ગોધરામાંથી નશીલી કોડીન સીરપની બોટલો સાથે શખ્સ ઝડપાયો
(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) ગોધરા એસ.ઓ.જી.પોલીસ દ્વારા ગોધરા શહેરનાં આકાશવાણી કેન્દ્ર પાસે આવેલા ખુલ્લા મેદાનમાંથી નશીલી દવા કોડીન સીરપની ૧૨૦ બોટલો જેની કિંમત રૂ.૨૭,૦૦૦ તેમજ અન્ય સરસામાન મળી કુલ રૂ.૧,૨૬,૪૨૦ નાં મુદ્દામાલ સાથે એક આરોપી ને ઝડપી પાડવામાં આવ્યો હતો.
પંચમહાલ જિલ્લા પોલીસ પ્રશાસન નાં ઊચ્ચ અધિકારીઓ દ્વારા પંચમહાલ જિલ્લામાં નાર્કોટિક્સ ડ્રગ્સ ને લગતી ગેરકાયદેસર પ્રવુતિઓ અટકાવવા તેમજ આ દુષણ ને નેસ્તનાબૂદ કરવા માટે ગોધરા એસ.ઓ.જી.પોલીસ ઇન્સ્પેકટર આર.એ.પટેલ ને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
જેના અનુસંધાનમાં ગોધરા એસ.ઓ.જી.પોલીસ ઇન્સ્પેકટર આર.એ.પટેલ ને ખાનગી બાતમી મળી હતી.જે બાતમીનાં આધારે એસ.ઓ.જી.ગોધરાના પી.આઇ.તેમજ સબ ઇન્સ્પેકટર બી.કે.ગોહિલ તેમજ સ્ટાફ દ્વારા બાતમી વાળી જગ્યા આકાશવાણી કેન્દ્ર ગોધરા ની પાસે આવેલા ખુલ્લા મેદાનમાં આરોપી ફૈઝાન હસન હેબટ (રહે.સલામત સોસાયટી,લીલેસરા રોડ,ગોધરા)
તેના કબજાની મોટરસાયકલ (જી.જે.૧૭. બીજે.૩૬૧૧)ઉપર રાખેલી નશીલી દવાઓની બોટલો ૧૨૦ જેની કિંમત રૂ.૨૭,૦૦૦ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો.પોલીસે આ કાર્યવાહી દરમિયાન આરોપી પાસે રહેલી મોટરસાયકલ રૂ.૭૦,૦૦૦ તેમજ મોબાઇલ ફોન રૂ.૧૫,૦૦૦ તથા અંગ ઝડતી કરતા રોકડા રૂ.૧૪,૪૨૦ મળી આવ્યા હતા.
આમ પોલીસે આરોપી પાસેથી કુલ રૂ.૧,૨૬,૪૨૦ નો મુદ્દામાલ ઝડપી પાડી તેની અટકાયત કરી ગોધરા શહેર બી ડિવિજન પોલીસ મથકે દ્ગડ્ઢઁજી એક્ટ મુજબ ગુન્હો રજીસ્ટર કરવામાં આવ્યો હતો.જ્યારે આ ગુન્હામાં અન્ય આરોપી સમીર મહેબૂબ દેડકી(રહે. કેપ્સુલ પ્લોટ,ગોધરા)નું નામ ખુલતા પોલીસે તેની ધરપકડ નાં ચક્રો ગતિમાન કર્યાં હતા.