Western Times News

Gujarati News

બાળકના કાંડેથી છૂટા પડી ગયેલા હાથને ફરી જોડવાની કરામત કરનારા ડૉ. કર્ણને સો.. સો.. સલામ…

ડૉ. કર્ણની કરામતે કાંડેથી કપાયેલો હાથ ફરી જોડી આપ્યો- મેડિસિટી સિવિલ હોસ્પિટલે કપાયેલા હાથને પ્રિઝર્વ કર્યો, ક્રીષા હોસ્પિટલમાં સફળ ઓપરેશનથી હાથ રિ-પ્લાન્ટ થયો

ક્રિકેટ રમતા બાળકે દડો લેવા લિફ્ટની જાળીમાંથી હાથ નાખ્યો, લિફ્ટ ઉપર જતાં હાથ કાંડાના ભાગેથી છુટ્ટો પડ્યો

હેન્ડ એન્ડ માઇક્રો સર્જરીના નિષ્ણાત ડૉ. કર્ણ નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન (NBE) માન્ય ફેલો એટ નેશનલ બોર્ડ (FNB) છે અને સિવિલ હોસ્પિટલમાં ઓનરરી કન્સલ્ટન્ટ તરીકે સેવા આપે છે

ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશ; ત્રણ રાજ્યો વચ્ચે કાર્યરત ટોચના તજ્જ્ઞ સર્જન

ત્રણ વાના મુજને મળ્યાં, હૈયું, મસ્તક અને હાથ; બહુ દઇ દીધું નાથ! જા, ચોથું નથી માંગવુ…  ઉમાશંકર જોશીની આ પંક્તિ હાથનું મહત્ત્વ સમજાવે છે. હાથ લખે છે, ખેતી કરે છે, ચિત્ર દોરે છે, કોળીયો મોં સુધી લાવે છે, મશીન ચલાવે છે, વાહન હંકારે છે, શરીરની રક્ષા કરે છે, સંગીતનું સર્જન કરે છે, માણસની લગભગ દરેક ક્રિયામાં હાથનો સાથ છે.

જગતમાં આજે જે કંઇ પણ સુંદર, ભવ્ય અને આધુનિક છે તે માનવીના દિમાગ અને હાથનો જ કમાલ છે. પણ, જો આ મહામૂલો હાથ કપાઈને વિખૂટો પડી જાય તો? હાથ કપાયાની વેદના, પીડા, કેવી  દારૂણ હોય!! કુદરતે આપેલો હાથ અકસ્માતે કપાઇ જાય એની નિરાશા કેવી કરુણ હોય!

અમદાવાદનો ૧૦ વર્ષનો બાળક, ચોકીદારનો દીકરો, પ્રતીક પાંડે, અકસ્માતમાં હાથ ખોઇ બેસે છે. એકના એક દીકરાની આવી હાલત જોઇને શ્રમિક પરિવાર હોશ ખોઇ બેસે છે, ત્યારે અમદાવાદના હેન્ડ એન્ડ માઇક્રો સર્જરીના નિષ્ણાત ડૉ. કર્ણ મહેશ્વરી બાળકના હાથને રિ-પ્લાન્ટ કરીને જાણે ગરીબ પરિવારની ખુશીઓની ડોર સાંધી આપે છે.

અમદાવાદની લેમડા ઇન્ટાસ કંપનીમાં ચોકીદાર તરીકે નોકરી કરતા પંકજ પાંડેનો દીકરો પ્રતીક તેના એક મિત્ર સાથે ક્રિકેટ રમતો હતો. પ્રતીકને મોટા થઈને બુમરાહ જેવા ફાસ્ટ બોલર બનવું છે, એટલે  એની પસંદ મુજબ તે બોલિંગ કરતો હતો. પ્રતીકના મિત્રએ દડાને ફટકારતા નજીક આવેલી લિફ્ટમાં દડો જતો રહ્યો. ૧૦ વર્ષનો પ્રતીક વધુ વિચાર્યા વિના ઉતાવળે એ દડો લેવા માટે લિફ્ટની જાળીમાં હાથ નાખે છે. ઉપરના માળેથી કોઈએ લિફ્ટને કોલ આપતાં અચાનક લિફ્ટ ઉપર ચાલવા લાગે છે.

પ્રતીકે હાથમાં કડું પહેર્યું હતું એટલે પ્રતીકનો હાથ લિફ્ટની જાળીમાં ફસાઈ જાય છે. પ્રતીક લિફ્ટની સાથે ઉપર તરફ ખેંચાય છે, તે બૂમ પાડે છે એટલે તેના ફોઇ દોડીને પ્રતીકને પકડી લે છે. પરંતુ લિફ્ટના ફોર્સને કારણે પ્રતીકનો હાથ કાંડેથી કપાઈ જાય છે. થોડી જ સેકન્ડ્સના આ ઘટનાક્રમમાં પ્રતીક એનો હાથ ખોઈ બેસે છે.

પંકજભાઈ તેના દીકરાની આવી સ્થિતિ જોઈને હતપ્રભ બની જાય છે. સમયસૂચકતા વાપરીને તેઓ કપાઈને લિફ્ટના ઉપરના ભાગે ફસાયેલા હાથને ઉતારી લે છે. પ્રતીક અને તેના કપાયેલા હાથને લઈને તેઓ અસારવા સ્થિત મેડિસિટી સિવિલ હોસ્પિટલમાં દોડી જાય છે. અહીં પ્રતીકના હાથને મેડિકલ નોર્મ્સ પ્રમાણે બરફ અને પ્લાસ્ટિકમાં પ્રિઝર્વ કરવામાં આવે છે. અહીંથી પ્રતીકને હેન્ડ એન્ડ માઈક્રો સર્જરીના એકમાત્ર નિષ્ણાત ડૉક્ટર કર્ણ મહેશ્વરીને ત્યાં ક્રીષા હોસ્પિટલમાં લાવવામાં આવે છે.

