ઇતિહાસ ડી.વાય ચંદ્રચૂડને માફ નહી કરેઃ સંજય રાઉત
શિવસેના (ઉદ્ધવ) નેતાએ હારનો દોષનો ટોપલો પૂર્વ ચીફ જસ્ટિસ પર ઢોળ્યો
મહારાષ્ટ્ર ચુંટણીના પરિણામો ખૂબ જ ચોંકાવનારા છે, કોઈની લહેર નહોતી, કોઈને આવા પરિણામની અપેક્ષા નહોતી: સંજય
નવી દિલ્હી,
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થઇ ગયા છે. લોકોમાં રાજ્ય સરકાર પ્રત્યે નારાજગીના અહેવાલો છતાં મહાયુતિ ગઠબંધને મોટી જીત મેળવી છે, જ્યારે મહાવિકાસ અઘાડીને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. મહાવિકાસ અઘાડીના ઘટક પક્ષો હારના કરાણો શોધી રહ્યા છે, એવામાં શિવસેના ઉદ્ધવ જૂથના નેતા સંજય રાઉતે ચૂંટણી પરિણામો અંગે ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેમણે મહાવિકાસ અઘાડીની હાર માટે પૂર્વ મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડને જવાબદાર ઠેરવ્યા હતાં.સંજય રાઉતે કહ્યું, “જે પરિણામો આવ્યા તેના માટે પૂર્વ CJI ડી વાય ચંદ્રચુડ જ જવાબદાર છે.
તેમણે સમયસર પોતાનો ચુકાદો ન આપ્યો, ૪૦ લોકોએ બેઈમાની કરી હતી. તેઓ જે પક્ષમાંથી ચૂંટાઈને આવ્યા હતાં, તેઓ બીજા પક્ષ સાથે સત્તામાં ચાલ્યા ગયા હતા. તમારી જવાબદારી બંધારણની રક્ષા કરવાની છે. જો તમે ચુકાદો આપ્યો હોત તો કોઈએ આગળ વધવાની હિંમત ન કરી હોત. તમે બારી અને દરવાજા ખુલ્લા રાખીને નિવૃત્ત થઇ ચાલ્યા ગયા. હવે કોઈપણ વ્યક્તિ કોઈપણ રીતે પાર્ટી બદલી શકે છે અથવા પોતાની પાર્ટી છોડીને સરકાર બનાવી શકે છે. ઈતિહાસ ચંદ્રચુડ સાહેબને ક્યારેય માફ નહીં કરે.” સંજય રાઉતે કહ્યું કે, “મહારાષ્ટ્ર ચુંટણીના પરિણામો ખૂબ જ ચોંકાવનારા છે. કોઈની લહેર નહોતી, કોઈને આવા પરિણામની અપેક્ષા નહોતી. મહારાષ્ટ્રમાં સમગ્ર ચૂંટણી પ્રચાર નરેન્દ્ર મોદી અને અમિત શાહ વિરુદ્ધ ચાલ્યો કારણ કે તેઓએ અહીંનો ઉદ્યોગોને ગુજરાતમાં શિફ્ટ કર્યા હતાં.”ss1