રૂપિયાની લેતી દેતી બાબતે ૩ શખ્સે પ્રિન્સિપાલનું અપહરણ કરી ફટકાર્યાં
પ્રિન્સિપાલે દુબઈના મિત્ર સાથે વેપારમાં રોકાણ કરવા ૩.પ૦ કરોડ ઉછીના લીધા હતા
અમદાવાદ, મણિનગરમાંથી સુરતની સ્કૂલના પ્રિન્સિપાલનું ત્રણ શખ્સોએ રૂપિયાની લેતી દેતીમાં અપહરણ કરીને કઠવાડા પાસે ફાર્મ હાઉસમાં ગોંધી રાખીને માર માર્યો હતો. જેમાં પ્રિન્સિપાલના મિત્રે શખ્સ પાસેથી રૂ.૩.પ૦ કરોડ લીધા હતા જે પરત ન આપ્યા હતા અને તે દુબઈ રહે છે જ્યારે પ્રિન્સિપાલે વોશરૂમનું બહાનું કાઢીને ભાગી છૂટયા હતા. આ અંગે પ્રિન્સિપાલે ત્રણ શખ્સો સામે મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
સુરતમાં રહેતા સંજયકુમાર પટેલ સ્નેહરશ્મિ પ્રાથમિક શાળા સુરતમાં પ્રિન્સિપાલ તરીકે નોકરી કરે છે. આઠ મહિના પહેલાં તેમના મિત્ર ચંદ્રેશ મકાસણા દ્વારા જિગ્નેશ બલદાણિયા સાથે નિકોલમાં મુલાકાત થઈ હતી.
જિગ્નેશ ગર્વમેન્ટ કોન્ટ્રાક્ટર છે. સંજયકુમાર અને જિગ્નેશ વચ્ચે મિત્રતા થતાં રૂપિયાની લેતી-દેતી થવા લાગી હતી. સંજયભાઈએ ચંદ્રેશ પાસે ગર્વમેન્ટ કામકાજ કરવા ભાગીદારીમાં સાત મહિનામાં કુલ રૂ.૧૪ કરોડનું રોકાણ કર્યું હતું જેની સામે સંજયભાઈએ કુલ રૂ.૧૭.૮૦ કરોડ ચૂકવી આપ્યા હતા.
આ દરમિયાન જિગ્નેશ અને કુલદીપ સોલંકીએ ચંદ્રેશને ૩.પ૦ કરોડ આપ્યા હતા પરંતુ પરત આપ્યા ન હતા જ્યારે ગત ૧૯ નવેમ્બરે જિગ્નેશ સંજયભાઈને ફોન કરીને તમે કયારે અમદાવાદ આવવાનો છો ? ધંધા માટે મળવું છે કહેતા ગત ર૦ નવેમ્બરે સંજયભાઈ મિત્રની કાર લઈને મણિનગર જિગ્નેશને મળવા આવ્યા હતા.
દરમિયાન જિગ્નેશે મણિનગરમાં આવેલા મીનાક્ષી કોમ્પલેક્ષમાં ત્રીજા માળની ઓફિસમાં સંજયભાઈને લઈ ગયો હતો જ્યાં કુલદીપ અને અન્ય છ શખ્સો અગાઉથી હાજર હતા. તમામને સંજયભાઈને માર મારીને પર્સ, મોબાઈલ, કારની ચાવી સહિતની વસ્તુઓ લઈ લીધી હતી જેથી સંજયભાઈએ પૂછતા કુલદીપે જણાવ્યું હતું કે, ચંદ્રેશ જ્યાં સુધી રૂપિયા નહીં આપે ત્યાં સુધી તમને ગોંધી રાખીશું. બાદમાં શખ્સોએ સુરેન્દ્રનગર લઈ જવાનું કહીને રાજકોટ હાઈવે પર લઈ ગયા હતા
અને મણિનગર ઓફિસે પરત લાવીને અપહરણ કરીને જાણુ ગામ પાસે આવેલા ફાર્મમાં લઈ જઈને ચંદ્રેશના રૂપિયા તારે આપવાના છે નહીં આપે તો મારી નાંખવાની ધમકી આપીને માર માર્યો હતો. રાત્રીના સમયે સંજયભાઈ વોશરૂમનું બહાનું કાઢીને અંધારામાં પાછળ ખુલ્લા ખેતરમાંથી કઠવાડા તરફ ભાગીને એક વ્યક્તિની મદદ માંગીને ફોન કરીને ભાઈને બોલાવીને સમગ્ર હકીકત જણાવી હતી. આ અંગે સંજયકુમારે કુલદીપ, જિગ્નેશ અને રોકી સામે મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.