B2C સેક્ટરમાં બિલ વિનાના વેચાણો કરતા વેપારીઓના ઠેકાણે GSTના દરોડાઃ ૩.૫૩ કરોડની કરચોરી પકડાઈ
B2C સેક્ટરમાં થતી કરચોરી એટલે કે બિલ વિનાના થતા વેચાણો અટકાવવા માટે ગુજરાત સ્ટેટ જીએસટી વિભાગ સતત કાર્યરત રહે છે. આ દિશામાં સતત લેવાતા પગલાના ભાગરૂપે વિભાગને મળેલ ચોક્કસ બાતમીને આધારે તા. ૧૬ નવેમ્બર, ૨૦૨૪ ના રોજ અમદાવાદ ખાતે બેટરીના વ્યવસાય સાથે સંકળાયેલા ૦૨ વેપારીઓના ત્યાં, ડાંગ જિલ્લાના વઘઈ ખાતે તમાકુના ૦૪ વેપારીઓને ત્યાં તેમજ નડીયાદ ખાતે ૦૧ સલુન ધારકને ત્યાં દરોડા પાડવામાં આવેલ હતા.
નડીયાદ ખાતે સલુનમાં તપાસ દરમિયાન ધ્યાને આવેલ કે સદર પેઢી દ્વારા વેચાણો છુપાવી, પત્રકે ઓછો વેરો ભરી કરચોરી કરવામાં આવેલ છે. વેપારી કંપોઝીશન સ્કીમ હેઠળ હોવા છતાં ગ્રાહકો પાસે અલગથી વેરો ઉઘરાવી કંપોઝીશન સ્કીમની શરતોનો ભંગ કરી તથા વેચાણો છુપાવી છે. ૫૩ લાખથી વધુની કરચોરી કરેલ છે.
અમદાવાદ ખાતે બેટરીના વેપારીઓની તપાસ દરમિયાન ધ્યાને આવેલ કે આવી પેઢીઓ દ્વારા બેટરીઓ ઇમ્પોર્ટ કરી સ્થાનિક વેચાણ કરવામાં આવે છે જેમાં કેટલોક માલ બિલ વિના વેચી કરચોરી કરવામાં આવેલ છે. તપાસ દરમ્યાન મોટા પ્રમાણમાં બિન-નોંધાયેલ સ્ટોક તથા બિન-નોંધાયેલ વેચાણો મળી આવેલ છે. તપાસો દરમિયાન ૯૨ લાખથી વધુની કરચોરી ઉજાગર થયેલ છે.
ડાંગ જિલ્લાના વઘઈ ખાતે તમાકુ ઉત્પાદોના ખરીદ-વેચાણ સાથે સંકળાયેલા કુલ ૦૪ વેપારીઓને ત્યાં તપાસ દરમ્યાન મોટા પ્રમાણમાં બિન-નોંધાયેલ સ્ટોક તથા બિન-નોંધાયેલ વેચાણો મળી આવેલ છે. જેમા અંદાજિત ૨.૦૮ કરોડ રુપિયાની કરચોરી મળી આવેલ છે. સરકારી નાણાની સલામતી તેમજ વસૂલાત અંગેની જરુરી કાર્યવાહી ખાતા દ્વારા હાથ ધરવામાં આવેલ છે.