Western Times News

Gujarati News

“કુખ્યાત” ખ્યાતિ હોસ્પિટલના વધુ બે કરતૂત ખૂલ્યા-ઘૂંટણ બતાવવા આવેલા દર્દીને સ્ટેન્ટ મૂક્યું

(એજન્સી)અમદાવાદ, અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ જાણે દર્દીઓ માટે જીવલેણ બની રહી હોય તેવું લાગી રહ્યું છે. ખ્યાતિ હોસ્પિટલ હત્યાકાંડ મામલો હજુ શાંત નહિ પડ્યો છતાં દિવસેને દિવસે એક બાદ એક મોટા ખુલાસા થઈ રહ્યા છે. હવે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના બીજા બે કરતૂત સામે આવ્યા છે.

મહેસાણાના જોરણગ ગામમાં પણ કેમ્પ કરવામાં આવ્યો હતો. ઓપરેશન કર્યાના ૩ મહિના બાદ એક વ્યક્તિનું મૃત્યુ થયુ છે. અન્ય એક મોટો ખુલાસો થયો છે આ હોસ્પિટલમાં હાથના દુઃખાવાની સમસ્યા સાથે પહોંચેલા દર્દીની પણ એન્જિયોપ્લાસ્ટી કરી દેવામાં આવી હતી. જેના લીધે તેમનું સ્વાસ્થ્ય કથળતા મૃત્યુ થયું હતું.

ખ્યાતિ હોસ્પિટલે ૧૮ ડિસેમ્બર ૨૦૨૨ના રોજ કેમ્પનું આયોજન કર્યું હતુ. જોરણગ સાર્વજનિક હોસ્પિટલમાં ફ્રી સારવારનો કેમ્પ કર્યો હતો. કેમ્પમાં ૩૫ થી ૪૦ લોકોનું નિદાન કરાવ્યું હતુ. કેમ્પ કરી ૧૫થી વધુ વ્યક્તિઓને અમદાવાદ સારવાર માટે લઈ જવાયા હતા.

૭ લોકોને જરુરિયાત ન હોવા છતાં પણ ઓપરેશન કર્યાના સવાલ ઉભા થયા છે. ઘૂંટણ બતાવવા આવેલા દર્દીઓના પણ હૃદયની બિમારી દર્શાવીને ઓપરેશન કર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. લક્ષ્મણભાઈ રાવળનું સ્ટેન્ટ મૂક્યાના ત્રણ મહિનાઓ બાદ મૃત્યુ થયું હતુ. જ્યારે ૬ દર્દીને હાલમાં પણ તકલીફમાં હોય તેવા આક્ષેપ કરવામાં આવી રહ્યાં છે. સમગ્ર મામલે તપાસ થાય તેવી સ્થાનિકોએ માંગ કરી છે.

બીજી ઘટનામાં સાણંદના નિરાધડ ગામના ભીખાજી ડાભીને છેલ્લાં ઘણાં દિવસોથી હાથમાં સતત દુખાવાની ફરિયાદ હતી. જેના કારણે તેઓ ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર માટે આવ્યા હતા. તેઓએ હજુ પોતાની સમસ્યાની જાણ ડૉક્ટરને કરી જ હતી ત્યાં તેમની પહેલા એન્જિયોગ્રાફી કરી નાખવામાં આવી હતી ત્યારબાદ તેમની એન્જિયોપ્લાસ્ટી કરી દેવામાં આવી હતી.

એટલું જ નહીં એન્જિયોપ્લાસ્ટી કરતાં અગાઉ તેમણે ભીખાજીના પરિવારને જાણ પણ કરી ન હતી. એન્જિયોપ્લાસ્ટી બાદ તેમનું સ્વાસ્થ્ય બગાડવા લાગ્યું. તેમના હૃદયનું પમ્પિંગ ઘટીને ૨૦ ટકા થઈ ગયું હતું. તેઓને તાકીદે અન્ય હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા પણ ખ્યાતિના કુખ્યાત ડોક્ટરોએ તેમનું સ્વાસ્થ્ય એ હદે કથળાવી દીધું હતું કે બીજી હોસ્પિટલમાં પણ ભિખાજીને બચાવી શકાયા ન હતા. ખ્યાતિ હોસ્પિટલની આ બેદરકારીના કારણે હવે ભિખાજીના દીકરા વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.