનાવવામાં આવશે.
શહેરની હદમાં ભેળવાયેલ નવા વિસ્તારોમાં મોટાપાયે બાંધકામો ચાલી રહ્યા છે. પરંતુ કેટલાંક વિસ્તારોમાં અંડરગ્રાઉન્ડ યુટીલીટીના કામ પૂર્ણ થયા નથી જેના કારણે ત્યાં રહેતા નાગરિકોને ભારે હાલાકી થાય છે તેથી નવા બાંધકામોને બીયુ આપતાં પહેલાં ગટર-પાણીના કામ પૂર્ણ કરવામાં આવે તે અંગે જવાબદાર વિભાગ અને અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. શહેરમાં રોડ રીપેરીંગના કામ ઝડપથી શરૂ થઈ ગયાં છે અને આગામી બે માસમાં તમામ રોડ રીપેર થઈ જશે.
મ્યુનિસિપલ કોર્પાેરેશન હસ્તકના કોમ્યુનિટી હોલ ભાડે લેનાર નાગરિકોને હાલાકીનો સામનો કરવો ન પડે તે માટે જે તે ઝોનના કે વોર્ડના અધિકારીઓને તકેદારી રાખવા કહેવામાં આવ્યું છે.
કોઈ એક પ્રસંગ પૂર્ણ થયા બાદ બીજા દિવસે જ જેનો પ્રસંગ હોય તેને હોલ સારી પરિસ્થિતિમાં મળે તેનું ધ્યાન રાખવામાં આવશે અને ડિપોઝીટ પેટે લેવાયેલ નાણાં વધુમાં વધુ ૧૫ દિવસમાં મળી જાય તેની ચોકસાઈ રાખવામાં આવશે. શહેરના મોટા જંક્શનો પર ટ્રાફિકજામની સમસ્યા હળવી કરવા માટે લેફ્ટ ટર્નના રોડ વધુ પહોળા કરવામાં આવશે.