ગુરુવારના ઐતિહાસિક કડાકા બાદ તેજીથી રોકાણકારોમાં વિશ્વાસ વધ્યો
રોકાણકારોની સંપત્તિમાં રૂ.૭.૨૫ લાખ કરોડનો વધારો
મુંબઈ, ૨૨ નવેમ્બરે સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે, સેન્સેક્સ ૧૯૬૧ પોઈન્ટ (૨.૫૪%)ની તેજી સાથે ૭૯,૧૧૭ની સપાટીએ બંધ થયો હતો. નિફ્ટી પણ ૫૫૭ પોઈન્ટ (૨.૩૯%)ની તેજી રહી, તે ૨૩,૯૦૭ની સપાટીએ બંધ થયો હતો.
સેન્સેક્સના ૩૦ શેરોમાંથી ૨૮માં તેજી અને ૨માં ઘટાડો છે. નિફ્ટીના ૫૦ શેરોમાંથી ૪૭માં તેજી અને ૩માં ઘટાડો છે. એનએસઈના તમામ સેક્ટોરલ ઈન્ડેક્સ ઉછાળા સાથે બંધ થયા છે.
શેરબજારમાં ખરીદીને કારણે રોકાણકારોની સંપત્તિમાં રૂ. ૭.૨૫ લાખ કરોડનો વધારો થયો છે. શુક્રવાર, ૨૨ નવેમ્બરે, બીએસઈ પર લિસ્ટેડ કંપનીઓનું એકંદર માર્કેટ કેપ રૂ. ૪૩૨ લાખ કરોડે પહોંચ્યું હતું. ૨૧ નવેમ્બરે તે અંદાજે રૂ. ૪૨૫ લાખ કરોડ હતો.
આઇટી શેરોમાં તેજીઃ યુએસના મજબૂત લેબર માર્કેટ ડેટાને કારણે આજના ટ્રેડિંગ સેશનમાં નિફ્ટી આઇટી ઇન્ડેક્સ લગભગ ૨% વધ્યો હતો. ટીસીએસ, ઈન્ફોસીસ અને એમફેસીસ આઈટી ઇન્ડેક્સમાં ટોપ ગેઇનર્સ છે. તેઓ ૩.૫%થી વધુ વધ્યા છે.
નીચલા સ્તરે વેલ્યુ બાઈંગઃ શુક્રવારના વેપારમાં નીચા સ્તરે વેલ્યુ બાઈંગ જોવા મળી હતી, જેના કારણે બ્લુ-ચિપ બેંક શેરોમાં વધારો થયો હતો. ઈન્ડેક્સ હેવીવેઈટ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, એસબીઆઈ, આઈસીઆઈસીઆઈ બેન્ક વગેરે જેવા લાર્જકેપ શેરોમાં ઉછાળો જોવા મળ્યો હતો.
અદાણી શેરોમાં રિકવરીઃ ગુરુવારના ટ્રેડિંગમાં ભારે નુકસાન બાદ અદાણી ગ્રુપની ૧૦માંથી ૬ કંપનીઓના શેરમાં તેજી જોવા મળી હતી. અદાણી ગ્રૂપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝ આજે ૨%ની તેજી રહી હતી.
એશિયન માર્કેટમાં જાપાનનો નિક્કેઈ ૧.૦૨% અને કોરિયાનો કોસ્પી ૧.૧૦% ઉપર છે. જ્યારે ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ ૦.૪૬%ના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે.
૨૧ નવેમ્બરના રોજ, યુએસ ડાઓ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ ૧.૦૬% વધીને ૪૩,૮૭૦ પર અને એસએન્ડપી ૫૦૦ ૦.૫૩% વધીને ૫,૯૪૮ પર પહોંચી. નેસ્ડેક પણ ૦.૦૩૩% વધીને ૧૮,૯૭૨ બંધ થયો હતો.
એનએસઈના ડેટા અનુસાર, વિદેશી રોકાણકારોએ ૨૧ નવેમ્બરે રૂ.૫,૩૨૦.૬૮ કરોડના શેર વેચ્યા હતા. આ દરમિયાન, સ્થાનિક રોકાણકારોએ રૂ.૪,૨૦૦.૧૬ કરોડના શેર ખરીદ્યા હતા.
આ પહેલા ગઈકાલે એટલે કે ૨૧ નવેમ્બરે સેન્સેક્સ ૪૨૨ પોઈન્ટના ઘટાડા સાથે ૭૭,૧૫૫ના સ્તરે બંધ થયો હતો. તેમજ, નિફ્ટી પણ ૧૬૮ પોઈન્ટ ઘટીને ૨૩,૩૪૯ની સપાટીએ બંધ થયો હતો.
સેન્સેક્સના ૩૦ શેરોમાંથી ૨૦ ઘટયા હતા અને ૧૦માં તેજી રહી હતી. ન્યૂયોર્કમાં છેતરપિંડી-લાંચના આરોપ બાદ અદાણી એન્ટરપ્રાઈઝના શેર્સ નિફ્ટીમાં સૌથી વધુ ૨૩.૪૪% ઘટ્યા હતા.