ખંભાતના પાંદડ ગામે ૪૪ લોકોએ બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો
આણંદ, ખંભાત તાલુકાના પાંદડ ગામે મહા ગુજરાત બૌદ્ધ સંઘ દ્વારા બંધારણીય બુદ્ધ દીક્ષા સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં કુલ ૪૪ લોકોએ બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો હતો.
મળતી માહિતી મુજબ ખંભાતના પાંદડ ગામે મહા ગુજરાત બૌદ્ધ સંઘ દ્વારા કાયદાકીય રીતે ગુજરાત સરકારના ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ ર૦૦૮ના નિયમ ૧ ના પેટાનિયમ ૩ મુજબ એક અદભુત બંધારણીય બૌદ્ધ ધમ્મ દીક્ષા સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આણંદ જિલ્લાના કુલ ૪૪ લોકોએ બુદ્ધ ધમ્મની દીક્ષા આપવામાં આવી હતી તેમજ બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો હતો.
આ દીક્ષા સમારોહની શરૂઆતમાં બોધિસત્વ બાબાસાહેબ સ્મૃતિભવન ખાતે ફુલહાર અર્પણ કરી ગામની શેરીઓમાં પદયાત્રા કાઢવામાં આવી હતી. તમામ દીક્ષાર્થીઓને અનિત્યતાનો સિદ્ધાંત સમજાવી ત્રિશરણ અને પંચશીલનું સંઘાયાન કરી સૌને દીક્ષાગ્રહણ કરાવેલ. ઉપરાંત બોધિસત્વ બાબાસાહેબની રર પ્રતિજ્ઞાનું પઠન અને ધમ્મદેશના આપવામાં આવ્યું હતું.
ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ ર૦૦૮, અનુસુચિત જાતિ પૈકી બૌદ્ધનો ગુજરાત સરકારનો પરિપત્ર ૧૯૯૧ તેમજ અનુસુચિત જાતિ પૈકી બૌદ્ધ અને ધાર્મિક લઘુમતીનું પ્રમાણપત્ર કેવી રીતે મેળવવા તેની આધાર-પુરાવા સહિતની વિગતવાર વિસ્તૃત માહિતી તેમજ જાણકારી આપવામાં આવી હતી. ત્યારબાદ બુદ્ધ ધમ્મનું જીવન વ્યાપન અંગેની વિશેષ માહિતી આપવામાં આવી હતી ઉપસ્થિત મહેમાનો દ્વારા તમામ દીક્ષાર્થીઓને ધમ્મ દીક્ષાના પ્રમાણપત્રનું અર્પણ કર્યા હતા.