Western Times News

Gujarati News

મહિલાએ પ્લોટ પચાવી પાડ્યોઃ લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ નોંધાઈ

પ્રતિકાત્મક

(એજન્સી) આણંદ, આણંદ શહેરની સામરખા ચોકડી પાસે આવેલી ટીબી હોસ્પિટલની પાછળના ભાગે રહીમા નગર ભાગ-૨માં આવેલા એક પ્લોટ ઉપર એક મહિલાએ ગેરકાયદેસર કબ્જો કરી દેતાં આ અંગે જિલ્લા કલેકટરના આદેશ મુજબ પોલીસે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ડેમાઈ મેઈન બજાર ખાતે રહેતા ૫૨ વર્ષીય જરીનાબેન સત્તારભાઈ વ્હોરાએ આણંદ શહેરમાં ટીબી હોસ્પિટલ પાછળ રહીમાનગર ભાગ-૨માં પાડવામાં આવેલ પ્લોટ પૈકી ૭૪ નંબરનો પ્લોટ જેનું ક્ષેત્રફળ ૪૯.૩૪ ચો.મી થાય છે. જે પોતાની માતા ઉમરેઠ ખાતે રહેતા અસ્માબેન ગનીભાઈ વ્હોરા પાસેથી ગત તારીખ ૨૧-૬-૨૦૨૧ના રોજ રજીસ્ટર વેચાણથી ખરીદ્યો હતો. આ પ્લોટને અડીને જ જરીનાબેન સલીમભાઈ વ્હોરાનો પ્લોટ આવેલો છે.

ગત તારીખ ૨૦-૧૨-૨૦૨૨ના રોજ જરીનાબેન સત્તારભાઈ વ્હોરા પોતાના પતિ સત્તારભાઈ સાથે પોતાના પ્લોટમાં મકાનમાં બાંધકામ કરાવવા માટે આવ્યા હતા. ત્યારે બાજુના પ્લોટના માલીક જરીનાબેન સલીમભાઈ વ્હોરાએ આ પ્લોટ મારી માલીકીનો છે તેમાં તમારે બાંધકામ કરવું નહીં તેમ જણાવ્યું હતું.

જેથી જરીનાબેન સત્તારભાઈ વ્હોરાએ વેચાણ દસ્તાવેજ બતાવ્યો હતો. તેમ છતાં પણ જરીનાબેન સલીમભાઈ વ્હોરાએ બાંધકામ કરવાની ના પાડી દીધી હતી અને જણાવ્યું હતું કે, તમે વેચાણ રાખેલ પ્લોટમાં મેં પહેલાથી મકાન બનાવી દીધેલ છે. જેથી તમારે અહીંયા આવું નહીં અને તમારાથી થાય તે કરી લેજો તેમ કહી ધમકીઓ આપી હતી.

જેથી જરીનાબેન પોતાના પતિ સત્તારભાઈ સાથે ત્યાંથી નીકળી ગયા હતા અને ત્યાર બાદ જરીનાબેન સલીમભાઈ વ્હોરાને ફોન દ્વારા વાતચીત કરી સમજાવવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા પરંતુ જરીનાબેને ખોટા ખોટા કેસોમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. જેથી જરીનાબેન સત્તારભાઈ વ્હોરાએ આણંદ જિલ્લા કલેકટર કચેરી ખાતે લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ અરજી કરી હતી.

આ અરજી કમિટી સમક્ષ ચાલી જતા કમિટીએ તપાસ કરતા ગુનો બનતો હોઈ ગુનો દાખલ કરવાનો હુકમ કરતા જ આણંદ શહેર પોલીસે જરીનાબેન સત્તારભાઈ વ્હોરાની ફરિયાદ લઈ જરીનાબેન સલીમભાઈ વ્હોરા વિરુદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ કાયદાની કલમો હેઠળ ગુનો દાખલ કરી આ ગરમી કાર્યવાહી હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.