કપાઇને છૂટા પડી ગયેલા હાથને ફરીથી જોડવા એટલે કે રિપ્લાન્ટ કરવા માટે બે થી છ કલાકનો સમય આદર્શ હોય છે. પ્રતીકનો હાથ કપાયો તેને હજી માત્ર બે કલાક જ થયા હતા, એટલે તબીબોની ટીમ પાસે પૂરતો સમય હતો.

ડૉ. કર્ણ મહેશ્વરી અને તેમની ટીમ આ ઓપરેશનની પૂર્વતૈયારી પ્રતીક હોસ્પિટલમાં આવે તે પહેલા જ આટોપી લે છે. પ્રતીકને ક્રીષા હોસ્પિટલમાં લાવતાની સાથે જ તેનું ઓપરેશન શરૂ કરવામાં આવે છે. બપોરે ચારથી મોડી રાત્રે બે વાગ્યા સુધી એમ ૧૦ કલાક ચાલેલી મેરેથોન સર્જરીમાં હાડકા, સ્નાયુ, લોહીની નળીઓ, ચેતા, ચામડી બધુ જોડી દેવામાં આવ્યું.

ઉલ્લેખનીય છે કે હેન્ડ એન્ડ માઈક્રો સર્જરીના નિષ્ણાત ડૉ. કર્ણ નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન (NBE) દ્વારા માન્યતા પ્રાપ્ત ફેલો એટ નેશનલ બોર્ડ (FNB) સર્જન છે. તેઓ સિવિલ હોસ્પિટલમાં ઓનરરી કન્સલ્ટન્ટ તરીકે સેવા આપે છે. એટલું જ નહીં, ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશ એમ ત્રણ રાજ્યો વચ્ચે કાર્યરત એવા એકમાત્ર હેન્ડ એન્ડ માઇક્રો સર્જરી તજ્જ્ઞ છે.

ડૉ. કર્ણ જણાવે છે કે, જો હાથ ખભાથી છૂટો પડે તો બે કલાકમાં, બાવડાથી છૂટો પડે તો ચાર કલાકમાં, કાંડાથી છૂટો પડે તો છ કલાકમાં અને કોઈ આંગળી કપાઈ જાય તો ૨૪ કલાકની અંદર તેને રિપ્લાન્ટ કરી શકાય છે. પ્રતીકના હાથને પીડિયાટ્રિક-ઓર્થોપેડિક સર્જન તેમજ એનેસ્થેટીસ્ટને સાથે રાખીને જોડવામાં આવ્યો છે.

તેઓ આગળ જણાવે છે કે, આ પ્રકારના કપાઈ ગયેલા હાથને જોડવાની સર્જરી ખૂબ જ જટિલ હોય છે. જો હાથ ડીકમ્પોઝ ન થયો હોય તો ઓપરેશનથી સ્નાયુ, ચેતા, લોહીની નળીઓ જોડીને તેને રિપ્લાન્ટ કરી શકાય છે. દસ દિવસ જેટલો સમય ઓબ્ઝર્વેશન કર્યા પછી હાથમાં રક્તનો પ્રવાહ અને હલનચલન પૂર્વવત્ થાય તો હાથ સફળતાપૂર્વક રિપ્લાન્ટ થયેલો ગણાય છે.

ડૉ. કર્ણ વધુમાં જણાવે છે કે, જૂની ટેકનોલોજી અને જાળીવાળી લિફ્ટમાં અકસ્માતની સંભાવના વધુ રહે છે, આથી આવી લિફ્ટ જો ઈમારતમાં હોય તો તેનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. આ ઉપરાંત હાથમાં કડું, બ્રેસલેટ, હાથની વીંટી વિગેરે પહેરતા હોઈએ તો તે ક્યાંય ફસાઈ નહીં તેનું પણ ધ્યાન રાખવું જોઈએ. શક્ય હોય તો બાળકને આવા ઘરેણા પહેરાવવા જોઇએ નહીં.

પ્રતીકનો હાથને રીપ્લાન્ટ થયો એને દસ દિવસ થયા છે અને તેની સ્થિતિ ખૂબ જ સારી છે. દીકરાના હાથને ફરીથી હલનચલન કરતો જોઈને પરિવાર અત્યંત ખુશ છે. શ્રમજીવી પરિવાર ડૉ. કર્ણને આશીર્વાદ આપતા થાકતો નથી.

પ્રતીકના મમ્મી કહે છે કે, જેમ ભગવાને ગણપતિ બાપાના મસ્તકને જોડી આપ્યું હતું એમ મારા દીકરાનો કપાયેલો હાથ ફરીથી જોડીને ડૉક્ટરે અમારા માટે ભગવાનનું કામ કર્યું છે.

પ્રતીક અંગ્રેજી શાળામાં ભણે છે, ખૂબ હોંશિયાર છે, ક્રિકેટ રમવાનો ખૂબ શોખ છે. જે જમણા હાથેથી દડો ફેંકતો હતો એ હાથ કપાઈ ગયો અને હવે ફરી પાછો જોડાઈ પણ ગયો છે.. પ્રતીકને તેનો પરિવાર અને ઇન્ટાસ કંપનીના હજારો કર્મચારીઓ ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવે છે સાથે-સાથે ડૉ. કર્ણને પણ અઢળક ધન્યવાદ આપે છે.    (વિશેષ અહેવાલ: ઉમંગ બારોટ, પ્રાદેશિક માહિતી કચેરી, અમદાવાદ)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.