Western Times News

Gujarati News

હિન્દુ, મુસ્લિમ, મરાઠા અને અંગ્રેજ શાસકોએ ચાંપાનેર પર શાસન કર્યું હતું- પૃથ્વીરાજ ચૌહાણના વંશજોએ ચાંપાનેરને પાટનગર બનાવ્યું

વર્લ્ડ હેરિટેજ વીક૨૦૨૪-ગુજરાતની ઐતિહાસિક નગરી ચાંપાનેર -છેલ્લા બે વર્ષમાં ૮૦ હજારથી વધુ દેશ- વિદેશના મુલાકાતીઓએ ચાંપાનેરની મુલાકાત લીધી

એક સમયની ગુજરાતની રાજધાની ચાંપાનેર આજે પણ સાચવીને બેઠી છે વૈશ્વિક ઐતિહાસિક ધરોહર

ચાંપાનેરને મળ્યો હતો વર્ષ ૨૦૦૪માં ‘UNESCO વર્લ્ડ હેરિટેજ સાઈટનો દરજ્જો- પાવાગઢ દર્શન કરવા જાવ ત્યારે આ હેરિટેજ સાઈટની મુલાકાત અવશ્ય લેવા જેવી છે. 

ભારત સહિત વિશ્વભરમાં અનેક યાદગાર હેરિટેજ સાઈટ  આવેલી છે. આ વારસો ફક્ત યાદ બનીને ના રહી જાય તે માટે દર વર્ષે યુનેસ્કો દ્વારા તા. ૧૯ થી ૨૫ નવેમ્બર દરમિયાન “ વર્લ્ડ હેરિટેજ વીક”ની ઉજવણી કરવામાં આવે છે. ભારત દેશ તેની પ્રાચીન ધરોહર માટે વિશ્વમાં આગવી ઓળખ ધરાવે છે. ભારતની સાથે ગુજરાત પણ તેના હેરિટેજ સ્થળો માટે વિશ્વ પ્રસિદ્ધ છે. ભારતની ૪૩ હેરીટેજ સાઈટોમાંથી ગુજરાતના ચાર સ્થળોનો સમાવેશ ‘UNESCO વર્લ્ડ હેરિટેજ સાઈટ’માં કરાયો છે. જેમાં ચાંપાનેર, રાણીની વાવ, કચ્છના ધોળાવીરા તથા અમદાવાદ શહેરનો સમાવેશ થાય છે.

ચાંપાનેરને વર્ષ ૨૦૦૪માં UNESCO વિશ્વ હેરિટેજ સાઈટની યાદીમાં સ્થાન મળ્યું છે. ચાંપાનેર ગુજરાતનું પ્રથમ અને ભારતનું ૨૬મું હેરિટેજ સ્થળ છે.  યુનેસ્કોએ ચાંપાનેરના ભવ્ય ઐતિહાસિક વારસાને વિશ્વ વારસા સ્થળ તરીકે જાહેર કરી આ ભવ્ય વિરાસતને વધુ વિશ્વ પ્રસિદ્ધ કરી છે. છેલ્લા બે વર્ષમાં આશરે ૮૦ હજારથી વધુ મુલાકાતીઓએ ચાંપાનેરની મુલાકાત લીધી છે જેમાં, ૭૮, ૩૬૭ ભારતીય તથા ૧,૬૩૯ વિદેશી પ્રવાસીઓનો સમાવેશ થાય છે.

પંચમહાલ જિલ્‍લામાં આવેલું ચાંપાનેર એક ઐતિહાસિક નગર છે. એક સમયે ચાંપાનેર ગુજરાતની રાજધાની હતું. તત્કાલીન સમયમાં આ ભવ્ય નગરની અનન્ય જાહોજલાલી હતી. ફકત ભારતમાં જ નહિ, દૂર-દૂરના દેશોમાં પણ ચાંપાનેરની ખ્યાતિ ભવ્ય હતી.

હિન્દુ, મુસ્લિમ, મરાઠા અને અંગ્રેજ શાસકોએ ચાંપાનેર પર શાસન કર્યું હતું. પૃથ્વીરાજ ચૌહાણના વંશજ ચૌહાણ રાજપૂતોએ ચાંપાનેરને પાટનગર બનાવી તેના વિકાસ માટે બંધાવેલ સ્મારકો તથા મુસ્લિમ શાસક મહમ્મદ બેગડાએ બંધાવેલા મહેલો અને મસ્જીદોનું સ્થાપત્ય સિવીલ અન્જીન્યરીંગનું અદ્ભૂત ઉદાહરણ છે.

દર વર્ષે હજારોની સંખ્યામાં દેશ-વિદેશના પર્યટકો ઉચ્ચ કક્ષાના બેનમૂન આર્કીટેકને સમજવા- જાણવા માટે અહી આવે છે. મુસ્લિમ શાસકોએ બંધાવેલા સ્મારકમાં હિન્દુ-જૈન સ્થાપત્યનો સુભગ સમન્વય પણ અહીં જોવા મળે છે.

ચાંપાનેરના શાહી કિલ્લાની બહાર જુમ્મા મસ્જિદની ભવ્ય ઈમારતની સુવ્યવસ્થિત રચનાનાં વિવિધ અંગો ભારતીય-ઈસ્લામી સુશોભનોથી આગવું મહત્ત્વ ધરાવે છે. તેનાં પાંચ મનોહર પ્રવેશદ્વારો સુશોભિત કોતરણીથી અનેરું આકર્ષણ ઉભું કરે છે. તેના મકસુરાની પાંચ ક્માનો પાસેના છજા, સુંદર મિનારા અને મુખ્ય કમાન પાસેનું છજું તેની શોભામાં વધારો કરે છે. સુલતાનની રાજધાની અને નિવાસસ્થાન તરીકે ચાંપાનેરનું મહત્વ જામા મસ્જિદમાં શ્રેષ્ઠ રીતે દર્શાવવામાં આવ્યું છે, જે ભારતમાં પાછળથી મસ્જિદ આર્કિટેક્ચરનું મોડેલ બન્યું.

આ ઉપરાંત ત્યાં આવેલી નગીના મસ્જિદ અને તેની પાસેનો સુશોભિત મકબરો, કેવડા મસ્જિદ, શહેરની મસ્જિદ, લીલા ગુંબજ મસ્જિદ વગેરે સ્થળો પણ પોત-પોતાની આગવી લાક્ષણિકતા ધરાવે છે.

ચાંપાનેર હિન્દુ, જૈન અને મુસ્લિમ ધર્મોના ત્રિવેણી સંગમ જેવું છે. માતા મહાકાલીના મંદિર સાથે રૂદ્રાવતાર લકુલીશ મંદિર, જૈન મંદિરો અને મસ્જીદોને પોતાના ખોળે સમાવતું આ સ્થળ ધાર્મિક સાથે પ્રાકૃતિક સૌદર્યનું પણ ધામ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.