ગોધરામાં નગરપાલિકાની અને આરોગ્યની ટીમ દ્વારા સાફ-સફાઈની કામગીરી હાથ ધરાઈ
(પ્રતિનિધિ) ગોધરા, ગોધરા શહેરના પાવર હાઉસ વિસ્તાર ખાતે ગણેશ બેકરીની પાછળના ભાગમાં એક જ પરિવારની બે દીકરીઓને ડેન્ગ્યુ પોઝિટિવ કેસ મળી આવતા હડકંપ મચી જવા પામ્યો હતો. જેના કારણે આ વિસ્તારના લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
કારણ કે બે ડેન્ગ્યુના કેસ પોઝિટિવ આવતા અને બીજી બાજુ આ વિસ્તારમાં ખુલ્લી ગટરોના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધવાથી આ લોકોને પણ ડેન્ગ્યુ થઈ જવાનો ભય ઉત્પન્ન થવા પામ્યો હતો.જેના કારણે ત્રીજા દિવસે ગોધરા નગરપાલિકાના સ્થાનિક વોર્ડના કાઉન્સિલર દીવાબેન વિઠ્ઠલભાઈ પરમાર એ તાત્કાલિક ધોરણે નગરપાલિકાના સફાઈ કામદારોને સ્થળ ઉપર બોલાવી યુદ્ધના ધોરણે ખુલ્લી ગટરોની સાફ-સફાઇની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
બીજી બાજુ દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો અને સાથે સાથે ફોગિગ ની પણ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેના કારણે સ્થાનિક લોકોએ હાશકારો અનુભવ્યો હતો.
ગોધરા શહેરના પાવર હાઉસ વિસ્તારમાં ડેન્ગ્યુના બે પોઝિટિવ કેસ મળી આવતા ગોધરા આરોગ્ય વિભાગની ટીમ પર હરકતમાં આવી ગઈ હતી.અને તેઓએ ૫૨૮ની વસ્તી ધરાવતા ૧૩૩ જેટલા મકાનોમાં હાઉસ ટુ હાઉસ સર્વેની કામગીરી હાથ ધરી હતી.જેમાં ૪૨ જેટલા ઘરોને ફોગિંગ હેઠળ આવરી લેવામાં આવ્યા હતા.
બીજી બાજુ આ વિસ્તારમાં રહેતા સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે
જ્યારે ડેન્ગ્યુ પોઝિટિવના કેસ મળી આવ્યા ત્યારે ગોધરા નગરપાલિકા તંત્ર સહિત આરોગ્ય વિભાગ હરકતમાં આવી અને સાફ સફાઈ તેમાં દવાનો છંટકાવ અને ફોગિંગ અને હાઉસ ટુ હાઉસ સર્વેની કામગીરી હાથ ધરી હતી.પરંતુ જો નગરપાલિકા તંત્ર દ્વારા અઠવાડિયામાં ગમે તે સમયે સાફ-સફાઈ કામગીરી કરવાની હોય છે જો એ વખતે
આ કામગીરી કરી હોત તો અત્યારે આ પ્રકારની નોબત ઉભી ના થવા પામી હોત. બીજી બાજુ આ વિસ્તારના સ્થાનિક રહીશ માંગ કરી રહ્યા છે કે આ જ પ્રકારની કામગીરી નિયમિત કરવામાં આવે તો આ પ્રકારની રોગચાળા થી ભયમુક્ત રહી શકીએ એટલે સમયસર નગરપાલિકા તંત્ર દ્વારા સાફ સફાઈ કરવામાં આવે તે માટે આ વિસ્તારના લોકોએ માંગ પણ કરી રહ્યા છે.